News of Thursday, 30th July 2026
બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં રાખો તો ખિસ્સું ખાલી! બેંકોએ દંડ પેટે વસૂલ્યા રૂ. 26,000 કરોડથી વધુ, જાણો RBI નો ખાસ નિયમ ગણતરીની સાચી રીત
દૈનિક લિમિટ જાળવવાની ગેરસમજ દૂર કરો: MAB ની સાચી ગણતરી અને નેગેટિવ બેલેન્સ અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ગાઇડલાઇન્સ જાણવી ખૂબ જ જરૂરી

નવી દિલ્હી, તા.30: જો તમારું પણ દેશની કોઈ બેંકમાં બચત ખાતું છે, તો આ સમાચાર તમારા માટે આંખ ઉઘાડનારા સાબિત થઈ શકે છે. રાજ્યસભામાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આપેલા સત્તાવાર આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2023 થી 2026 વચ્ચે બેંકોએ મિનિમમ બેલેન્સ (લઘુત્તમ રકમ) ન જાળવવા બદલ ગ્રાહકો પાસેથી ₹26,170 કરોડથી વધુનો મબલખ દંડ વસૂલ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે આ દંડ વસૂલવામાં ખાનગી બેંકો સૌથી આગળ રહી છે, જેમણે સરકારી બેંકો કરતા બમણાથી પણ વધુ રકમ ગ્રાહકોના ખિસ્સામાંથી કાઢી લીધી છે.
સામાન્ય રીતે લોકોમાં એવી ગેરસમજ હોય છે કે જો બેંકે ₹10,000 મિનિમમ બેલેન્સ રાખવાનું કહ્યું હોય, તો દરરોજ ખાતામાં ₹10,000 હોવા જ જોઈએ. પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિયમો અનુસાર, બેંકો દૈનિક બેલેન્સના આધારે નહીં, પરંતુ માસિક સરેરાશ બેલેન્સ (Monthly Average Balance - MAB) ની ગણતરી કરે છે. એટલે કે, આખા મહિનાના દરરોજના અંતે ખાતામાં રહેલી રકમનો સરવાળો કરી તેને મહિનાના દિવસો (30 કે 31) વડે ભાગવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે મહિનાની પહેલી જ તારીખે ખાતામાં ₹3 લાખ મૂકી દો અને બાકીના 29 દિવસ શૂન્ય બેલેન્સ રાખો, તો પણ તમારું સરેરાશ માસિક બેલેન્સ ₹10,000 જ ગણાશે અને તમને કોઈ દંડ થશે નહીં.
ઘણા ગ્રાહકોને એવો ડર સતાવતો હોય છે કે મિનિમમ બેલેન્સ ન જાળવવાથી દંડના કારણે તેમનું એકાઉન્ટ બેલેન્સ માઇનસ (Negative) થઈ જશે. પરંતુ RBI ના સ્પષ્ટ આદેશ અનુસાર, માત્ર મિનિમમ બેલેન્સ ન રાખવાના કારણે બેંકો કોઈ પણ ગ્રાહકનું એકાઉન્ટ બેલેન્સ નેગેટિવ ઝોનમાં લાવી શકતી નથી. જો ખાતામાં પૂરતા પૈસા ન હોય તો બેંકો બેલેન્સ શૂન્ય સુધી જ ચાર્જ કાપી શકે છે અથવા ગ્રાહકને પૈસા જમા કરાવવાનો સમય આપવો પડે છે. દંડ લાદતા પહેલા ગ્રાહકને SMS કે ઇમેઇલ દ્વારા એલર્ટ આપવું પણ બેંકો માટે ફરજિયાત છે.
મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા લોકો અજાણતામાં દર મહિને ₹400 થી ₹500 દંડ પેટે ગુમાવી દે છે. આ આર્થિક નુકસાનથી બચવા માટે બેંકની મોબાઈલ એપ દ્વારા MAB ટ્રેક કરવું જોઈએ. જો તમે નિયમિતપણે મિનિમમ બેલેન્સ જાળવી શકતા ન હોવ, તો પોતાની બેંકશાખાનો સંપર્ક કરીને ખાતાને શૂન્ય-બેલેન્સ ધરાવતા BSBDA અથવા 'જન ધન ખાતા' માં રૂપાંતરિત કરાવી લેવું ડહાપણભર્યું પગલું ગણાશે.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
