તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 19th May 2026
આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો કડક જવાબ: પ્રેસ સ્વતંત્રતા અને માનવ અધિકારો પર સવાલ ઉઠાવનાર વિદેશી પત્રકારને ભારતીય રાજદ્વારીએ બરાબરનો ઝાટક્યો!
"કેટલાક અજ્ઞાની અને નકામા NGOના અહેવાલો વાંચીને સવાલ ન પૂછો"; પીએમ મોદીની ઓસ્લો મુલાકાત દરમિયાન વિદેશ મંત્રાલયે ભારતના મજબૂત લોકશાહી માળખા અને વિવિધતાનો અરીસો બતાવ્યો

ઓસ્લો, તા.૧૯: વિદેશી ધરતી પર ભારત વિરુદ્ધ અપપ્રચાર કરનારા તત્વોને ભારતે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર જડબાતોડ જવાબ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોર્વેના ઓસ્લો શહેરની સત્તાવાર મુલાકાત દરમિયાન, પ્રેસ સ્વતંત્રતા અને માનવ અધિકારોને લઈને સવાલ ઉઠાવનાર એક નોર્વેજીયન પત્રકારને ભારતીય વિદેશ મંત્રાલય (MEA) ના વરિષ્ઠ અધિકારીએ ખરીખરી સંભળાવી દીધી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પશ્ચિમી દેશોના કેટલાક એજન્ડા આધારિત અને અજ્ઞાની એનજીઓ (NGO) ના અહેવાલોના આધારે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશની છબી ખરડવાનો પ્રયાસ સાંખી લેવામાં આવશે નહીં.
પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સિબી જ્યોર્જે ભારતના ભવ્ય બંધારણીય મૂલ્યો અને લોકશાહી માળખા પર પ્રકાશ પાડતા ગર્વભેર કહ્યું કે, "આપણે વિશ્વની કુલ વસ્તીનો છઠ્ઠો ભાગ છીએ, પરંતુ વિશ્વની સમસ્યાઓનો છઠ્ઠો ભાગ નથી. આપણી પાસે એક અત્યંત મજબૂત અને પવિત્ર બંધારણ છે જે દેશના દરેક નાગરિકના મૂળભૂત અધિકારોની સંપૂર્ણ ગેરંટી આપે છે."
"લોકોને ભારતના વિશાળ કદ અને પ્રચંડ મીડિયાની કોઈ સમજ જ નથી"
વિદેશી પત્રકારના અણિયાળા સવાલ પર આકરા પ્રહારો કરતા સિબી જ્યોર્જે ભારતના મજબૂત અને જીવંત મીડિયા જગતનો અરીસો બતાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, "ભારતમાં પ્રત્યેક સેકન્ડે કેટલી બધી વાર્તાઓ અને બ્રેકિંગ ન્યૂઝ સામે આવે છે તે વિશે પશ્ચિમી દેશો અજાણ છે. માત્ર દેશની રાજધાની દિલ્હીમાં જ અંગ્રેજી, હિન્દી અને અન્ય પ્રાદેશિક ભાષાઓની ઓછામાં ઓછી ૨૦૦ જેટલી ન્યૂઝ ચેનલો ચોવીસ કલાક કાર્યરત છે. વાસ્તવમાં કેટલાક લોકોને ભારતના વિશાળ કદ અને વિવિધતાની કોઈ સમજ જ નથી! તેઓ ક્યાંક ખૂણામાં પડેલા કોઈ અજ્ઞાની NGO દ્વારા પ્રકાશિત એક-બે મનઘડંત રિપોર્ટ્સ વાંચી લે છે અને પછી ભારત જેવા મહાન દેશ પર સવાલ ઉઠાવવા આવી પહોંચે છે."
સમાનતા અને ન્યાયતંત્રની સર્વોપરિતા
ભારતીય રાજદ્વારીએ વિશ્વ સમક્ષ ભારતના પ્રગતિશીલ વિચારો રજૂ કરતા જણાવ્યું કે, ભારતે આઝાદીના પ્રથમ દિવસથી જ મહિલાઓને પુરુષોની સમકક્ષ મતદાનનો અધિકાર આપ્યો છે, જે ઘણા પશ્ચિમી દેશોએ દાયકાઓ પછી આપ્યો હતો. ભારતમાં મહિલાઓને સમાન અધિકાર છે, અમે માનવ અધિકારો અને સમાનતાના મૂલ્યોને આચરણમાં જીવીએ છીએ. જો દેશમાં કોઈ પણ નાગરિકના અધિકારોનું સહેજ પણ ઉલ્લંઘન થાય છે, તો તેમને દેશની સર્વોચ્ચ અદાલતોના દ્વાર ખખડાવવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર છે. અમને વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવાનો ગર્વ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સંબંધિત વિદેશી પત્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેસ બ્રીફિંગ દરમિયાન પ્રશ્નોત્તરી ન યોજાવા બદલ બિનજરૂરી ટીકા કરી હતી, જેનો હવે ભારતીય વિદેશ મંત્રાલયે તથ્યો અને આંકડાઓ સાથે જડબાતોડ જવાબ આપીને બોલતી બંધ કરી દીધી છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
