<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

ભારતે લીધો ઐતિહાસિક નિર્ણય : બળજબરીથી મજૂરી કરાવીને બનાવેલો વિદેશી માલ હવે દેશમાં નહીં ઘૂસી શકે

વિદેશ વેપાર નીતિ (FTP) માં મોટો સુધારો કરી સરકારે નવો કાયદો ઉમેર્યો : માનવ અધિકારોના રક્ષણ અને નૈતિક વેપાર ક્ષેત્રે ભારતની વૈશ્વિક છબી વધુ મજબૂત બનશે

નવી દિલ્હી :  વૈશ્વિક મંચ પર ભારતને એક જવાબદાર ઉત્પાદન અને વેપાર કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકારે વિદેશ વેપાર નીતિ માં એક ક્રાંતિકારી સુધારો કર્યો છે. ભારતે હવે વિદેશોમાં લોકો પાસે બળજબરીથી કે બંધુઆ મજૂરી કરાવીને બનાવવામાં આવતી પ્રોડક્ટ્સની આયાત પર કાનૂની પ્રતિબંધ લાદવાની સત્તાવાર જાહેરાત કરી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા નીતિમાં નવો ફકરો ૨.૨૦B ઉમેરીને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) ના માપદંડો મુજબ બળજબરીપૂર્વકની મજૂરીને વ્યાખ્યાયિત કરવામાં આવી છે, જે અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરનારા માલસામાનના પ્રવેશ પર તત્કાલ પ્રતિબંધ મૂકી શકાશે.

આ કાયદાકીય ફેરફારમાં સત્તાવાર રીતે કોઈ ચોક્કસ દેશ કે બ્રાન્ડનું નામ લેવામાં આવ્યું નથી, પરંતુ આડકતરી રીતે આ નિર્ણયથી ચીનને મોટો ફટકો પડી શકે છે. ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગુર મુસ્લિમો અને અન્ય લઘુમતીઓ પાસે બળજબરીથી મજૂરી કરાવીને વૈશ્વિક બજારમાં સસ્તો માલ ઠાલવવાના ગંભીર આક્ષેપો અવારનવાર થતા રહે છે. અમેરિકા અને યુરોપિયન યુનિયન જેવા વિકસિત દેશોએ પહેલાથી જ આ પ્રકારના દૂષિત ઉત્પાદનો પર કડક પ્રતિબંધો લાદેલા છે, ત્યારે હવે ભારત પણ આ લીગમાં સામેલ થતાં ચીનની ચિંતાઓમાં મોટો વધારો થયો છે.

ભારતનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે દેશ યુરોપ અને યુકે જેવા પશ્ચિમી દેશો સાથે મુક્ત વેપાર કરારો (FTA) ને આખરી ઓપ આપી રહ્યો છે. આજના વૈશ્વિક અર્થતંત્રમાં માત્ર ઓછી કિંમત જ નહીં, પરંતુ પર્યાવરણીય, સામાજિક અને શાસન (ESG) ધોરણો તેમજ સપ્લાય ચેઇનની પારદર્શિતા અત્યંત મહત્વની બની ગઈ છે. ભારતના આ નૈતિક અને માનવતાવાદી પગલાથી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની પ્રતિષ્ઠા વધુ ઊંચી આવશે અને વૈશ્વિક રોકાણકારો માટે ભારત વધુ ભરોસાપાત્ર ભાગીદાર સાબિત થશે.

(8:06 PM IST)