<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

પાકિસ્તાન અને કુવૈત વચ્ચે પાંચ વર્ષ માટે મહત્ત્વપૂર્ણ રક્ષા કરાર સંપન્ન, ભારતની ચિંતા વધી

આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પાકિસ્તાને કુવૈત સાથે સૈન્ય સહયોગ માટે પ્રોટોકોલ એગ્રીમેન્ટ ૨૦૨૬ પર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી મિડલ ઈસ્ટમાં તેની પકડ મજબૂત થશે.

ઇસ્લામાબાદ : ગુરુવારે ઇસ્લામાબાદ ખાતે પાકિસ્તાન અને કુવૈત વચ્ચે દ્વિપક્ષીય લશ્કરી સહયોગને વધુ મજબૂત બનાવવા માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ સમજૂતી થઈ છે, જેને સત્તાવાર રીતે 'પ્રોટોકોલ એગ્રીમેન્ટ ૨૦૨૬' નામ આપવામાં આવ્યું છે. ઇસ્લામાબાદમાં યોજાયેલા આ વિશેષ સમારોહમાં કુવૈતના સંરક્ષણ મંત્રી શેખ અબ્દુલ્લા અલી અબ્દુલ્લા અલ-સાલેમ અલ-સબાહ અને પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મુહમ્મદ આસિફે સંયુક્તપણે આ પાંચ વર્ષીય લાંબા ગાળાના સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે સૈન્ય ક્ષમતા વધારવા અને વ્યૂહાત્મક ભાગીદારીને ગાઢ બનાવવાનો છે.

આ નવા કરારની વિગતવાર રૂપરેખા સ્પષ્ટ કરતાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે આગામી પાંચ વર્ષ સુધી અમલમાં રહેનારી આ સમજૂતી હેઠળ બંને દેશોની સેનાઓ સંયુક્ત લશ્કરી તાલીમ અને અભ્યાસો યોજશે, સૈન્ય શિક્ષણ તેમજ અત્યાધુનિક તકનીકી જ્ઞાનની આપ-લે કરશે, અને સુરક્ષા તથા લોજિસ્ટિક્સ ક્ષેત્રે પરસ્પર સહયોગ વધારશે. એટલું જ નહીં, આ કરારના ભાગરૂપે પાકિસ્તાની સેના દ્વારા કુવૈતના સૈનિકોને વિશેષ તાલીમ અને સૈન્ય પ્રશિક્ષણ પૂરું પાડવામાં આવશે, જેનાથી મિડલ ઈસ્ટના ક્ષેત્રમાં પાકિસ્તાનનો સૈન્ય પ્રભાવ અને પકડ વધુ મજબૂત બનશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

સાઉદી અરેબિયા અને તૂર્કેઈ જેવા દેશો સાથે અગાઉથી જ સંરક્ષણ ભાગીદારી ધરાવતું પાકિસ્તાન હવે કુવૈત સાથે હાથ મિલાવીને મિડલ ઈસ્ટમાં પોતાનું વિસ્તૃતત સૈન્ય નેટવર્ક સ્થાપિત કરી રહ્યું છે, જેને ભૂ-રાજકીય નિષ્ણાતો ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને ક્ષેત્રીય પ્રભુત્વની દ્રષ્ટિએ એક ચિંતાજનક વિકાસ તરીકે જોઈ રહ્યા છે. આર્થિક મોરચે ગંભીર પડકારો અને આંતરિક અસ્થિરતાનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે મધ્ય પૂર્વના દેશો સાથે રક્ષા સોદાઓ કરીને પોતાની નાણાકીય અને કૂટનીતિક સ્થિતિ મજબૂત કરવાનો આ એક સુચિત પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.

આ ઘટનાક્રમ બાદ હવે ભારતીય રક્ષા મંત્રાલય અને વિદેશ વિભાગ દ્વારા મિડલ ઈસ્ટમાં બદલાતા આ સૈન્ય સમીકરણો પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે, જેથી ભારતની સરહદીય અને વ્યૂહાત્મક સુરક્ષા પર પડનારા સંભવિત પ્રભાવોનો સામનો કરી શકાય. આગામી સમયમાં આ ક્ષેત્રીય ભાગીદારીઓ કયા નવા મોડ પર જાય છે અને ભારત પોતાના રક્ષા હિતોની રક્ષા માટે કયા નવા કૂટનીતિક પગલાં ભરે છે, તે જોવું હવે અત્યંત રસપ્રદ રહેશે.

(12:03 PM IST)