News of Thursday, 23rd July 2026
લોકસભા અને રાજ્યસભામાં ચર્ચાના બદલે હંગામો, બબાલ અને માથાકુટઃ ૩ દિવસમાં ૨૭ કરોડનો ધુમાડો
સંસદીય કાર્યવાહી માટે દર મિનિટે ૨.૫ લાખ રૂપિયા, દર કલાકે ૧.૫ કરોડ રૂપિયા અને એક દિવસમાં આશરે ૯ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે : મોન્સૂન સત્રના પ્રથમ ત્રણ દિવસ જનતાના કરોડો રૂપિયા પાણીમાં ગયા, સરકાર અને વિપક્ષના અડગ વલણથી લોકતંત્રને નુકસાન

નવી દિલ્હી,તા.૨૩: મોન્સૂન સત્ર શરૂ થઈ ગયું છે અને ત્રણ દિવસ પસાર થઈ ચૂક્યા છે. આ ત્રણ દિવસમાં સંસદની સામાન્ય કાર્યવાહી પણ શરૂ થઈ નથી. લોકસભા અને રાજ્યસભામાં ચર્ચાના બદલે હંગામો, બબાલ અને માથાકુટ જોવા મળી રહી છે. સવાલના બદલે સતત નારેબાજી અને કાયદો બનાવવા માટે જે પ્રક્રિયા અનુસરવાની હોય એ સતત બ્રેક થઈ રહી છે.
આ કારણે વારંવાર સદનને સ્થગિત કરવામાં આવે છે. પહેલા જ દિવસે સદનમાં ખાસ કોઈ કાર્યવાહી થઈ નહીં, સદન સ્થગિત કરવું પડ્યું હતું ત્રીજા દિવસે પણ કોઈ સામાન્ય કાર્ય પણ પૂર્ણ થયું નહોતું, ત્રીજા દિવસે પણ સદનને સ્થગિત કરવાનો વારો આવ્યો. સરકાર અને વિપક્ષ પોત-પોતાના વલણ પર કાયમ છે.
આ માટે ખાસ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા, સચિવાલય વ્યવસ્થા, અનુવાદ, રિપોર્ટિગ, ટેકનિકલ સર્વિસ, પ્રસારણ, કર્મચારીઓની ફાળવણી અને વ્યવસ્થા સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વની સેવા પર દૈનિક ધોરણે લાખોની રકમમાં પૈસા ખર્ચાય છે. આ વર્ષે જ બજેટસત્ર દરમિયાન લોકસભાના અધ્યક્ષ જગદંબિકા પાલે સદનમાં જ કહ્યું હતું કે, સંસદીય કાર્યવાહી માટે દર મિનિટે ૨.૫ લાખ રૂપિયા, દર કલાકે ૧.૫ કરોડ રૂપિયા અને એક દિવસમાં આશરે ૯ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. આ જ રકમને આધાર માનીને ગણતરી કરવામાં આવે તો પહેલા ત્રણ દિવસમાં આશરે ૨૭ કરોડ રૂપિયાની રકમ થાય છે.
સંસદની પરંપરા એવું કહે છે કે, સદનને ચાલવા દેવું એ સરકાર અને વિપક્ષ બન્નેની જવાબદારીમાં આવે છે. આ એક સંયુક્ત જવાબદારી છે. સરકાર ચર્ચા માટે માહોલ બનાવે એ જરૂરી છે. જ્યારે વિપક્ષે તાર્કિક વિરોધ સાથે ચર્ચામાં ઊતરવાનું હોય છે. બબાલ કરવા માટે નહીં. હવે જ્યારે બન્ને પક્ષ પોત-પોતાની રીતે અડગ હોય છે તો સૌથી વધારે નુકસાન સમગ્ર પ્રક્રિયા અને સેશનને થાય છે. જ્યારે સંસદ સ્થગિત થાય છે ત્યારે પ્રજાના પૈસા બર્બાદ થાય છે.
સંસદના સંચાલનમાં અનેક એવી વસ્તુઓ પર ખર્ચ થાય છે. માત્ર સાંસદોની સવલત પર જ નહીં. લોકસભા અને રાજ્યસભા સચિવાલયો, હજારો અધિકારીઓ અને કર્મચારીઓના પગાર, સુરક્ષા વ્યવસ્થા, અનુવાદ અને રિપોર્ટિગ સેવાઓ, લાઈવ પ્રસારણ અને આઈટી સિસ્ટમ્સ, વીજળી, જાળવણી અને અન્ય વહીવટી ખર્ચ આ તમામ માટે એક નિヘતિ ફંડની ગણતરી કરવામાં આવે તો એ આંકડો કરોડ સુધી પહોંચે છે.
સંસદ ન ચાલે અને ઠપ્પ થઈ જાય તો માત્ર આર્થિક રીતે જ ફટકો પડે એવું નથી. કેટલીક જવાબદારીઓની પણ સીધી અસર ઊભી થાય છે. સરકારને સવાલ નથી પૂછાતા કારણ કે, સદન ઠપ્પ છે. મંત્રાલયની જવાબદારી નક્કી થતી નથી. લાંબા સમયથી પેન્ડિંગ પહેલા કેટલાક વિષયો પર નિર્ણય લેવાતા નથી. જનતા સાથે જોડાયેલા કેટલાક વિષયોના રેકોર્ડ બનતા નથી. જરૂરી જે ચર્ચા હોય છે એમાં વિષયાંતર થઈ જાય છે.
સંસદમાં જે પ્રક્રિયા થાય છે એનો સમય અંદાજવામાં આવે તો લોકસભા અને રાજ્યસભામાં નિર્ધારિત કાર્યવાહીને માન્ય રાખવામાં આવે તો આશરે ૩૬૦ મિનિટ સુધી સદન ચાલે. આ વખતે પ્રથમ ત્રણ દિવસમાં આવું બિલકુલ થયું નહીં. પહેલા દિવસે વિપક્ષે હંગામો કરતા લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી વારંવાર રોકવી પડી.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
