તા. ૧૬ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ શુદ-૧૧, શુક્રવાર
News of Thursday, 25th June 2026
હોર્મુઝ કોઈની જાગીર નથી: અમેરિકાએ ઈરાનને લલકાર્યું : ખાડી દેશોમાં યુદ્ધના ભણકારા વચ્ચે વૈશ્વિક તણાવ વધ્યો
માર્કો રુબિયોએ ઈરાનની દરિયાઈ દાદાગીરી અને જહાજો પાસેથી વસૂલાતી તોતિંગ 'સેવા ફી'ના નાટકને ફગાવ્યું: વૈશ્વિક તેલ સપ્લાયની જીવાદોરી સમાન હોર્મુઝ પર આંતરરાષ્ટ્રીય જંગ ખેલાવાના એંધાણ

મનામા. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ મેળવવા માટે અમેરિકા અને ઈરાન સામસામે આવી ગયા છે. બહેરીનની રાજધાની મનામા ખાતે આયોજિત ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના સભ્ય દેશોની ખાસ બેઠકમાં અમેરિકાના વિદેશ પ્રધાન (સેક્રેટરી ઓફ સ્ટેટ) માર્કો રુબિયોએ ઈરાનની શરતો અને માંગણીઓને સખત શબ્દોમાં નકારી કાઢી છે. રુબિયોએ વૈશ્વિક મંચ પરથી ગર્જના કરતા સ્પષ્ટ કર્યું કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો કોઈ એક દેશની ખાનગી મિલકત કે જાગીર નથી. ઈરાન દ્વારા હોર્મુઝમાંથી પસાર થતા વિદેશી વ્યાપારી જહાજો પાસેથી ગેરકાયદેસર રીતે ટેક્સ વસૂલવાના પ્રયાસો સામે અમેરિકાએ હવે આકરૂં વલણ અપનાવ્યું છે.
સમગ્ર વિવાદ ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા જારી કરાયેલી કડક ચેતવણી બાદ વધુ વણસ્યો છે, જેમાં તેઓએ તેમના દ્વારા સૂચવાયેલા ચોક્કસ રૂટ સિવાય અન્ય કોઈ માર્ગનો ઉપયોગ કરનાર જહાજો સામે લશ્કરી કાર્યવાહીની ધમકી આપી છે. ઈરાન આંતરરાષ્ટ્રીય કાયદાઓની છટકબારીઓનો ઉપયોગ કરીને અગાઉ જેને 'ટોલ ફી' કહેતું હતું તેને હવે 'સેવા ફી' તરીકે વસૂલવાનો ખેલ ખેલી રહ્યું છે. યુએસ વિદેશ પ્રધાન રુબિયોએ પત્રકારો સમક્ષ આ મામલે કટાક્ષ કરતા જણાવ્યું કે, "તમે તેને ટોલ કહો કે સેવા ફી, આ માત્ર શબ્દોની રમત છે." અમેરિકા કોઈ પણ કિંમતે હોર્મુઝ પર ઈરાનનું એકહથ્થુ સાર્વભૌમત્વ સ્વીકારશે નહીં.
આ બેઠકમાં માત્ર દરિયાઈ સુરક્ષા જ નહીં, પરંતુ ઈરાનના જોખમી પરમાણુ કાર્યક્રમ પર પણ ગંભીર ચર્ચા થઈ હતી. માર્કો રુબિયોએ સ્પષ્ટ કર્યું કે જો ઈરાન અમેરિકા સાથે કોઈ કરાર ઈચ્છતું હોય તો તેણે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) ના કડક નિરીક્ષણો અને ચકાસણીના તબક્કામાંથી પસાર થવું જ પડશે, ભલે ઈરાન હાલ પૂરતું નિરીક્ષકોને આવવાની ના પાડી રહ્યું હોય. અમેરિકા હાલમાં ખાડી દેશોના ત્રણ દિવસના પ્રવાસે છે જેથી તે વચગાળાના કરાર હેઠળ ગલ્ફ રાષ્ટ્રોની સુરક્ષાની ખાતરી આપી શકે. પશ્ચિમ એશિયામાં વધી રહેલી આ અશાંતિ જો ઝડપથી શાંત નહીં થાય, તો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના પુરવઠા પર તેની અત્યંત ગંભીર અને નકારાત્મક અસર પડી શકે છે.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
