News of Wednesday, 28th October 2026
યુએઇ જતા ભારતીયો સાવધાન શું તમારી પાસે પુરતો મેડીકલ ઇન્સ્યોરન્સ છે ?
સરકારે જાહેર કરી એડવાઈઝરીઃ તબીબી કટોકટીમાં ચૂકવણીમાં મુશ્કેલી ન પડે તે માટે સલાહ

નવી દિલ્હીઃ તા.ર૮, યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં રોજગાર કે પરિવાર સાથે રહેતાં તેમજ ત્યાની મુલાકાતે (ટૂરિસ્ટ વિઝા પર) જતાં ભારતીય નાગરિકો માટે યુએઈ સ્થિત ભારતીય મિશનો દ્વારા એક અત્યંત મહત્ત્વની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. અબુ ધાબીમાં આવેલી ભારતીય એમ્બેસી અને દુબઇ સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ દ્વારા જણાવાયું છે કે, યુએઈ પ્રવાસે જતાં અથવા ત્યાં રહેતાં દરેક ભારતીય પાસે પૂરતું મેડિકલ ઇન્સ્યોરન્સ કવરેજ હોવું અનિવાર્ય છે. આ સલાહ એટલા માટે આપવામાં આવી છે કારણ કે તાજેતરમાં એવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જયાં ભારતીય નાગરિકોને અચાનક બીમારી કે તબીબી કટોકટી વખતે હોસ્પિટલોના ભારેખમ બિલ ચૂકવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
એડવાઇઝરીમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે યુએઈ જતાં પહેલાં જ યાત્રીઓએ એવો વિમો લેવો જોઈએ જેમાં કેશલેસ સુવિધા તેમજ ઈમરજન્સીના કિસ્સામાં દર્દીને ભારત પાછા લાવવાનો (મેડિકલ રિપેટ્રિએશન) ખર્ચ પણ આવરી લેવાયો હોય. જે ભારતીયો પહેલેથી જ એમ્પ્લોયમેન્ટ વિઝા કે ડિપેન્ડન્ટ વિઝા પર યુએઈમાં વસવાટ કરી રહ્યા છે, તેમણે પણ પોતપોતાની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ચકાસી લેવાની સલાહ આપવામાં આવી છે, જેથી તબીબી સારવાર અને જરૂર પડે તો ભારત પરત લાવવાના તમામ ખર્ચ સામે પૂરતું રક્ષણ મળી રહે.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
