<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

હિન્દુ હોવા માટે મંદિર જવું જરૂરી નથી, શ્રદ્ધા સાબિત કરવા ઘરે એક દીવો પ્રગટાવવો પણ પૂરતો છે: સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક ટિપ્પણી

હિન્દુ ધર્મ એ માત્ર ધર્મ નહીં પણ જીવન જીવવાની રીત છે: CJI સૂર્યકાંત અને જસ્ટિસ નાગરત્નાની ખંડપીઠે ધાર્મિક સ્વતંત્રતા અને આસ્થાના ઊંડા અર્થ સમજાવ્યા

 

નવી દિલ્હી, તા.૧૩: સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સબરીમાલા મંદિર કેસની સુનાવણી દરમિયાન બુધવારે હિન્દુ ધર્મ અને શ્રદ્ધાને લઈને અત્યંત ગંભીર અને દૂરગામી અવલોકનો કરવામાં આવ્યા હતા. ૯ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે હિન્દુ ધર્મ મૂળભૂત રીતે 'વે ઓફ લાઈફ' એટલે કે જીવન જીવવાની એક પદ્ધતિ છે. અદાલતે જણાવ્યું કે કોઈ વ્યક્તિની શ્રદ્ધા સાબિત કરવા માટે તેને મંદિરે જવાની કે કોઈ ચોક્કસ ધાર્મિક વિધિ કરવાની આવશ્યકતા નથી.

શ્રદ્ધા એ અંતરની બાબત છે: જસ્ટિસ નાગરત્ના

સુનાવણી દરમિયાન એડવોકેટ ડો. મોહન ગોપાલે જ્યારે વેદોની સર્વોપરિતા અને હિન્દુ ધર્મની વ્યાખ્યા પર પ્રશ્નો ઉઠાવ્યા, ત્યારે જસ્ટિસ બી.વી. નાગરત્નાએ અત્યંત તાર્કિક જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, "એટલા માટે જ હિન્દુ ધર્મને જીવનશૈલી કહેવામાં આવે છે. હિન્દુ રહેવા માટે મંદિરમાં જવું કે કોઈ પણ વિશિષ્ટ ધાર્મિક વિધિ કરવી ફરજિયાત નથી." તેમણે ઉમેર્યું કે કોઈ વ્યક્તિ શ્રદ્ધા ધરાવતી હોવા છતાં કદાચ કોઈ વિધિ ન પણ કરે, છતાં તેની આસ્થા અખંડ રહી શકે છે.

ઘરનો દીવો પણ શ્રદ્ધાનું પ્રતીક: CJI સૂર્યકાંત

મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે જસ્ટિસ નાગરત્નાની વાત સાથે સહમતી દર્શાવતા એક હૃદયસ્પર્શી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું, "કોઈ વ્યક્તિના ઘરમાં માત્ર એક દીવો પ્રગટાવવો પણ તેના ધર્મ અને શ્રદ્ધાને સાબિત કરવા માટે પૂરતો છે." આ અવલોકન દ્વારા કોર્ટે એ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે આસ્થા એ પ્રદર્શનની નહીં પણ આંતરિક અનુભૂતિની વસ્તુ છે.

સેંકડો અરજીઓનો ખતરો અને ૨૦૧૮નો ચુકાદો

કોર્ટે અગાઉ પણ ચિંતા વ્યક્ત કરી હતી કે જો દરેક ધાર્મિક પ્રથા પર બંધારણીય અદાલતમાં સવાલો ઉઠાવવામાં આવે, તો અરજીઓનો પૂર આવશે અને ધર્મના વિઘટનનો ભય રહેશે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે ૧૦ થી ૫૦ વર્ષની મહિલાઓના સબરીમાલા પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવ્યો હતો. આ નિર્ણય સામે અનેક પુનર્વિચાર અરજીઓ દાખલ થઈ છે, જેની સુનાવણી હાલમાં ૧૫માં દિવસે પૂર્ણ થઈ છે.

અદાલતના આ અવલોકનોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ભારતીય ન્યાયતંત્ર ધર્મના બાહ્ય આડંબરો કરતા તેની આધ્યાત્મિક અને સામાજિક ગહનતાને વધુ મહત્વ આપે છે.

 

(5:18 PM IST)