News of Saturday, 10th October 2026
IPOમાં રોકાણકારોની દોટ ! ૯૭માંથી ૬૩ કંપનીઓનું પ્રીમિયમ લિસ્ટિંગ
IPO રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં

નવી દિલ્હી,તા.૧૦: ભારતીય શેરબજારમાં એક તરફ સતત નબળાઈ જોવા મળી રહી છે, તો બીજી તરફ પ્રાથમિક બજારમાં રોકાણકારોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં ભારતીય બેન્ચમાર્ક શેરબજાર સૂચકાંકોમાં આશરે ૧૩થી ૧૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે, આ સ્થિતિમાં પણ પ્રારંભિક જાહેર ભરણાં (IPO) રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. આ વર્ષે અત્યાર સુધીમાં મેઈનબોર્ડ પર કુલ ૯૭ કંપનીઓનું લિસ્ટિંગ થયું છે, જેમાંથી ૬૩ કંપનીઓના શેર ઇશ્યૂ ભાવ કરતાં ઊંચા ભાવે લિસ્ટ થયા છે. આ આંકડા દર્શાવે છે કે શેરબજારની નબળાઈ વચ્ચે પણ IPO પ્રત્યે રોકાણકારોનો વિશ્વાસ યથાવત્ છે.
ભારતીય ઇક્વિટી બજારમાં નબળાઈ પાછળ વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય બજારોના નબળા સંકેતો મુખ્ય કારણો હોવાનું માનવામાં આવે છે. મોંઘા ક્રૂડ ઓઇલ, ભૂરાજકીય તણાવ, અમેરિકાના ૧૦ વર્ષના બોન્ડની યીલ્ડમાં વધારો, રૂપિયાની નબળાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા સતત વેચવાલીથી બજાર પર દબાણ વધ્યું છે.
એક તરફ શેરબજારમાં રોકાણકારોને અપેક્ષિત વળતર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે, તો બીજી તરફ ત્ભ્બ્માં લિસ્ટિંગ સમયે મળતા સંભવિત પ્રીમિયમને કારણે નવા ઇશ્યૂ તરફ આકર્ષણ વધી રહ્યું છે. પરિણામે, કેટલાક રોકાણકારો ગૌણ બજાર માં સીધા શેર ખરીદવાને બદલે પ્રાથમિક બજાર માં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે.
વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં મેઈનબોર્ડ પર ૯૭ કંપનીઓનું લિસ્ટિંગ થયું છે. તેમાંથી ૬૩ કંપનીઓના શેર ઇશ્યૂ ભાવ કરતાં ઊંચા ભાવે બજારમાં પ્રવેશ્યા છે. આ કારણે રોકાણકારોમાં IPO દ્વારા કમાણી કરવાની આશા મજબૂત બની છે.
જોકે, પ્રીમિયમ પર લિસ્ટિંગ થવું એ ભવિષ્યમાં પણ શેરનો ભાવ વધશે તેની ગેરંટી નથી. લિસ્ટિંગ બાદ કંપનીના શેરમાં ઘટાડો પણ થઈ શકે છે. તેથી માત્ર અગાઉના લિસ્ટિંગના આંકડા જોઈને રોકાણ કરવાનો નિર્ણય લેવાને બદલે કંપનીના નાણાકીય પરિણામો, મૂલ્યાંકન, વ્યવસાયની સંભાવનાઓ અને જોખમોનું મૂલ્યાંકન કરવું જરૂરી છે.
ભારતીય શેરબજારમાં ઘટાડો એવા સમયે નોંધાયો છે જ્યારે દેશની આર્થિક વૃદ્ધિના આંકડા મજબૂત હોવાનું સામે આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) વૃદ્ધિદર ૭.૮ ટકા નોંધાયો હતો. આર્થિક વિકાસ અને ફુગાવાને લઈને સકારાત્મક સંકેતો હોવા છતાં શેરબજારમાં અપેક્ષિત તેજી જોવા મળી નથી.(
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
