News of Tuesday, 28th July 2026
દેશના ક્વિક-કોમર્સ માર્કેટમાં ભારે હલચલ: સ્વિગી ઇન્સ્ટામાર્ટના સીઈઓ અમિતેશ કુમાર ઝાએ અચાનક પદ પરથી આપ્યું રાજીનામું
માયન્ટ્રા (Myntra) ના પૂર્વ સીઈઓ નંદિતા સિંહા હવે સંભાળશે ઇન્સ્ટામાર્ટની કમાન, આગામી ૩ ઓગસ્ટથી સત્તાવાર રીતે નવો કાર્યભાર સંભાળીને કંપનીના ગ્રોથને આપશે નવી દિશા

બેંગલુરુ: ભારતમાં ઝડપથી વિકસી રહેલા ક્વિક-કોમર્સ અને ઓનલાઈન ડિલિવરી સેક્ટરમાંથી આજે એક સૌથી મોટા બિઝનેસ સમાચાર સામે આવ્યા છે. ફૂડ ડિલિવરી અને ઇન્સ્ટન્ટ ગ્રોસરી પ્લેટફોર્મ સ્વિગી (Swiggy) ની પેટા કંપની 'ઇન્સ્ટામાર્ટ' (Instamart) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અમિતેશ કુમાર ઝાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કંપની દ્વારા સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ નેતૃત્વ પરિવર્તનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અમિતેશ ઝાના સ્થાને હવે દેશના કન્ઝ્યુમર ઇન્ટરનેટ ક્ષેત્રના દિગ્ગજ મહિલા લીડર અને ફેશન ઇ-કોમર્સ પ્લેટફોર્મ માયન્ટ્રાના પૂર્વ સીઈઓ નંદિતા સિંહાને ઇન્સ્ટામાર્ટના નવા સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારાયું, શેરબજારમાં ઉછાળો
કંપનીના જણાવ્યા અનુસાર, અમિતેશ કુમાર ઝાએ ૨૮ જુલાઈના રોજ સ્વિગીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ શ્રીહર્ષ મેજેટીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું, જેમાં તેમણે સંસ્થાની બહાર અન્ય તકો શોધવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમનું રાજીનામું તાત્કાલિક અસરથી અમલમાં આવ્યું છે અને તેઓ કંપનીના સિનિયર મેનેજમેન્ટ પર્સનલ (SMP) માંથી મુક્ત થયા છે. આ નેતૃત્વ પરિવર્તનની જાહેરાત થતાં જ શેરબજારમાં સ્વિગીના શેરમાં ૫.૪% સુધીનો જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.
નવા સીઈઓ નંદિતા સિંહાનો બહોળો અનુભવ
ઇન્સ્ટામાર્ટના નવા વડા તરીકે નિયુક્ત થયેલા નંદિતા સિંહા આગામી ૩ ઓગસ્ટથી સત્તાવાર રીતે પદભાર સંભાળશે. નંદિતા સિંહા પાસે રિટેલ, એફએમસીજી (FMCG) અને ઇ-કોમર્સ ક્ષેત્રમાં ૨૦ વર્ષથી વધુનો બહોળો અનુભવ છે. તેઓ આ પૂર્વે માયન્ટ્રાના સીઈઓ રહી ચૂક્યા છે, જ્યાં તેમના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૨૪ માં કંપનીએ મજબૂત નાણાકીય નફો (EBITDA Profitability) હાંસલ કર્યો હતો. આ સિવાય તેમણે ફ્લિપકાર્ટ, બ્રિટાનિયા અને હિન્દુસ્તાન યુનિલિવર (HUL) જેવી અગ્રણી કંપનીઓમાં પણ મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. તેઓ આઈઆઈટી (IIT-BHU) અને એફએમએસ દિલ્હી (FMS Delhi) ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.
ગ્રુપ સીઈઓ શ્રીહર્ષ મેજેટીએ વ્યક્ત કર્યો સંતોષ
સ્વિગી ગ્રુપના સીઈઓ શ્રીહર્ષ મેજેટીએ પૂર્વ સીઈઓ અમિતેશ ઝાની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, અમિતેશે ઇન્સ્ટામાર્ટને વિકાસના એક મહત્વપૂર્ણ તબક્કામાં ઉત્કૃષ્ટ નેતૃત્વ પૂરું પાડ્યું છે અને માર્જિન સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. નવી નિમણૂક અંગે ખુશી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, નંદિતા સિંહા ભારતના સૌથી કુશળ કન્ઝ્યુમર ઇન્ટરનેટ લીડર્સમાંના એક છે અને તેમના વિઝન તથા ઓપરેશનલ કુશળતાથી ઇન્સ્ટામાર્ટ આગામી સમયમાં ગ્રાહકોની જરૂરિયાતોને વધુ બહેતર રીતે પૂરી કરી શકશે.
ક્વિક-કોમર્સ સેક્ટરમાં તીવ્ર સ્પર્ધા વચ્ચે મોટો બદલાવ
આ નેતૃત્વ પરિવર્તન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં ૧૦ મિનિટમાં ડિલિવરી આપતા ક્વિક-કોમર્સ માર્કેટમાં ભારે હરીફાઈ ચાલી રહી છે. ઇન્સ્ટામાર્ટનો સીધો મુકાબલો બ્લિંકઇટ (Blinkit) અને ઝેપ્ટો (Zepto) જેવા પ્લેટફોર્મ્સ ઉપરાંત એમેઝોન અને ફ્લિપકાર્ટ મિનિટ્સ (Flipkart Minutes) જેવા નવા પ્રવેશેલા દિગ્ગજો સાથે છે. આ તીવ્ર સ્પર્ધાની વચ્ચે ઇન્સ્ટામાર્ટના બિઝનેસને નફાકારક બનાવવો, ડાર્ક સ્ટોર્સનું નેટવર્ક વધારવું અને ગ્રાહકોના અનુભવને બહેતર બનાવવો એ નવા સીઈઓ નંદિતા સિંહા માટે મુખ્ય પડકાર રહેશે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
