News of Wednesday, 4th November 2026
એકથી વધુ લગ્ન કર્યા તો જશે નોકરી! આસામ સરકારે લીધો મોટો નિર્ણય
આસામ સરકારે મહિલા સશક્તિકરણ અને લિંગ ન્યાય માટે મોટો નિર્ણય લઈને સેવા નિયમો ૧૯૬૪ માં સુધારો કર્યો : હવેથી એકથી વધુ જીવિત પત્ની રાખનારા સરકારી કર્મચારીઓને તાત્કાલિક સેવામાંથી બરતરફ કરવામાં આવશે

ગુવાહાટી,તા.૪: રાજ્યમાં મહિલા સશક્તિકરણ, આત્મસન્માન અને લિગ સમાનતાને મજબૂત કરવાના હેતુથી સરકાર દ્વારા અત્યંત કઠોર અને ક્રાંતિકારી નીતિગત નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રમાં પારદર્શિતા અને સામાજિક મૂલ્યો જાળવી રાખવા માટે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ લેવાયેલા આ ફેંસલા મુજબ હવે કોઈપણ સરકારી કર્મચારી એકથી વધુ પત્ની રાખી શકશે નહીં.
જે કોઈ કર્મચારી આવા કિસ્સામાં દોષિત સાબિત થશે તેને કોઈપણ પ્રકારની રાહત આપ્યા વગર સીધો જ સેવામાંથી બરતરફ કરી દેવામાં આવશે. આ સાથે જ ભવિષ્યમાં કોઈપણ સરકારી હોદ્દા કે જાહેર કલ્યાણકારી યોજનાઓના લાભ મેળવવા માટે પણ તેના પર કાયમી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
મંગળવારે મળેલી મહત્વપૂર્ણ કેબિનેટ બેઠકમાં 'આસામ સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૬૪' માં મોટા પાયે સંશોધન કરવાની દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે.
આ સુધારા સાથે જ સમગ્ર રાજ્યમાં આ કડક જોગવાઈઓ તાત્કાલિક અસરથી સત્તાવાર રીતે લાગુ થઈ ગઈ છે. વહીવટી પારદર્શિતા લાવવા માટે આ નિયમ લાંબા સમયથી વિચારણા હેઠળ હતો.
એકથી વધુ લગ્ન કરનારા કર્મચારીઓને સીધા સેવામાંથી બરતરફ કરવાનો આદેશ
નવા સુધારેલા નિયમ મુજબ જો રાજ્ય સરકારનો કોઈપણ કર્મચારી એકથી વધુ જીવિત પત્નીઓ ધરાવતો માલૂમ પડશે તો તેની સામે તાત્કાલિક ખાતાકીય તપાસ કરીને તેને ફરજ પરથી દૂર કરાશે.
આ મામલે કોઈપણ કર્મચારીને વિશેષ છૂટછાટ આપવામાં આવશે નહીં. સંબંધિત વિભાગ દ્વારા પ્રાથમિક પુરાવા મળતાંની સાથે જ સેવાનિવૃત્તિ વગર સીધી બરતરફીનો હુકમ જારી કરી દેવામાં આવશે. જે કર્મચારીને આ કારણોસર નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે તે ભવિષ્યમાં રાજ્ય સરકારના અન્ય કોઈપણ વિભાગમાં નોકરી મેળવી શકશે નહીં.
તેને આજીવન સરકારી ક્ષેત્રમાં અરજી કરવા માટે કાયમી ધોરણે અયોગ્ય જાહેર કરવામાં આવશે. આ જોગવાઈથી સરકારી ક્ષેત્રમાં શિસ્ત અને સામાજિક જવાબદારીનો કડક સંદેશ આપવામાં આવ્યો છે.
નવા આદેશો અનુસાર આવા ગુનામાં સંડોવાયેલા કોઈપણ પુરુષ કે કર્મચારીને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ જનકલ્યાણ અને નાણાકીય સહાય યોજનાઓમાંથી બાકાત કરી દેવામાં આવશે.
તેઓ કોઈ પણ સરકારી સબસિડી કે ગ્રાન્ટના હકદાર રહેશે નહીં. ચાલુ નાણાકીય વર્ષના બજેટ ભાષણમાં આ કાયદાકીય ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી, જેને હવે કેબિનેટની ઔપચારિક મંજૂરી બાદ કાયદાકીય સ્વરૂપ આપી દેવાયું છે.
કેબિનેટ બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં રાજ્યના નાણામંત્રી જયંત મલ્લા બરુઆએ જણાવ્યું હતું કે સરકાર મહિલાઓના હક અને લિગ ન્યાય પ્રત્યે સંપૂર્ણ વચનબદ્ધ છે.
તેમણે સ્પષ્ટપણે ટાંક્યું હતું કે સમાજમાં ષીઓ પર થતાં ઉત્પીડનને ડામવા અને લિગ સમાનતાના મૂલ્યો સ્થાપિત કરવા માટે જ આ ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
