News of Wednesday, 28th October 2026
નસીબ હોય તો આવું! ખાડો ખોદતાં વ્યક્તિને મળ્યો બટેટા જેવડો સોનાનો ટુકડો
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં એક વ્યક્તિને ખોદકામ દરમિયાન ૧.૨ કિલોગ્રામ વજનનો બટાકાના આકારનો સોનાનો ટુકડો મળ્યોઃ તેમાં ૯૪૦ ગ્રામ શુદ્ધ સોનું: શરૂઆતમાં તેની કિંમત ૧ કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી

ન્યૂ સાઉથ વેલ્સ,તા.૨૮: કલ્પના કરો કે તમે જમીન ખોદી રહ્યા છો અને અચાનક માટીમાંથી બટાકાના આકારનો એક સોનાનો ટુકડો નીકળી જાય. આ કોઈ ફિલ્મી કહાની નથી, પરંતુ ઓસ્ટ્રેલિયામાં બનેલી એક આヘર્યજનક ઘટના છે. અહીં એક વ્યક્તિને ખોદકામ દરમિયાન લગભગ ૧.૨ કિલોગ્રામ વજનનો સોનાનો ટુકડો મળ્યો છે. એક સમયે તેની કિમત ૧ કરોડ રૂપિયાથી પણ વધુ આંકવામાં આવી હતી. સોનાના આ દુર્લભ ટુકડાને જોઈને લોકો તેની સરખામણી બટાકા સાથે કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે શરૂઆતમાં તે વ્યક્તિને પણ અંદાજ નહોતો કે જમીનની અંદરથી તેને આટલો કિમતી ખજાનો મળવાનો છે.
'ડેઇલી સ્ટાર'ના અહેવાલ મુજબ, આ અનોખું રિસર્ચ ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ વિસ્તારમાં આવેલા ટિબૂબુરા નજીક થયું હતું. આ વિસ્તાર સ્ટર્ટ સ્ટોની ડેઝર્ટમાં આવેલો છે અને સિડનીથી અહીં રસ્તા દ્વારા પહોંચવામાં લગભગ ૧૬ કલાક લાગે છે. સોનું શોધનાર વ્યક્તિએ પોતાની ઓળખ જાહેર નથી કરી. તેણે સોનાના આ મોટા ટુકડાનું નામ 'ટિબૂબુરા સ્પડ' રાખ્યું છે. અંગ્રેજીમાં 'સ્પડ' શબ્દનો ઉપયોગ અનૌપચારિક રીતે બટાકા માટે થાય છે.
સોનાના આ ટુકડાનું કુલ વજન લગભગ ૧.૨ કિલોગ્રામ છે. તેમાં લગભગ ૯૪૦ ગ્રામ શુદ્ધ સોનું છે. એટલે કે, આ ટુકડાનો મોટો ભાગ સોનાનો બનેલો છે, જે તેને અત્યંત ખાસ બનાવે છે. આ શોધ થઈ ત્યારે તેની કિમત લગભગ ૧.૯૫ લાખ ઓસ્ટ્રેલિયન ડોલર આંકવામાં આવી હતી. ભારતીય ચલણમાં આ રકમ ૧ કરોડ રૂપિયાથી વધુ થાય છે. જોકે, સોનાના ભાવમાં ઘટાડો થયા બાદ તેની અંદાજિત કિમત ઘટીને લગભગ ૧.૬૦ લાખ ઓસ્ટ્રેલિયન ડોલર થઈ ગઈ હતી. તે સમયના વિનિમય દર મુજબ આ રકમ લગભગ ૮૫ લાખ રૂપિયા જેટલી હતી. આ કિમત સોનાના બજારભાવના આધારે કરવામાં આવેલા અંદાજ પર આધારિત છે. જોકે, કુદરતી રીતે મળેલા સોનાના ટુકડાની વાસ્તવિક કિમત તેની શુદ્ધતા, વજન અને ખરીદનારની માગ પ્રમાણે અલગ હોઈ શકે છે.
આ વ્યક્તિએ જણાવ્યું કે જ્યારે તે જમીનમાં સોનું શોધી રહ્યો હતો, ત્યારે તેના મશીનમાંથી શરૂઆતમાં બહુ તેજ સંકેત મળ્યો નહોતો, પરંતુ જેમ-જેમ તેણે ખોદકામ કર્યું, તેમ-તેમ મશીનનો અવાજ વધવા લાગ્યો હતો. તેણે 'એબીસી ન્યૂઝ'ને જણાવ્યું કે જ્યારે તે લગભગ ૧૦૦ મિલીમીટર એટલે કે ૧૦ સેન્ટિમીટરની ઊંડાઈ સુધી પહોંચ્યો, ત્યારે મશીન જોરજોરથી સંકેત આપવા લાગ્યું. એક કે બે વખત માટી હટાવ્યા બાદ જ તેને ખાડાની વચ્ચે ચમકતો પીળા રંગનો ટુકડો દેખાયો હતો. શરૂઆતમાં કદાચ તેને પણ અંદાજ નહોતો કે તેની આ શોધ આટલી મોટી સાબિત થશે, પરંતુ જ્યારે સોનાના ટુકડાનું કદ અને વજન સામે આવ્યાં, ત્યારે તે આヘર્યચકિત થઈ ગયો હતો.
આ શોધની ચર્ચા વિસ્તારના સોનું શોધતા લોકો વચ્ચે થવા લાગી હતી. સ્થાનિક સોનું શોધવાના સાધનોની દુકાનના માલિક ગ્રેગ સ્પેંગલરે જણાવ્યું કે સોનાનો ટુકડો મળ્યા બાદ તે વ્યક્તિએ તેમને વીડિયો કોલ કર્યો હતો. સ્પેંગલરના જણાવ્યા અનુસાર, તે વ્યક્તિ ખૂબ જ ઉત્સાહિત હતો. તેમણે કહ્યું કે આટલો મોટો અને દુર્લભ સોનાનો ટુકડો મળવો સામાન્ય વાત નથી. જો કોઈને આવો ટુકડો મળી જાય, તો તેનું ઉત્સાહિત થવું સ્વાભાવિક છે. તેમણે તેની સરખામણી બટાકા સાથે કરતાં કહ્યું કે આ એવો પથ્થર છે, જે દેખાવમાં બટાકા જેવો લાગે છે, પરંતુ તેની કિમત ખૂબ જ વધારે છે.
ઓસ્ટ્રેલિયા વિશ્વના મોટા સોનાનું ઉત્પાદન કરતા દેશોમાં સામેલ છે. અહીં દર વર્ષે લગભગ ૩૦૦ ટન સોનાનું ઉત્પાદન થાય છે. ન્યૂ સાઉથ વેલ્સના દૂરના વિસ્તારોમાં પણ લોકો જમીનમાં સોનું શોધે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સોનાના ભાવમાં પણ મોટા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. આ વર્ષે સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં જમીનની અંદરથી આટલો મોટો કુદરતી સોનાનો ટુકડો મળવો કોઈપણ વ્યક્તિ માટે જીવન બદલી નાખે તેવી તક બની શકે છે. જોકે, આવી શોધ અત્યંત દુર્લભ હોય છે. સામાન્ય રીતે સોનું શોધતા લોકોને લાંબા સમય સુધી મહેનત કરવી પડે છે અને ઘણી વખત તેમના હાથમાં કંઈ ખાસ આવતું નથી, પરંતુ આ વ્યક્તિનું નસીબ એવું ચમક્યું કે તેને જમીનની માટીમાંથી બટાકાના આકારનું સોનું મળી ગયું.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
