News of Sunday, 4th October 2026
ઈરાનનો અમેરિકાને અલ્ટીમેટમ: "૭ શરતો માનો તો ૭ દિવસમાં ખોલીશું હોર્મુઝ: નહિતર યુદ્ધ માટે તૈયાર રહે વોશિંગ્ટન"
વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી અને સ્પીકર ગાલિબાફે સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું કે અમેરિકાની મધ્યસ્થી અને લશ્કરી ધમકીઓ સામે ઈરાન ઝૂકશે નહીં

વોશિંગ્ટન : મધ્ય પૂર્વમાં સળગી રહેલી યુદ્ધની જ્વાળાઓ વચ્ચે હવે વૈશ્વિક ઊર્જા સંકટ ઘેરું બનવાના એંધાણ દેખાઈ રહ્યા છે. વિશ્વના આશરે ૨૦ ટકા તેલ પુરવઠા માટે જીવનદોરી સમાન ગણાતી હોર્મુઝ પર ઈરાને પોતાની પકડ મજબૂત બનાવી દીધી છે. ઈરાને અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં અલ્ટીમેટમ આપતા જાહેરાત કરી છે કે જ્યાં સુધી વોશિંગ્ટન તેમની ૭ મુખ્ય શરતો સ્વીકારશે નહીં, ત્યાં સુધી આ દરિયાઈ માર્ગ ખોલવામાં નહીં આવે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે ખુલ્લેઆમ જણાવ્યું છે કે એકપક્ષીય દબાણ કરવાનો અને વાટાઘાટોને બિનજરૂરી લંબાવવાનો અમેરિકાનો સમય હવે પૂરો થઈ ગયો છે.
દરમિયાન, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ તેહરાનમાં વિદેશી રાજદૂતો સાથેની મહત્ત્વની બેઠક બાદ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે ઉમેર્યું કે જો અમેરિકા ઈસ્લામાબાદ સમજૂતી મુજબ પ્રસ્તાવિત શાંતિ યોજના અને શરતો સ્વીકારી લે, તો ઈરાન માત્ર ૭ દિવસની અંદર હોર્મુઝ સ્ટ્રેટ પરથી તમામ નિયંત્રણો હટાવીને તેને ફરીથી ધમધમતું કરવા તૈયાર છે. જોકે, તેમણે સાથે જ અમેરિકી નૌકાદળની નાકાબંધી સામે કડક ચેતવણી આપતા કહ્યું કે તેહરાન રાજદ્વારી ઉકેલ ઇચ્છે છે, પરંતુ જો અમેરિકા લશ્કરી કાર્યવાહીનો માર્ગ પસંદ કરશે તો ઈરાન વળતો પ્રહાર કરવા માટે પહેલા કરતાં પણ વધુ સજ્જ અને તૈયાર છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે સર્જાયેલા આ અભૂતપૂર્વ રાજકીય અને લશ્કરી તણાવના કારણે વૈશ્વિક ઓઈલ બજારમાં હાહાકાર મચી ગયો છે. હોર્મુઝનો માર્ગ બાધિત થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ સતત ૧૦૦ ડૉલર પ્રતિ બેરલની સપાટી વટાવી ચૂક્યા છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ ૧૦૨ ડૉલર, WTI ક્રૂડ ૯૨ ડૉલર અને મુર્બન ક્રૂડ ૧૧૦.૮ ડૉલર પ્રતિ બેરલની વાજબીથી ઉપર પહોંચી જતાં સમગ્ર વિશ્વમાં મોંઘવારીનો નવો ભડકો થવાની અને આર્થિક મંદી ઘેરી બનવાની આશંકાઓ વ્યક્ત થઈ રહી છે.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
