<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

અમેરિકાના પ્રતિબંધોની ભારતને કોઈ પરવા નથી! યુએસ છૂટ આપે કે ન આપે, રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાનું ચાલુ જ રહેશે: પેટ્રોલિયમ મંત્રાલયનો જડબાતોડ જવાબ

"અમે પહેલા પણ ખરીદતા હતા અને અત્યારે પણ ખરીદીએ છીએ" – સંયુક્ત સચિવ સુજાતા શર્માની વોશિંગ્ટનને ખુલ્લી ચેતવણી; હોર્મુઝની કટોકટી વચ્ચે ભારતે રશિયા પાસેથી રોજનું ૨૩ લાખ બેરલ ક્રૂડ ઉઠાવીને રચ્યો નવો રેકોર્ડ

નવી દિલ્હી : વૈશ્વિક ઉર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી મંચ પર ભારતે ફરી એકવાર પોતાની મજબૂત વિદેશ નીતિ અને સાર્વભૌમત્વનો પરચો આપ્યો છે. અમેરિકા દ્વારા રશિયન તેલ પર લાદવામાં આવેલા આકરા પ્રતિબંધો અને દબાણ વચ્ચે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાના દેશની ઉર્જા સુરક્ષા અને વ્યાપારી હિતો સાથે કોઈ સમાધાન નહીં કરે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ એક હાઈ-લેવલ મીડિયા બ્રીફિંગમાં સત્તાવાર રીતે એલાન કર્યું છે કે અમેરિકા રશિયા પરના પ્રતિબંધોમાં છૂટછાટ લંબાવે કે ન લંબાવે, તેનાથી ભારતને કોઈ ફરક પડતો નથી. હિન્દુસ્તાન પોતાની જરૂરિયાત મુજબ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી અવિરતપણે ચાલુ જ રાખશે.

અમેરિકાના દબાણ સામે ભારતનું નબળા ન પડવાનું અસલી કારણ શું?

વાસ્તવમાં, આ હાઈ-પ્રોફાઈલ નિવેદન વૈશ્વિક મીડિયા એજન્સી બ્લૂમબર્ગના એ અહેવાલના જવાબમાં આવ્યું છે, જેમાં દાવો કરાયો હતો કે ભારતે રશિયન ક્રૂડ ઓઇલ આયાત ચાલુ રાખવા માટે અમેરિકા પાસે પ્રતિબંધોમાંથી મુક્તિ (વેવર) લંબાવવાની આજીજી કરી હતી. આ અહેવાલોને નકારતા સુજાતા શર્માએ કડક શબ્દોમાં જણાવ્યું કે, "રશિયા પરના યુએસ પ્રતિબંધો હળવા કરવા અંગે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અમે રશિયા પાસેથી તેલ ખરીદતા આવ્યા છીએ. મારો મતલબ, અમેરિકી છૂટછાટ પહેલા પણ ખરીદતા હતા, તે દરમિયાન પણ ખરીદતા હતા અને અત્યારે પણ ખરીદી રહ્યા છીએ. અમારી ખરીદીનો આધાર માત્ર વ્યાપારી દ્રષ્ટિકોણ અને દેશના હિતો છે. દેશમાં ક્રૂડ ઓઇલની કોઈ અછત નથી અને પૂરતો સ્ટોક અનામત રાખવામાં આવ્યો છે."

હોર્મુઝની ખાડીમાં ૭૫ દિવસથી ચાલી રહેલી સળગતી કટોકટી

તમને જણાવી દઈએ કે પશ્ચિમ એશિયામાં ઈરાન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ ગણાતી હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં છેલ્લા ૭૫ દિવસથી ભારે વિક્ષેપ અને તણાવ ચાલી રહ્યો છે. આ કટોકટીને કારણે વૈશ્વિક તેલ પુરવઠાની ચેઈન તૂટી ગઈ છે અને આખા વિશ્વ પર મોંઘવારીનું દબાણ છે.

આ જ કારણે વોશિંગ્ટને અગાઉ માર્ચ મહિનામાં ભારતને રશિયન તેલ ખરીદવા માટે વિશેષ મંજૂરી આપી હતી, જેની મુદત ૧૬ મેના રોજ પૂરી થઈ ગઈ છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સતત ભારત પર રશિયા પાસેથી તેલ ન ખરીદવા દબાણ કરી રહ્યું છે જેથી મોસ્કોને આર્થિક રીતે એકલું પાડી શકાય, પરંતુ ભારત પોતાની નીતિ પર અડગ રહ્યું છે.

ભારત દરરોજ ૨૩ લાખ બેરલ તેલ ખરીદીને અમેરિકાને બતાવી રહ્યો છે આંખ!

વૈશ્વિક એનર્જી ટ્રેકિંગ ફર્મ 'કેપ્લર' (Kpler) ના તાજા અને ચોંકાવનારા ડેટા અનુસાર, રશિયા દ્વારા પ્રી-લોડેડ કાર્ગો પર આપવામાં આવી રહેલા બમ્પર ડિસ્કાઉન્ટનો ભારત ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યું છે. મે મહિનામાં ભારતમાં રશિયન તેલની આયાત રેકોર્ડ સ્તરે વધીને દરરોજ ૨.૩ મિલિયન (૨૩ લાખ) બેરલ સુધી પહોંચી ગઈ છે. આખા મહિનાની સરેરાશ આયાત પણ અંદાજે ૧.૯ મિલિયન (૧૯ લાખ) બેરલ પ્રતિ દિવસ રહેવાની ધારણા છે.

આ આંકડા સાબિત કરે છે કે વૈશ્વિક યુદ્ધો અને અમેરિકાની ધમકીઓની પરવા કર્યા વિના પીએમ મોદીના નેતૃત્વમાં ભારત પોતાની સ્થાનિક અર્થવ્યવસ્થા અને સામાન્ય જનતાને મોંઘા પેટ્રોલ-ડીઝલના મારથી બચાવવા માટે રશિયા સાથેના વેપારી સંબંધો વધુ મજબૂત કરી રહ્યું છે.

(8:18 PM IST)