<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

હવામાં ક્રૂડ હુમલા વચ્ચે ૧૮૦ પેસેન્જરોનો જીવ બચાવનાર ‘હીરો’ ભારતીય કેપ્ટન સ્મિત મછરની તબિયતમાં ઝડપી સુધારો: ભારતીય રાજદૂતે હોસ્પિટલમાં લીધી મુલાકાત

દુબઈમાં ભારતીય એમ્બેસેડર દીપક મિત્તલે હોસ્પિટલ પહોંચી કેપ્ટન સ્મિત અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી ભારત સરકાર તરફથી તમામ શક્ય મદદની આપી ખાતરી

દુબઈ : દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં કો-પાઈલટ દ્વારા વિમાન ક્રેશ કરવાના ષડયંત્ર અને હિચકારા હુમલા વચ્ચે ગંભીર રીતે ઘવાયેલા ભારતીય કેપ્ટન સ્મિત મછરની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ભારતના રાજદૂત દીપક મિત્તલે હોસ્પિટલમાં કેપ્ટન સ્મિત અને તેમના પરિવારજનોની મુલાકાત લઈને તેમની કુશળતા પૂછી હતી.

 

અધિકૃત માહિતી અનુસાર, કોકપિટમાં થયેલા હુમલા બાદ ઘાયલ થયેલા કેપ્ટન સ્મિતને ઈમરજન્સી લેન્ડિંગ બાદ સાઉદી અરેબિયાના તબૂક ખાતે ઈમરજન્સી સર્જરી આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે એરલિફ્ટ કરીને દુબઈ લાવવામાં આવ્યા છે.

 

ભારતીય એમ્બેસેડરે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે કેપ્ટન સ્મિત મછાર હાલ સ્વસ્થ છે અને તેમની તબિયતમાં ઝડપી સુધારો થઈ રહ્યો છે, તેમજ ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ અને તબીબી ટીમ સાથે સતત સંપર્કમાં છે.

 

આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિતના વરિષ્ઠ નેતાઓએ કેપ્ટન સ્મિતના અસાધારણ સાહસ, સમયસૂચકતા અને ૧૮૦થી વધુ મુસાફરોનો જીવ બચાવવાની બહાદુરીના મુક્તકંઠે વખાણ કર્યા હતા.

 

કેપ્ટન સ્મિતના પરિવારજનો પણ મુંબઈથી દુબઈ પહોંચી ગયા છે, જ્યાં ભારતીય કન્સ્યુલેટ અને વિદેશ મંત્રાલય દ્વારા પરિવારને તમામ જરૂરી સપોર્ટ પૂરો પાડવામાં આવી રહ્યો છે.

 

હવામાં સર્જાયેલી આ ભયાનક ઘટનામાં કેપ્ટન સ્મિતે પોતે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં વિમાન પરનો કાબૂ ગુમાવ્યો નહોતો, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી અને હાલમાં સમગ્ર દેશ તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાથના કરી રહ્યો છે.

(8:54 PM IST)