<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને હરાવીને એશિયા કપ જીત્યો પરંતુ ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો: PCB વડા મોહસીન નકવીના વર્તન સામે આક્રોશ

આકાશ ચોપરાએ નકવીની સરખામણી લગ્નમાં નારાજ થતા કાકા સાથે કરી: BCCI સચિવ દેવજીત સૈકિયાએ દેશપ્રેમ અને સશસ્ત્ર દળોના સન્માન કાજે નિર્ણય લીધો હોવાનું સ્પષ્ટ કર્યું

નવી દિલ્હી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને પરાજય આપીને એશિયા કપ પર કબજો જમાવ્યો હતો, પરંતુ વિજેતા ટીમને ટ્રોફી ન મળવાના કારણે નવો વિવાદ સર્જાયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ના વડા અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ  ના પ્રમુખ મોહસીન નકવીના હઠીલા વલણ અને ટ્રોફી સંબંધિત નાટક સામે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરા અને BCCI સચિવ દેવજીત સૈકિયાએ આકરા પ્રહારો કર્યા છે.

પ્રખ્યાત કોમેન્ટેટર આકાશ ચોપરાએ પોતાની યુટ્યુબ ચેનલ પર મોહસીન નકવી પર તીખો હુમલો કરતા તેમની સરખામણી ભારતીય લગ્નોમાં વિના કારણે નારાજ થતા 'ગુસ્સે ભરાયેલા કાકા' સાથે કરી હતી. આકાશે જણાવ્યું હતું કે ભારતનું વલણ સ્પષ્ટ હોવા છતાં નકવીએ પોતાના અહંકાર ખાતર સ્ટેડિયમમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે જો નકવી ફાઇનલમાં ન આવ્યા હોત તો કશું અટકવાનું નહોતું, પરંતુ આવા બાલિશ વર્તનથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ બગડી રહ્યા છે અને ભારતની જીત કરતાં આ વિવાદની ચર્ચા વધુ થઈ રહી છે.

બીજી તરફ BCCIના સચિવ દેવજીત સૈકિયાએ સમગ્ર સ્થિતિ અંગે સત્તાવાર સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ અધિકારી પાસેથી ટ્રોફી સ્વીકારવી એ દેશના લોકોની લાગણીઓ અને સશસ્ત્ર દળોના સન્માનની વિરુદ્ધ છે. સૈકિયાએ વધુમાં યાદ અપાવ્યું કે વર્ષ 2025માં જ્યારે ભારતીય પુરૂષ ટીમે એશિયા કપ જીત્યો હતો, ત્યારે પણ પાકિસ્તાને દોઢ વર્ષ સુધી ટ્રોફી ભારત મોકલી નહોતી. BCCIએ રમત અને ખેલાડીઓના સન્માન માટે ACCના ઉપાધ્યક્ષ દ્વારા ટ્રોફી અપાવવાનો વિકલ્પ આપ્યો હતો, પરંતુ હઠીલા નકવીએ આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો.

(7:34 PM IST)