News of Friday, 17th July 2026
દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો આદેશ: જંતર-મંતર પર આમરણાંત ઉપવાસ કરી રહેલા સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય પર દરરોજ નજર રાખવા તંત્રને તાકીદ
"નાગરિકનું જીવન અમૂલ્ય છે": સતત બગડતી તબિયતને ધ્યાને રાખીને સરકારી તબીબો દ્વારા નિયમિત મેડિકલ તપાસ અને જરૂર પડ્યે તાત્કાલિક સારવાર પૂરી પાડવા હાઈકોર્ટની સ્પષ્ટ સૂચના

નવી દિલ્હી:દેશની રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા ઘણા દિવસોથી આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહેલા જાણીતા પર્યાવરણવિદ્ સોનમ વાંગચુકની તબિયતને લઈને દિલ્હી હાઈકોર્ટે અત્યંત ગંભીર વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની ખંડપીઠે કેન્દ્ર અને દિલ્હી સરકારને આદેશ આપ્યો છે કે, સોનમ વાંગચુકના સ્વાસ્થ્યની દરરોજ સઘન તપાસ કરવામાં આવે અને જો તેમની તબિયત વધુ બગડે તો તત્કાલ મેડિકલ હસ્તક્ષેપ કરીને તેમને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવે.
કોર્ટે શું નોંધ્યું?
સુનાવણી દરમિયાન કોર્ટે માનવીય સંવેદના વ્યક્ત કરતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, "દરેક નાગરિકનું જીવન અમૂલ્ય છે અને તેને બચાવવા માટે સરકારી સત્તાવાળાઓએ તમામ શક્ય પ્રયાસો કરવા જોઈએ." કોર્ટે આ મામલે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરતા જણાવ્યું કે, માત્ર દેખરેખ જ નહીં, પરંતુ તબીબી અહેવાલના આધારે જો જરૂર જણાય તો તાત્કાલિક મેડિકલ સારવાર આપવી એ તંત્રની ફરજ છે.
સોલિસિટર જનરલે આપી ખાતરી
કેન્દ્ર અને દિલ્હી સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે, વાંગચુકના સ્વાસ્થ્યનું નિયમિત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે સરકારી તબીબો અને નિષ્ણાતોની ટીમ સતત તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે અને તેમના પેરામીટર્સની તપાસ કરવામાં આવે છે. સોલિસિટર જનરલે વધુમાં સ્પષ્ટ કર્યું કે સરકારને તેમના નિયમિત ચેકઅપ કરવામાં કોઈ વાંધો નથી અને તબીબી અભિપ્રાય મુજબ જરૂર પડ્યે તમામ પ્રકારની તબીબી સહાય પૂરી પાડવામાં આવશે.
કેમ કરવામાં આવી અરજી?
વકીલ રાકેશ કુમાર સૈની દ્વારા દાખલ કરવામાં આવેલી આ PILમાં સોનમ વાંગચુકની સતત બગડતી તબિયત વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. અરજીમાં જણાવ્યા મુજબ, વાંગચુકનું વજન નોંધપાત્ર રીતે ઘટ્યું છે અને તેમને લો બ્લડ શુગર, ચક્કર અને સ્નાયુઓની નબળાઈ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અરજદારે કોર્ટ પાસે માંગ કરી હતી કે વાંગચુકને જરૂર પડ્યે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવે અને તેમના જીવનની રક્ષા કરવામાં આવે.
સોનમ વાંગચુક 'કોકરોચ જનતા પાર્ટી'ના નેજા હેઠળ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે, જે નીટ (NEET) પરીક્ષામાં કથિત ગેરરીતિઓ બદલ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યું છે. વાંગચુક ૨૮ જૂનથી આ આંદોલનમાં જોડાઈને ઉપવાસ કરી રહ્યા છે. હાઈકોર્ટે સરકારને આપેલી આ સત્તાવાર સૂચના બાદ હવે તેમની તબિયતનું સરકારી ડોક્ટરો દ્વારા સખત નિરીક્ષણ કરવામાં આવશે.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
