તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Friday, 3rd July 2026
હૈદરાબાદ પોલીસની નાર્કોટિક્સ વિંગે સ્પીડ પોસ્ટ અને કુરિયર દ્વારા ચાલતા આંતરરાજ્ય ગાંજા તસ્કરીના હાઇટેક રેકેટનો કર્યો પર્દાફાશ : વોટ્સએપ અને યુપીઆઈ નેટવર્કથી થતી હતી હોમ ડિલિવરી
ઝારખંડથી દેશના ૨૧ રાજ્યોમાં ફેલાયેલું હતું ડ્રગ્સનું નેટવર્ક : મુખ્ય સૂત્રધાર સત્યમ મિશ્રાની ધરપકડ : ચાર સાગરીતો ફરાર : 'મેંગો' અને 'સ્ટીક' જેવા કોડવર્ડ વાપરીને ટોળકી મહિને ૩૦ થી ૩૫ લાખ રૂપિયા કમાતી હતી

હૈદરાબાદ: હૈદરાબાદ પોલીસના નાર્કોટિક્સ એન્ફોર્સમેન્ટ વિંગ (H-NEW) દ્વારા દેશભરમાં સ્પીડ પોસ્ટ અને કુરિયર સેવાઓ દ્વારા ગ્રાહકોને ગાંજાની હોમ ડિલિવરી કરતા એક મોટા આંતરરાજ્ય ડ્રગ્સ તસ્કરી સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ હાઇટેક ગેંગ સોશિયલ મીડિયા અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને અત્યંત ચતુરાઈથી ગેરકાયદેસર કાળો કારોબાર ચલાવતી હતી. પોલીસે આ સમગ્ર નેટવર્કના મુખ્ય સૂત્રધાર સત્યમ મિશ્રાની ધરપકડ કરી છે, જે ઝારખંડના ગિરિડીહ જિલ્લાનો રહેવાસી છે. જોકે, આ ગુનામાં સામેલ તેના અન્ય ચાર સાગરીતો હાલ પોલીસ પકડથી દૂર હોઈ તેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.
૨૧ રાજ્યોમાં ફેલાયેલી હતી જાળ, આ રીતે થતું હતું ઓપરેશન:
હૈદરાબાદ શહેરના પોલીસ કમિશનર વીસી સજ્જનારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રવ્યાપી સિન્ડિકેટ ઝારખંડથી પોતાનું આખું ઓપરેશન ચલાવતી હતી. આ ટોળકી તેલંગાણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને દિલ્હી સહિત દેશના અંદાજે ૨૧ રાજ્યોમાં ગ્રાહકોને ગાંજો સપ્લાય કરતી હતી. આ ગેંગ સ્થાનિક સ્તરે ગાંજાની ખેતી કરીને તેને મેળવતી હતી અને ત્યારબાદ તેનું નાના પ્રમાણમાં પેકિંગ કરતી હતી. પોસ્ટ ઓફિસમાં પકડાઈ ન જવાય તે માટે પાર્સલમાં રહેલી સામગ્રી આયુર્વેદિક કે અન્ય દવાઓ હોવાની ખોટી જાહેરાત કરીને સ્પીડ પોસ્ટ કે કુરિયર બુક કરાવવામાં આવતું હતું.
ઓર્ડર વોટ્સએપ પર, પેમેન્ટ યુપીઆઈથી: માસિક કમાણી ૩૫ લાખ:
તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, આ ટોળકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વોટ્સએપના માધ્યમથી ગ્રાહકો પાસેથી ડ્રગ્સના ઓર્ડર મેળવતી હતી. પૈસાની લેવડદેવડ પકડાય નહીં તે માટે અલગ-અલગ મલ્ટિપલ યુપીઆઈ (UPI) એકાઉન્ટ્સમાં ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવામાં આવતું હતું. આ સિન્ડિકેટ રોજની ૮૦ થી ૧૦૦ ઓર્ડર હેન્ડલ કરતી હતી અને રોજિંદા ૮ થી ૧૦ સ્પીડ પોસ્ટ પાર્સલ રવાના કરતી હતી. દરેક પાર્સલમાં ૫૦ ગ્રામથી લઈને ૨૫૦ ગ્રામ સુધીનો ગાંજો છુપાવેલો હોતો હતો. આ ગેરકાયદેસર નેટવર્ક દ્વારા ગેંગ દર મહિને અંદાજે ૩૦ થી ૩૫ લાખ રૂપિયાની અધધ કમાણી કરતી હોવાનું બહાર આવ્યું છે.
હૈદરાબાદમાં શંકાસ્પદ પાર્સલ પકડાતા ભાંડો ફૂટ્યો:
આ આખા રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે હૈદરાબાદ નાર્કોટિક્સ એન્ફોર્સમેન્ટ વિંગે ઝારખંડથી હૈદરાબાદ મોકલવામાં આવેલા એક શંકાસ્પદ પાર્સલને રસ્તામાં જ અટકાવ્યું હતું. આ મામલાની ઊંડી તપાસ કરતા હૈદરાબાદના સ્થાનિક ખરીદદારો સુધી પોલીસ પહોંચી હતી, જેમાં સુશાંત વ્યાસ અને લડ્ડુ નામના બે સ્થાનિક પેડલરોની ઓળખ થઈ હતી. પોલીસે ગુડિમાલકાપુર અને એસઆર નગર પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુના નોંધીને આ બંને ખરીદદારોની ધરપકડ કરી લીધી છે અને તેમની પાસેથી બે કિલોગ્રામ જેટલો ગાંજો જપ્ત કર્યો છે.
મુંબઈમાં ટ્રેન નેટવર્ક અને 'મેંગો-સ્ટીક' જેવા કોડવર્ડનો ખેલ:
પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે આ આરોપીઓ મુંબઈમાં પણ એક મોટું વિતરણ નેટવર્ક ચલાવતા હતા. મુંબઈમાં ટ્રેન મારફતે જથ્થાબંધ માત્રામાં ગાંજો પહોંચાડવામાં આવતો હતો અને ત્યારબાદ ત્યાંથી સ્થાનિક પરિવહનનો ઉપયોગ કરીને ગ્રાહકો સુધી માલ સપ્લાય થતો હતો. પોલીસ કમિશનર વીસી સજ્જનારે જણાવ્યું કે, પકડાઈ જવાનો ડર હોવાથી આ ગેંગ ગાંજાના અલગ-અલગ જથ્થા અને ક્વોલિટી માટે "મેંગો" (Mango), "સ્ટીક" (Stick) અને "ફ્લાવર" (Flower) જેવા ગુપ્ત કોડવર્ડનો ઉપયોગ કરતી હતી જેથી કોઈને શંકા ન જાય.
સુરક્ષામાં મોટી ખામી સામે આવતા કેન્દ્ર સરકારને પત્ર:
આ હાઇટેક સ્મગલિંગના કારણે સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. તપાસ દરમિયાન સ્પષ્ટ થયું છે કે ડ્રગ્સના આ પાર્સલો કોઈપણ પ્રકારના સ્કેનિંગ વગર ટ્રેન અને ફ્લાઇટ મારફતે મુસાફરી કરી રહ્યા હતા. આ સુરક્ષા ક્ષતિ સામે આવ્યા બાદ હૈદરાબાદ સિટી પોલીસે તાત્કાલિક સંજ્ઞાન લઈને સંબંધિત કેન્દ્રીય સત્તાધિકારીઓને પત્ર લખી જાણ કરી છે અને ભવિષ્યમાં આવા તમામ પોસ્ટલ પાર્સલનું ફરજિયાત સ્કેનિંગ અને સ્ક્રીનિંગ કરવામાં આવે તેવી સખત માંગ કરી છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
