News of Sunday, 31st May 2026
લેબેનોનમાં ઘૂસી ઈઝરાયલની સેનાનો 26 વર્ષ બાદ ફરી 'બ્યુફોર્ટ કેસલ' પર કબજો
મિડલ ઇસ્ટના યુધ્ધમાં નવો વળાંકઃ સરહદની અંદર સૌથી મોટી ઘુષણખોરી

નવી દિલ્હીઃ દક્ષિણ લેબેનોનમાં ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં એક મોટો વળાંક આવ્યો છે. ઈઝરાયલી સૈનિકોએ દક્ષિણ લેબેનોનમાં પહાડની ટોચ પર આવેલા 'બ્યુફોર્ટ કેસલ' પર કબજો જમાવ્યો છે. આ ઈઝરાયલની છેલ્લા 26 વર્ષમાં લેબેનોન સરહદની અંદરની સૌથી મોટી ઘૂસણખોરી માનવામાં આવે છે.
શું છે બ્યુફોર્ટ કેસલનું મહત્ત્વ?
ક્રુસેડર યુગમાં નિર્મિત આ કિલ્લો દક્ષિણ લેબેનોનમાં ખૂબ જ વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે કે આ કિલ્લા પર ઈઝરાયલનો ધ્વજ લહેરાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 1982થી 2000 સુધી પણ ઈઝરાયલી સેના આ કિલ્લા પર નિયંત્રણ ધરાવતી હતી.
આ કબજો નાબાતીયેહ શહેર પાસેના વિસ્તારોમાં ઘણા દિવસોથી ચાલી રહેલી તીવ્ર લડાઈ અને હવાઈ હુમલાઓ બાદ થયો છે. ઈઝરાયલી સેનાનો હેતુ હિઝબુલ્લાહના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પાડવાનો અને ઈઝરાયલી નાગરિકો માટેના 'સીધા ખતરા'ને દૂર કરવાનો છે.
લિતાની નદી ઓળંગીને ઈઝરાયલી સેના હવે નાબાતીયેહ શહેરથી માત્ર 5 કિમી દૂર છે અને ત્યાંના રહેવાસીઓને શહેર ખાલી કરવાના આદેશ આપ્યા છે. આ યુદ્ધમાં લેબેનોનમાં 3,350+ મૃત્યુ, 1 મિલિયનથી વધુ વિસ્થાપિત બન્યા છે.
ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે વોશિંગ્ટનમાં 2 જૂનથી ફરીથી રાજદ્વારી વાટાઘાટો યોજાવાની છે. તેમ છતાં, ઈઝરાયલનું આ આક્રમક પગલું એ સાબિત કરે છે કે તેઓ કોઈ પણ સમાધાન પહેલાં પોતાનું સૈન્ય પ્રભુત્વ સ્થાપિત કરવા માંગે છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
