<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

"મેં બંધારણના શપથ લીધા છે, પણ હવે મને જીવનો ડર લાગે છે!" બિહારના જાંબાઝ અફસરે સીધો પીએમ મોદીને પત્ર લખતા વહીવટી આલમમાં ભારે ખળભળાટ

દબાણ હટાવવાની ઝુંબેશ દરમિયાન નેતાઓના રાજકીય પાવર અને દબાણ સામે ઝૂકવાને બદલે મહેસૂલ અધિકારીએ વડાપ્રધાન પાસે માંગી ન્યાયી તપાસ અને સુરક્ષાની ગુહાર

બગાહા : બિહારના વહીવટી અને રાજકીય વર્તુળોમાં એક સનસનાટીભર્યા અહેવાલે ભારે ખળભળાટ મચાવી દીધો છે. પશ્ચિમ ચંપારણ જિલ્લાના બગાહા-II ઝોનમાં તૈનાત બિહાર વહીવટી સેવાના એક નીડર મહેસૂલ અધિકારી (રેવન્યુ ઓફિસર) રવિ પ્રકાશ ચૌધરીએ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સીધો પત્ર લખીને સિસ્ટમ સામે સવાલ ઉઠાવ્યા છે. અફસરે પત્રમાં અત્યંત ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, પ્રમાણિકતાથી પોતાની ફરજ બજાવવા છતાં તેમને હવે રાજકીય બદલો લેવાનો, હેરાનગતિનો અને પોતાની સુરક્ષાનો મોટો ભય સતાવી રહ્યો છે.

નેતાઓની 'રાજકીય પ્લેબુક' અને કાયદાનું શાસન

૧૭ જૂનના રોજ પીએમઓ (PMO) ને મોકલવામાં આવેલા આ પત્રમાં અધિકારી રવિ પ્રકાશે હૃદયદ્રાવક આપવીતી રજૂ કરી છે. તેમણે લખ્યું છે કે, "સરકારી સેવામાં જોડાયા બાદ મેં દેશના પવિત્ર બંધારણ અને કાયદા પ્રત્યે વફાદાર રહેવાના શપથ લીધા હતા. મેં હંમેશા કોઈપણ પક્ષપાત વિના સંપૂર્ણ પારદર્શિતા અને કાયદાના દાયરામાં રહીને જ જનહિતના કામો કર્યા છે. પરંતુ કાયદો જાળવવાની આ જ નીતિ હવે મારા માટે મુશ્કેલીનું કારણ બની ગઈ છે. મને દબાવવા માટે રાજકીય આકાઓ દ્વારા સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે."

દબાણ હટાવવા ગયા ને રાજકીય દબાણનો શિકાર બન્યા!

અધિકારીએ પત્રમાં તાજેતરમાં બગાહામાં ચલાવવામાં આવેલી અતિક્રમણ વિરોધી (દબાણ હટાવવાની) ઝુંબેશનો ઉલ્લેખ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, ગત ૫ જૂનના રોજ જ્યારે તેઓ સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણો હટાવી રહ્યા હતા, ત્યારે સ્થાનિક નેતાઓ અને ચોક્કસ રાજકીય તત્વોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને વહીવટી કામગીરીમાં મોટો અવરોધ ઊભો કર્યો હતો. આટલેથી ન અટકતા, ૧૨ જૂને બીજી એક કાનૂની ઝુંબેશ દરમિયાન પણ તેમના પર સત્તાવાર કાર્યવાહી રોકવા માટે ભારે રાજકીય દબાણ લાવવામાં આવ્યું હતું અને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવ્યા હતા.

કોઈનું નામ લીધા વિના પીએમ મોદી પાસે માંગી મદદ

આ પત્ર મીડિયામાં વાયરલ થતાં જ બિહારના સત્તાધારી પક્ષો અને વિપક્ષોમાં ભારે ગણગણાટ શરૂ થઈ ગયો છે. જોકે, આ પત્રમાં મહેસૂલ અધિકારીએ કોઈ ચોક્કસ મંત્રી કે ધારાસભ્યનું નામ જાહેર કર્યું નથી, પરંતુ "રાજકીય બદલો લેવાની આશંકા" શબ્દનો પ્રયોગ કરીને તેમણે બિહારમાં અમલદારશાહી પર નેતાઓનો કેટલો મોટો પ્રભાવ છે તેની પોલ ખોલી દીધી છે. રવિ પ્રકાશ ચૌધરીએ પીએમ મોદી પાસે માંગ કરી છે કે આ સમગ્ર મામલાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરાવવામાં આવે જેથી સામાન્ય જનતા માટે કાયદાનું શાસન સુરક્ષિત રહી શકે અને ઈમાનદાર અફસરો મુક્ત મને કામ કરી શકે.

(6:42 PM IST)