<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

કડીના થોળમાં ગુમ થયેલી ૫ વર્ષની માસૂમ બાળકીનું માનવ કંકાલ મળતાં ભારે ચકચાર

​ઘર બહાર રમતાં ભેદી સંજોગોમાં ગાયબ થયેલી બાળકીને જંગલી પ્રાણીએ ફાડી ખાધાની શંકા: બાવળુ પોલીસે FSL અને DNA રિપોર્ટના આધારે તપાસ તેજ કરી

​કડી: મહેસાણા જિલ્લાના કડી તાલુકાના પક્ષી અભયારણ્ય માટે જાણીતા થોળ ગામમાંથી ગુમ થયેલી પાંચ વર્ષની માસૂમ બાળકીનો કરૂણ અંત આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે સનસનાટી મચી ગઈ છે. 
થોળ ગામે ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારની બાળકી ઘર બહાર રમતી વખતે રહસ્યમય સંજોગોમાં ગાયબ થઈ ગઈ હતી, જેનો કોઈ પત્તો ન મળતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી સઘન શોધખોળ હાથ ધરી હતી.
 દરમિયાન સીમ વિસ્તારમાંથી બાળકીના શરીરનું માનવ કંકાલ (માનવ અવશેષો) મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
​પ્રાપ્ત વિગતો અનુસાર, કડીના થોળ ગામે રહેતા શ્રમિક પરિવારની ૫ વર્ષીય દીકરી પોતાના ઘર આગળ રમી રહી હતી. તે સમયે અચાનક દોડીને મુખ્ય માર્ગ તરફ જતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને ત્યારબાદ અચાનક ગાયબ થઈ ગઈ હતી. બાળકીની માતાએ દીકરીનું અપહરણ થયું હોવાની આશંકા વ્યક્ત કરતાં બાવળુ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. જે બાદ પોલીસ, એલસીબી અને સ્થાનિક ગ્રામજનો દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

​શોધખોળ દરમિયાન થોળ ગામની સીમમાં ઝાડી-ઝાંખરામાંથી માસૂમ બાળકીનું માનવ કંકાલ મળી આવ્યું હતું. આ જોઈને શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ઘટનાની જાણ થતાં જ બાવળુ પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ બાળકી સીમ વિસ્તાર તરફ જતી રહી હોય અને તેને કોઈ હિંસક કે જંગલી પ્રાણીએ ફાડી ખાધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
​હાલમાં બાવળુ પોલીસે અકુદરતી મોતનો ગુનો નોંધી બાળકીના અવશેષોને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અને DNA પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, FSL અને DNA રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીના મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. આ બનાવથી મૃતક બાળકીના પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

(1:39 PM IST)