News of Friday, 30th October 2026
વિપક્ષની મહારેલી પહેલાં વિશાળ કૂચ: કનોટ પ્લેસથી શરૂ થઈ રામલીલા મેદાન સુધી વિશાળ કૂચની જાહેરાત કરતા રાહુલગાંધી
રાહુલ ગાંધીએ તેને 'હિન્દુસ્તાનના આત્માની કૂચ' ગણાવી, રાજકીય પક્ષો સહિત સામાન્ય નાગરિકોને જોડાવા અપીલ કરી:તેમણે ગૃહમંત્રી પર લોકોને દિલ્હી આવતા રોકવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી :કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે, 1 નવેમ્બરના રોજ રામલીલા મેદાન ખાતે યોજાનારી વિપક્ષની મહારેલી પહેલાં એક વિશાળ રેલી કાઢવામાં આવશે. આ આયોજન અંગે વાત કરતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે, 'આ કોઈ એક રાજકીય પક્ષની કૂચ નથી, પરંતુ હિન્દુસ્તાનના આત્માની કૂચ છે.' તેમણે દેશભરમાંથી લોકોને આ આંદોલનમાં જોડાવા માટે આહ્વાન કર્યું છે. .
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક યુઝરે આ કૂચના રૂટ અંગે પૂછેલા સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ માહિતી આપી હતી કે, આ માર્ચ મિન્ટો રોડ અને કનોટ પ્લેસના જંક્શનથી શરૂ થઈને રામલીલા મેદાન સુધી જશે. 1 નવેમ્બરના રોજ યોજાનારી આ કૂચમાં સમગ્ર વિપક્ષ એકસાથે જોવા મળશે અને આ કોઈ એક પક્ષનું નહીં પણ લોકશાહી બચાવવા માંગતા તમામ પક્ષો અને નાગરિકોનું પ્રદર્શન રહેશે.
રાહુલ ગાંધીએ આ કૂચને જનઆંદોલનનું સ્વરૂપ આપતા જણાવ્યું હતું કે, રાજકીય અને બિનરાજકીય સંગઠનો, સામાજિક કાર્યકરો, સિવિલ સોસાયટી, પત્રકારો અને સામાન્ય નાગરિકોનું આ કાર્યક્રમમાં દિલથી સ્વાગત છે. તેમણે ઉમેર્યું હતું કે, 1 નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં વિપક્ષની રેલી અને કૂચ થશે, જેમાં રાજકીય પક્ષો ઉપરાંત સામાન્ય નાગરિકો, વેપારીઓ, નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ, પત્રકારો અને સિવિલ સોસાયટી સાથે જોડાયેલા તમામ લોકો વિરોધ દર્શાવવા માટે જોડાઈ શકે છે.
વિપક્ષ દ્વારા શુક્રવારે એક મોક પાર્લામેન્ટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ અણધાર્યા વરસાદના કારણે તેને સ્થગિત કરી શનિવાર સુધી લંબાવવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે વરસાદને કારણે આજનો મોક પાર્લામેન્ટનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે અને હવે આ કાર્યક્રમ શનિવારે આ જ સમયે યોજવામાં આવશે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
