News of Thursday, 12th November 2026
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસથી એક માઇલના અંતરે અંધાધૂંધ ગોળીબાર : ૧ વ્યક્તિનું મોત, ૪ ઘાયલ : પોલીસ ઘેરાબંધી બાદ હુમલાખોરે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી
લોગન સર્કલ વિસ્તારના એક ફિટનેસ સેન્ટર અને આસપાસમાં સર્જાઈ અફરાતફરી : સાતમા માળે આવેલા એપાર્ટમેન્ટમાં એક કલાકની વાટાઘાટો બાદ શંકાસ્પદ શખ્સે જીવન ટૂંકાવ્યું : એફબીઆઈ, એટીએફ અને નેશનલ ગાર્ડની ટીમો તૈનાત

વોશિંગ્ટન: અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીના અત્યંત પોશ અને વ્યસ્ત ગણાતા લોગન સર્કલ વિસ્તારમાં વ્હાઇટ હાઉસથી એક માઇલ કરતા પણ ઓછા અંતરે ગુરુવારે સવારે અંધાધૂંધ ગોળીબારની ભયાનક ઘટના બની હતી. આ હુમલામાં કુલ પાંચ લોકોને ગોળી વાગી હતી, જેમાંથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું જ્યારે એકની હાલત અત્યંત ગંભીર છે અને અન્ય ત્રણ ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ સુરક્ષા દળોએ હુમલાખોરને તેના એપાર્ટમેન્ટમાં ઘેરી લીધો હતો અને આશરે એક કલાકની વાટાઘાટોના અંતે હુમલાખોરે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
સાતમા માળે ઘેરાબંધી અને હુમલાખોરનો અંત:
કાર્યકારી મેટ્રોપોલિટન પોલીસ ચીફ જેફરી કેરોલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓએ અજાણ્યા શંકાસ્પદ હુમલાખોરને તેના સાતમા માળે આવેલા એપાર્ટમેન્ટમાંથી બહાર લાવવા માટે લગભગ એક કલાક સુધી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અંદરથી એક ગોળી ચાલવાનો અવાજ સંભળાયો હતો. ત્યારબાદ અધિકારીઓએ ગુરુવારે મોડી સવારે પુષ્ટિ કરી હતી કે હુમલાખોરનું ઘટનાસ્થળે જ મોત થયું છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ હુમલાખોરને આ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ સાથે કોઈ પ્રકારનો વિવાદ ચાલી રહ્યો હતો, જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટના બાદ વિસ્તારમાં લાગુ કરાયેલ 'શેલ્ટર-ઇન-પ્લેસ' આદેશ હટાવી લેવાયો છે, જોકે સ્થાનિકોને આ વિસ્તારથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.
જિમમાં કસરત કરી રહેલા લોકોમાં નાસભાગ:
આ સમગ્ર લોહિયાળ ઘટના સવારે ૮ વાગ્યાની આસપાસ લોગન સર્કલના ૧૫મી અને પી સ્ટ્રીટ્સ નોર્થવેસ્ટના ચાર રસ્તા પર આવેલી એક જ બિલ્ડિંગના 'વિડા (VIDA) ફિટનેસ સેન્ટર'થી શરૂ થઈ હતી. પ્રત્યક્ષદર્શી જેમ્સ સ્પેલમેને જણાવ્યું હતું કે, તેઓ આશરે ૫૦ અન્ય લોકો સાથે જિમમાં હતા ત્યારે અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો હતો. ગણતરીની સેકન્ડોમાં જ ગળાના ભાગે ગોળી વાગવાથી એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડ્યો હતો અને તેનું તત્કાળ મોત થયું હતું. ફાયર એલાર્મ વાગતા જિમના કાર્ડિયો વિભાગમાં રહેલા એન્થોની મિરોન્સ સહિતના લોકો જીવ બચાવવા મૃતદેહ ઓળંગીને બહાર ભાગ્યા હતા. જિમની અંદર બે અને બહાર ૧૫મી સ્ટ્રીટ વિસ્તારમાં પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. નજીકના એપાર્ટમેન્ટમાં રહેતા રાયન ડ્યુબિકીએ જણાવ્યું કે શરૂઆતમાં તેમને બાંધકામનો અવાજ લાગ્યો હતો, પરંતુ બહાર જોતા ચારેબાજુ પોલીસ કાફલો ખડકાયેલો જોવા મળ્યો હતો.
વ્હાઇટ હાઉસને અપાઈ જાણ, ફેડરલ એજન્સીઓ તપાસમાં જોડાઈ:
ડીસીના મેયર શ્રીમતી મુરીએલ બાઉઝરે જણાવ્યું હતું કે આ ઘટના અંગે વ્હાઇટ હાઉસને સતત માહિતગાર રાખવામાં આવ્યું છે, જોકે વ્હાઇટ હાઉસની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરાયો નથી. તેમણે ઉમેર્યું હતું કે શહેરમાં આ પ્રકારની સક્રિય ગોળીબારની ઘટના સામાન્ય નથી. ઘટનાસ્થળની આસપાસ સેન્ટ લ્યુક્સ એપિસ્કોપલ ચર્ચ અને હોલ ફૂડ્સ સુપરમાર્કેટ આવેલા હોવાથી સુરક્ષાના ભાગરૂપે રસ્તાઓ બંધ કરી દેવાયા હતા અને નજીકની જાહેર શાળાઓને 'એલર્ટ' પર રાખીને અવરજવર બંધ કરાઈ હતી. આ તપાસમાં સ્થાનિક પોલીસની મદદ માટે એફબીઆઈ (FBI) ની વોશિંગ્ટન ફિલ્ડ ઓફિસ, એટીએફ (ATF) ના એજન્ટો તેમજ ટ્રમ્પ વહીવટીતંત્રના ક્રાઇમ કંટ્રોલ અભિયાન હેઠળ શહેરમાં તૈનાત નેશનલ ગાર્ડના જવાનોને પણ વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
