<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

IPL માં ‘વંશીય ટિપ્પણી’નો વંટોળ: અર્શદીપ સિંહે તિલક વર્માને કહ્યું ‘ઓયે અંધેરે...’, સોશિયલ મીડિયા પર ફેન્સનો ફાટી નીકળ્યો આક્રોશ

“મજાક કે અપમાન?”: ધર્મશાળામાં પ્રેક્ટિસ દરમિયાન અર્શદીપની ટિપ્પણીથી તિલક વર્માના ચહેરા પર દેખાઈ નિરાશા, BCCI પાસે કડક કાર્યવાહીની ઉઠી માંગ

ધર્મશાળા : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં રમતની સાથે સાથે હવે વિવાદો પણ ચરમસીમાએ પહોંચ્યા છે. પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. મુંબઈ ઇન્ડિયન્સ સામેના મુકાબલા પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન અર્શદીપે મુંબઈના યુવા બેટ્સમેન તિલક વર્મા વિરુદ્ધ કથિત રીતે જાતિવાદી ટિપ્પણી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ક્રિકેટ જગતમાં ચર્ચા જાગી છે.
 
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વિવાદાસ્પદ વીડિયો
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે અર્શદીપ સિંહ તિલક વર્મા તરફ જોઈને કટાક્ષ કરતા કહે છે, “ઓયે અંધેરે, સનસ્ક્રીન લગાયા?” આ ટિપ્પણી બાદ તિલક વર્માના ચહેરા પર સ્પષ્ટપણે અસ્વસ્થતા અને દુઃખ જોવા મળ્યું હતું. ઈન્ટરનેટ યુઝર્સનું કહેવું છે કે ત્વચાના રંગને લઈને કરવામાં આવેલી આ ટિપ્પણી અત્યંત અસંવેદનશીલ છે અને તેને માત્ર ‘મજાક’ ગણી શકાય નહીં.
 
તિલક વર્માની પ્રતિક્રિયાએ ખેંચ્યું ધ્યાન
વીડિયોમાં તિલક વર્માના હાવભાવ જોઈને પ્રશંસકો વધુ રોષે ભરાયા છે. દર્શકોનું માનવું છે કે તિલક આ ટિપ્પણીથી દેખીતી રીતે જ નિરાશ થયો હતો અને તેણે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે, “જ્યારે મજાક કોઈના દિલને ઠેસ પહોંચાડે, ત્યારે તે મજાક રહેતી નથી પણ અપમાન બની જાય છે.”
 
BCCI પાસે તપાસની માંગ
આ ઘટનાને પગલે ક્રિકેટ ચાહકો હવે BCCI પાસે અર્શદીપ સિંહ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ BCCI એ ખેલાડીઓ અને સ્ટાફ માટે શિસ્તના કડક નિયમો જારી કર્યા છે. જો આ મામલે તપાસ થશે અને અર્શદીપ દોષિત ઠરશે, તો તેના પર ભારે દંડ કે પ્રતિબંધ પણ લાગી શકે છે. જોકે, હજુ સુધી આ મામલે પંજાબ કિંગ્સ કે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
 
ખરાબ ફોર્મ અને સોશિયલ મીડિયા પર ટીકા
અર્શદીપ સિંહ પહેલેથી જ તેના ખરાબ ફોર્મને કારણે ચાહકોના નિશાન પર હતો. તેવામાં તેની ગર્લફ્રેન્ડ સાથે મુસાફરી કરવાના વીડિયો અને હવે આ વંશીય ટિપ્પણીના વિવાદે તેની મુશ્કેલીઓ વધારી દીધી છે. ધર્મશાળાના સુંદર મેદાન પર રમાનારી મેચ પહેલા બનેલી આ ઘટનાએ ખેલદિલી પર અનેક સવાલો ઊભા કર્યા છે. આ વિવાદ કઈ દિશામાં વળાંક લે છે, તેના પર હવે સૌની નજર ટકેલી છે.

(7:49 PM IST)