<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

કલાકોની મુસાફરી મિનિટોમાં: દેશમાં શરૂ થઈ રહી છે એરટેક્ષી સેવા

દેશમાં એરટેક્ષી સેવા શરૂ થતાની સાથે જ દિલ્‍હી-નોઈડા કે ગુરુગ્રામથી ૧૦૦ કિલોમીટરના વિસ્‍તારમાં ક્‍યાંય પણ પહોંચવું મિનિટોમાં શક્‍ય બનશે : કોઈ વિદેશી કંપનીની વાત નથી પરંતુ એક ભારતીય સ્‍ટાર્ટઅપ કંપની દેશમાં આ સેવા શરૂ કરવા જઈ રહી છે

નવી દિલ્‍હી તા.૧૮: સેન્‍ટ્રલ દિલ્‍હીથી ગ્રેટર નોઈડા જવું હોય કે જેવરથી ગુરુગ્રામ, હવે થોડી જ મિનિટોમાં પહોંચવું સરળ બનશે. ન ટ્રાફિક જામની ઝંઝટ, ન કોઈ ગાડીની રાહ જોવાની જરૂર. કારણ કે, દેશમાં શરૂ થવા જઈ રહી છે Air Taxi સેવા. આ સેવા શરૂ થતાની સાથે જ દિલ્‍હી-નોઈડા કે ગુરુગ્રામથી ૧૦૦ કિમીના દાયરામાં ક્‍યાંય પણ મિનિટોમાં પહોંચી શકાશે. ભારતીય સ્‍ટાર્ટઅપ કંપની સરલા એવિએશન આ સેવા શરૂ કરવાની છે. આ માટે દેશની ટોચની એરલાઇન કંપની ઇન્‍ડિગો (IndiGo)એ ૧૦ કરોડનો દાવ લગાવ્‍યો છે. શુક્રવારે જ બંને કંપનીઓ વચ્‍ચે ભાગીદારીના સમાચાર આવ્‍યા હતા. ગુરુવારે બંનેએ હાથ મિલાવ્‍યા હતા, જે દેશમાં મોટા પાયે Air Taxi સેવાની શરૂઆતની દિશામાં એક મહત્‍વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

ધારો કે તમે દિલ્‍હી એરપોર્ટ પર ઉતરો અને ગ્રેટર નોઈડાના ઓટો એક્‍સપોમાં જવું હોય, તો કાર દ્વારા કલાકો લાગી શકે છે અથવા ટ્રાફિકમાં આખો દિવસ બગડી શકે છે. આવા સમયે Air Taxi કારગર સાબિત થશે.

બેંગલુરુ જેવા શહેરમાં ટ્રાફિકથી બચવા માટે તમે આ ટેક્‍સીનો ઉપયોગ કરી શકશો.

મુંબઈનો બિઝનેસ પેસેન્‍જર એરપોર્ટ પર ઉતરીને કલાકો ટ્રાફિકમાં બેસવાને બદલે મિનિટોમાં BKC પહોંચી જશે.

પુણેનો કોઈ દર્દી જેને મુંબઈમાં તાત્‍કાલિક ડોક્‍ટરની જરૂર હોય, તો તે એમ્‍બ્‍યુલન્‍સ શહેરની સીમા ઓળંગે તે પહેલા જ હવામાં ઊડીને હોસ્‍પિટલ પહોંચી જશે.

આ બધું કોઈ સ્‍વપ્ન નથી. આ જ જરૂરિયાતોએ સરલા એવિએશનને આ સેવા શરૂ કરવા પ્રેરિત કરી છે અને હવે તેમને ઇન્‍ડિગોનો પણ સાથ મળી ગયો છે.

ઇન્‍ડિગો (IndiGo Ventures) સાથે જોડાણની જાહેરાત કરતા સરલા એવિએશને કહ્યું કે, ઇન્‍ડિગો વેન્‍ચર્સે કંપનીમાં વ્‍યૂહાત્‍મક રોકાણ કર્યું છે. આ દેશના પ્રથમ Air Taxi નેટવર્કના નિર્માણની દિશામાં પહેલું પગલું છે, જે ખાસ કરીને ૦-૩૦૦ કિમીના કોરિડોર માટે ડિઝાઇન કરવામાં આવ્‍યું છે.

કંપનીએ જણાવ્‍યું કે, ભારતે મોટું રેલ નેટવર્ક, હાઈવે અને એક્‍સપ્રેસવે બનાવ્‍યા, પરંતુ દરરોજ મોટા શહેરોમાં લાખો ભારતીયોના લાખો કલાક એવી મુસાફરીમાં બગડે છે જેના માટે આ સિસ્‍ટમ નહોતી બની. સમસ્‍યા મધ્‍યમ અંતરની છે. ૩૦ કિમીનું એરપોર્ટ ટ્રાન્‍સફર, ૧૦૦ કિમીની ઇન્‍ટર-સિટી મુસાફરી કે ૨૦૦ કિમીની મેડિકલ દોડધામ. આ અંતર ગાડી માટે લાંબુ છે અને સામાન્‍ય વિમાનના ઉડાન માટે ખૂબ ઓછું છે. આવા સમયે Air Taxi ખૂબ ઉપયોગી થશે.

(10:12 AM IST)