News of Wednesday, 24th June 2026
કૈલાશ માનસરોવર યાત્રા પૂર્વે રૂટ પર પહોંચ્યા ભારતીય રાજદૂત: પવિત્ર પરિક્રમા પૂર્ણ કરી શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જાહેર, ૬,૦૦૦ મીટરની ઊંચાઈએ પાતળી હવાનો સામનો કરવા આપી ખાસ ટિપ્સ
પાંચ વર્ષના લાંબા વિરામ બાદ ઐતિહાસિક યાત્રા ફરી શરૂ; વિક્રમ દોરાઈસ્વામીએ ચીની સરહદમાં નાથુ લા અને લિપુલેખ પાસ પર હોટેલો, મેડિકલ સેન્ટરો અને સુરક્ષા વ્યવસ્થાઓનું કર્યું જાત-નિરીક્ષણ

બેઇજિંગ : દુનિયાની સૌથી પવિત્ર, અલૌકિક અને અત્યંત કઠિન ગણાતી ‘કૈલાશ માનસરોવર યાત્રા’ પાંચ વર્ષના લાંબા ગાળાના સ્થગિતતા બાદ આ વર્ષે સત્તાવાર રીતે ફરી શરૂ થઈ રહી છે. હજારો ભારતીય શ્રદ્ધાળુઓના આગમન પહેલાં, ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ દોરાઈસ્વામી અને તેમની ઉચ્ચ સ્તરીય ટીમે પોતે કૈલાશ પર્વતની આસપાસની પવિત્ર પરિક્રમા પૂર્ણ કરી છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓ, હોટેલો, મેડિકલ કેન્દ્રો અને સુરક્ષા વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવાનો હતો, જેથી ભારતીય નાગરિકોને આ દુર્ગમ ચઢાણમાં કોઈ તકલીફ ન પડે. પરિક્રમા પૂર્ણ કર્યા બાદ રાજદૂતે તિબેટથી એક ખાસ વીડિયો સંદેશ જાહેર કરીને આ યાત્રાને "જીવનભરની યાદગાર સફર" ગણાવી હતી અને ભવિષ્યના યાત્રાળુઓ માટે કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા શેર કરી હતી.
રાજદૂતે જણાવ્યું હતું કે આ વર્ષે કૈલાશ પ્રદેશમાં અભૂતપૂર્વ ભીડ જોવા મળી શકે છે, કારણ કે આ વર્ષ પરંપરાગત તિબેટીયન અને ચીની કેલેન્ડર મુજબ અત્યંત પવિત્ર અને વિશેષ સંયોગ ધરાવે છે. ભારતીય દૂતાવાસની ટીમે યાત્રાના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા નાથુ લા (Nathu La) અને લિપુલેખ પાસ (Lipulekh Pass) ના માર્ગોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું છે. ટીમે રૂટ પરની હોટેલોના રૂમ, રસોડા અને ખાસ કરીને આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી હતી. સરહદ પર ચીની અધિકારીઓ સાથે પણ સમન્વય સાધવામાં આવ્યો છે, જેથી નાથુ લા પાસથી પ્રવેશતા ભારતીય શ્રદ્ધાળુઓ ઇમિગ્રેશન અને કસ્ટમ્સની પ્રક્રિયા પૂર્ણ કરીને સીધા ખાસ ટ્રાન્ઝિટ બસો દ્વારા સુરક્ષિત રીતે આગળ વધી શકે.
૬,૦૦૦ મીટરની ઊંચાઈ અને પાતળી હવાનો પડકાર
રાજદૂત દોરાઈસ્વામીએ શ્રદ્ધાળુઓને ચેતવણી આપતા જણાવ્યું હતું કે કૈલાશ માનસરોવરની સફર સહેજ પણ સરળ નથી. આખો તિબેટ સ્વાયત્ત પ્રદેશ અત્યંત ઊંચાઈ પર આવેલો છે, જ્યાં મોટાભાગની મુસાફરી ૩,૫૦ો મીટરથી વધુ ઊંચાઈ પર થાય છે. પરિક્રમા દરમિયાન આ ઊંચાઈ ૫,૬૦૦ મીટરથી લઈને કેટલાક સ્થળોએ સમુદ્ર સપાટીથી ૬,૦૦૦ મીટર સુધી પહોંચી જાય છે. આટલી ઊંચાઈ પર હવા ખૂબ પાતળી થઈ જાય છે અને ઓક્સિજનનું સ્તર ઘટી જાય છે, જેના કારણે 'હાઈ-એલ્ટિટ્યુડ સિકનેસ' (ઊંચાઈની બીમારી) નો મોટો ખતરો રહે છે. વીડિયો સંદેશ દરમિયાન પણ રાજદૂત પોતે શ્વાસ લેવા માટે રોકાતા જોઈ શકાતા હતા. તેમણે સલાહ આપી છે કે જો યાત્રા દરમિયાન સહેજ પણ અસ્વસ્થતા જણાય, તો તરત જ તૈનાત મેડિકલ ટીમનો સંપર્ક કરવો. ડાયાબિટીસ, હૃદયની બીમારી કે અન્ય ક્રોનિક સમસ્યા ધરાવતા લોકોએ ડૉક્ટરની લેખિત સલાહ અને જરૂરી દવાઓ સાથે જ પ્રવાસ કરવો.
કાતિલ ઠંડી અને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચવા શું પેક કરવું?
પર્વતીય ક્ષેત્રમાં હવામાન મિનિટોમાં બદલાઈ જાય છે, સૂર્યપ્રકાશમાંથી ક્યારે બરફવર્ષા શરૂ થઈ જાય તે નક્કી નથી હોતું. આ માટે રાજદૂતે ખાસ ટિપ્સ આપી છે:
· પગરખાં: ખુલ્લા ચંપલ કે સાદા શૂઝ પહેરવાની કડક મનાઈ છે. માત્ર સારી ગુણવત્તાના વોટરપ્રૂફ ટ્રેકિંગ શૂઝ જ વાપરવા.
· કપડાં: એક મોટો ગરમ જેકેટ પહેરવાને બદલે સ્તરોમાં (Layers) કપડાં પહેરવા, જેથી જરૂર મુજબ કાઢી કે પહેરી શકાય.
· આવશ્યક કીટ: ગરમ જેકેટ, રેઈનકોટ, ગ્લોવ્ઝ (મોજા), કાન ઢાંકતી કેપ અને સનગ્લાસ અચૂક સાથે રાખવા.
· સનબર્નની ચેતવણી: ઊંચાઈ પર સૂર્યના અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણો તીવ્ર હોવાથી ત્વચા બળી જવાનો ભય રહે છે, તેથી સનસ્ક્રીન લોશન સાથે રાખવું જરૂરી છે.
કુદરતનો આદર કરો: કચરો ફેલાવશો નહીં
આધ્યાત્મિક ગુણો પર ભાર મૂકતા રાજદૂતે શ્રદ્ધાળુઓને અપીલ કરી હતી કે તેઓ વિશ્વના સૌથી નાજુક અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. પ્રકૃતિને અકબંધ રાખવા માટે તિબેટના કેટલાક વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ ઇરાદાપૂર્વક મર્યાદિત રાખવામાં આવી છે, તેથી યાત્રાળુઓએ મૂળભૂત અને સાદા વાતાવરણ માટે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ. તેમણે દરેક શ્રદ્ધાળુને પવિત્ર લેન્ડસ્કેપની સ્વચ્છતા જાળવવા, પ્લાસ્ટિક કે અન્ય કચરો ગમે ત્યાં ન ફેંકવા અને કૈલાશની પવિત્રતા અકબંધ રાખવા નમ્ર વિનંતી કરી છે.
રાજદૂતની કૈલાશ ડાયરી:
· રૂટ ઇન્સ્પેક્શન: નાથુ લા અને લિપુલેખ પાસ પર ઇમિગ્રેશન અને મેડિકલ વ્યવસ્થાઓ સંપૂર્ણ સજ્જ.
· સૌથી મોટો પડકાર: ૬,૦૦૦ મીટરની ઊંચાઈએ ઓક્સિજનની અછત સામે શારીરિક ફિટનેસ અનિવાર્ય.
· ડ્રેસ કોડ ટિપ: વોટરપ્રૂફ ટ્રેકિંગ શૂઝ અને લેયર્ડ ગરમ કપડાં જ પેક કરવા.
· પર્યાવરણ અપીલ: હિમાલયની પવિત્રતા જાળવવા પ્લાસ્ટિક મુક્ત યાત્રા કરવાનો સંકલ્પ.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
