<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

ઈરાનના બંદર પર અમેરિકાના હુમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર: કુવૈતમાં મિસાઈલ એટેક, બહેરીનમાં સાયરન ગાજ્યા

અમેરિકાએ ૧૫ જૂન પછી પ્રથમ વખત હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો માટે ખતરાનું સ્તર 'સબસ્ટેનશિયલ' (મધ્યમ)થી વધારીને 'સીવિયર' (અતિ ગંભીર) કરી દીધું

તહેરાન: અમેરિકા દ્વારા ઈરાનના બંદર પર કરવામાં આવેલા જબ્બર મિસાઈલ હુમલા બાદ હવે ઈરાને આકરો વળતો પ્રહાર કર્યો છે. કુવૈતમાં ડ્રોન અને મિસાઈલ એટેક કરવામાં આવ્યા છે, જ્યારે બહેરીનમાં હુમલાના ભયને પગલે સાયરન વાગ્યા છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે અમેરિકાએ ૧૫ જૂન પછી પ્રથમ વખત હોર્મુઝ સ્ટ્રેટમાંથી (સામુદ્રધુની) પસાર થતા જહાજો માટે ખતરાનું સ્તર 'સબસ્ટેનશિયલ' (મધ્યમ) થી વધારીને 'સીવિયર' (ગંભીર) કરી દીધું છે.

 

આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો અનુસાર, મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ સ્ફોટક બની છે. તાજેતરમાં અમેરિકી દળો દ્વારા ઈરાનના બંદર અને લશ્કરી ઠેકાણાઓ પર જબ્બર મિસાઈલ બોમ્બમારો કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીના પ્રત્યાઘાત રૂપે ઈરાને પણ હવે આક્રમક વલણ અપનાવીને વળતો પ્રહાર કર્યો છે.

 

પ્રાપ્ત વિગતો મુજબ, ઈરાન અને તેના સમર્થિત જૂથો દ્વારા કુવૈતના કેટલાક વિસ્તારોને નિશાન બનાવીને ડ્રોન અને મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પડોશી દેશ બહેરીનમાં પણ સંભવિત હવાઈ હુમલાના ખતરાને પગલે સાયરન વગાડવામાં આવ્યા હતા, જેનાથી સ્થાનિક લોકોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળ્યો હતો.

 

આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર આ યુદ્ધની સીધી અસર જોવા મળી રહી છે. વૈશ્વિક ક્રૂડ ઓઈલના પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં (સામુદ્રધુની) વ્યાપારી જહાજો પર હુમલાનો ખતરો વધી ગયો છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા અમેરિકન નેવી અને સુરક્ષા એજન્સીઓએ ૧૫ જૂન પછી પ્રથમ વખત આ વિસ્તારમાંથી પસાર થતા જહાજો માટે સુરક્ષા એલર્ટ જારી કર્યું છે. ખતરાનું સ્તર જે અગાઉ 'સબસ્ટેનશિયલ' (મધ્યમ) હતું, તેને તાત્કાલિક અસરથી વધારીને 'સીવિયર' (ગંભીર) કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. જહાજોને સતર્ક રહેવા અને સુરક્ષા પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

(10:24 AM IST)