<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

લવ મેરેજનો ભયાનક અંજામ! પંજાબમાં પ્રેમલગ્નથી ગુસ્સે ભરાયેલા છોકરીના પરિવારે છોકરાના ઘરમાં ઘૂસીને મચાવી ભારે તબાહી, આખા ઘરને આગને હવાલે કર્યું

તરનતારનના પંજવાર ગામમાં હથિયારો સાથે ત્રાટકેલા એક ડઝન હુમલાખોરોએ તોડફોડ કરી દિવાલો પણ તોડી પાડી; ૭ વર્ષના પ્રેમ બાદ પ્રેમી પંખીડાએ કર્યા હતા કોર્ટ મેરેજ

તરનતારન, તા.૦૩: પંજાબના તરનતારન વિધાનસભા મતવિસ્તારના પંજવાર ગામમાંથી પ્રેમ લગ્નનો એક અત્યંત ચોંકાવનારો અને ખૌફનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રેમ લગ્નથી નારાજ થયેલા છોકરીના પરિવારજનોએ કાયદો હાથમાં લઈને છોકરાના બંધ ઘર પર હિંસક હુમલો કર્યો હતો. તીક્ષ્ણ હથિયારો અને દાતરડા સાથે આવેલા આશરે એક ડઝન જેટલા હુમલાખોરોએ ઘરના સામાનની તોડફોડ કરવા ઉપરાંત આખા ઘરને આગ લગાવી દીધી હતી. સદનસીબે ઘટના સમયે ઘરમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે, પરંતુ નરાધમોએ આખું ઘર બરબાદ કરી નાખ્યું છે.
માહિતી અનુસાર, પંજવાર ગામના રહેવાસી પરગટ સિંહ અને તે જ ગામની ગોગા નામની છોકરી વચ્ચે છેલ્લા ૭ વર્ષથી પ્રેમ સંબંધ ચાલતો હતો. આ બાબતની જાણ જ્યારે બંને પરિવારોને થઈ ત્યારે મામલો ત્રણ વખત ગામની પંચાયતમાં પણ પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષો વચ્ચે લેખિત કરારો પણ થયા હતા. જોકે, તાજેતરમાં જ ગોગાના માતા-પિતા તેના લગ્ન માટે અન્ય જગ્યાએ છોકરો શોધી રહ્યા હોવાથી, ગોગાએ પરગટ સિંહને ધમકી આપી હતી કે જો તે તેને પોતાની સાથે નહીં લઈ જાય તો તે આત્મહત્યા કરી લેશે. પ્રેમિકાને બચાવવા અને પ્રેમ સંબંધને કાયમી રાખવા માટે પરગટે સોમવારે ગોગા સાથે કોર્ટમાં કાયદેસરના લગ્ન કરી લીધા હતા.
કોર્ટ મેરેજના સમાચાર મળતા જ ત્રાટક્યું મોતનું તાંડવ
પ્રેમી યુગલે કોર્ટ મેરેજ કરી લીધા હોવાની જાણ થતાં જ છોકરીના મામાના પરિવાર સહિતના ઉશ્કેરાયેલા સભ્યો ગુરુવારે સાંજે પરગટ સિંહના બંધ ઘરમાં ઘૂસી ગયા હતા. હુમલાખોરો એટલા ગુસ્સામાં હતા કે તેમણે ઘરનો કિંમતી સામાન તોડવાની સાથે ઘરની દિવાલો પણ તોડી પાડી હતી અને પાણીની મોટરને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આટલાથી પણ મન ન ભરાતા, તેમણે આખા ઘરમાં આગ લગાવી દીધી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા.
આ ભયાનક ઘટનાની જાણ થતાં જ પરગટના સગા-સંબંધીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને બોલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ આ અંગે ઝાબલ પોલીસ સ્ટેશનને સત્તાવાર ફરિયાદ કરવામાં આવી છે. ડીએસપી સિટી સુખબીર સિંહે જણાવ્યું છે કે પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને કાયદો હાથમાં લેનારા તમામ આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

(4:25 PM IST)