<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

જંતર-મંતર પર ઉગ્ર સંગ્રામ: ચૂંટણી કમિશનર સામે વિરોધ કરતા આપના દિગ્ગજ નેતાઓ આતિશી, સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજ સહિત ૫૦૦ થી વધુ કસ્ટડીમાં

ગાંધી જયંતીના દિવસે દિલ્હીમાં હાઇડ્રામા: મંજૂરી વિના પ્રદર્શન કરનારાઓ પર પોલીસનો કડક પંજો, BNS કલમ ૧૬૩ વચ્ચે CAPF ની ટુકડીઓ તહેનાત

નવી દિલ્હી, તા.02: દેશની રાજધાની દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે ગાંધી જયંતીના પવિત્ર દિવસે જ રાજકીય સંગ્રામ અને હાઇડ્રામાનો માહોલ સર્જાયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મોરચો માંડીને વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા આમ આદમી પાર્ટી (AAP) અને વિપક્ષી નેતાઓ પર દિલ્હી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. 'આપ'ના પ્રદેશ અધ્યક્ષ સૌરભ ભારદ્વાજ, આતિશી, સંજય સિંહ, સંજીવ ઝા અને અનુરાગ ઢાંડા સહિત ૫૦૦ થી વધુ નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

વોટર લિસ્ટના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત હજારો મતદારોના નામ કથિત રીતે ગેરકાયદેસર કાઢી નાખવાના ગંભીર આક્ષેપો સાથે વિપક્ષી દળોએ મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની ઉગ્ર માગણી કરી હતી. આ વિરોધ પ્રદર્શનને બુલંદ બનાવવા માટે સૌરભ ભારદ્વાજે જનતાને મોટી સંખ્યામાં એકઠા થવાની અપીલ કરી હતી.

જંતર-મંતર છાવણીમાં ફેરવાયું, BNS ની કલમ ૧૬૩ લાગુ

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, ગાંધી જયંતી પર યોજાયેલા આ પ્રદર્શન માટે અગાઉથી કોઈ કાનૂની મંજૂરી લેવામાં આવી ન હતી. જેને પગલે વહેલી સવારથી જ જંતર-મંતર વિસ્તારમાં ચુસ્ત બેરિકેડિંગ કરીને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ કરી દેવાયો હતો.


•    સુરક્ષા બંદોબસ્ત: કાયદો અને વ્યવસ્થા જાળવવા વિસ્તારમાં BNSS ની કલમ ૧૬૩ લાગુ કરી દેવાઈ છે.

•    CAPF તહેનાત: પરિસ્થિતિ વણસે નહીં તે માટે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) ના જવાનોનો કાફલો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે.

•    વધારાની અટકાયતો: પ્રદર્શન સ્થળ નજીકથી જ આઈસા (AISA) ના કાર્યકરો અને અન્ય સંસ્થાઓના વધુ ૧૫૦ જેટલા દેખાવકારોની કસ્ટડી લેવામાં આવી હતી.

દરમિયાન, દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમારે પોતે જંતર-મંતર પહોંચીને સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

"આ ગાંધીનો દેશ છે, પોલીસ સ્ટેટ નહીં ચાલે" - મનોજ ઝાનો પ્રહાર

પ્રદર્શનમાં જોડાવા પહોંચેલા RJD સાંસદ મનોજ ઝાએ પોલીસી કાર્યવાહીની આકરી ટીકા કરતા આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "તેમને શરમ આવવી જોઈએ! શું લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરવા માટે પણ પરવાનગી લેવી પડશે? આ ગાંધીનો દેશ છે અને આજે તેમની જ જયંતી છે." વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, "સરકાર ભલે ગમે તેટલું પોલીસ સ્ટેટ બનાવી દે, પરંતુ જ્ઞાનેશ કુમાર, વડાપ્રધાન મોદી અને અમિત શાહ પોતાના ગુનાઓ છુપાવી શકશે નહીં."

(5:18 PM IST)