News of Thursday, 12th November 2026
ટીબી સામેની લડાઈમાં ભારતની મોટી જીત: ૨૦૧૫થી અત્યાર સુધીમાં મૃત્યુદરમાં ૩૮ ટકાનો ઐતિહાસિક ઘટાડો નોંધાયો
વિશ્વ આરોગ્ય સંસ્થાના તાજેતરના અહેવાલમાં ભારતનો સારવાર સફળતા દર ૯૪ ટકા સુધી પહોંચ્યો હોવાની મહત્વપૂર્ણ વિગત સામે આવી

નવી દિલ્હી : વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલા ગ્લોબલ ટ્યુબરક્યુલોસિસ રિપોર્ટ ૨૦૨૬ અનુસાર ભારતે ક્ષય રોગ એટલે કે ટીબી નાબૂદીની દિશામાં અભૂતપૂર્વ સફળતા હાંસલ કરતા વર્ષ ૨૦૧૫ની સરખામણીમાં ટીબીથી થતા મૃત્યુદરમાં ૩૮ ટકાનો મોટો ઘટાડો નોંધાવ્યો છે, જે વૈશ્વિક સ્તરે નોંધાયેલા ૩૫ ટકાના ઘટાડા કરતાં પણ વધુ પ્રભાવશાળી સાબિત થયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અને નિક્ષય પોર્ટલની વિગતો મુજબ દેશમાં પ્રતિ એક લાખની વસ્તીએ ટીબીનો મૃત્યુદર વર્ષ ૨૦૧૫માં ૨૮ હતો જે વર્ષ ૨૦૨૫માં ઘટીને માત્ર ૧૮ પર આવી ગયો છે અને આ સાથે જ સામાન્ય ટીબીના દર્દીઓમાં સારવારનો સફળતા દર ૯૪ ટકાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એક્સ-રે અને ઝડપી નિદાન પ્રણાલીએ મહત્વની ભૂમિકા ભજવી છે.
દેશવ્યાપી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ડિસેમ્બર ૨૦૨૪થી નવેમ્બર ૨૦૨૬ દરમિયાન ૨૫ કરોડથી વધુ લોકોનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, જેના પરિણામે લગભગ ૧૫ લાખ જેટલા લક્ષણો વગરના છુપાયેલા દર્દીઓને સમયસર શોધી કાઢીને તેમની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી અને આ સમગ્ર કાર્યક્રમ માટે ૯૬ ટકા ભંડોળ ભારતે પોતાના સ્થાનિક સંસાધનોમાંથી પૂરું પાડ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા વર્ષ ૨૦૨૫માં હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય સર્વેક્ષણના પરિણામો વિશ્વ આરોગ્ય સંસ્થાને સોંપવામાં આવ્યા છે જેના પર હાલ ટેકનિકલ ચર્ચા ચાલી રહી છે, અને આગામી સમયમાં આ સંસ્થા દ્વારા ભારતની આરોગ્ય પ્રગતિ દર્શાવતી અપડેટેડ કંટ્રી પ્રોફાઇલ જાહેર કરવામાં આવશે તેમજ સરકાર દ્વારા પોષણ સહાય અને નિવારક સારવારના અભિયાનને વધુ વેગવંતુ બનાવવામાં આવશે
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
