News of Thursday, 9th July 2026
હોર્મુઝ સંકટ: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતીય જહાજ 'નંદા દેવી' જોખમી માર્ગ પાર કરી કતાર પહોંચ્યું
દરિયામાં મિસાઈલ અને ડ્રોન હુમલા વચ્ચે AIS સિસ્ટમ બંધ રાખી ઓળખ છુપાવતા જહાજોની સંખ્યા વધી

નવી દિલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામનો અંત આવતાં હોર્મુઝની સામુદ્રધુની ફરી એકવાર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગઈ છે, જ્યાં વાણિજ્યિક જહાજો પર મિસાઈલો અને ડ્રોન વડે હુમલા થઈ રહ્યા છે. આ ભયાનક સૈન્ય સંઘર્ષ અને ખતરાની વચ્ચે, ભારતીય ધ્વજ ધરાવતું એલપીજી (LPG) ટેન્કર 'નંદા દેવી' હોર્મુઝની સામુદ્રધુની સફળતાપૂર્વક પાર કરી ગયું છે. યુદ્ધવિરામ ભંગ થયા બાદ આ જોખમી માર્ગ સુરક્ષિત રીતે કાપનાર તે એકમાત્ર જહાજ છે, જે હવે કતારના રાસ લાફાન બંદરેથી ગેસ લોડ કરી ભારત પરત ફરશે.
ઈરાન દ્વારા આંતરરાષ્ટ્રીય જહાજોને નિશાન બનાવવામાં આવ્યા બાદ શિપિંગ કંપનીઓમાં ભારે ગભરાટ ફેલાયો છે અને હોર્મુઝમાં ફસાયેલા ટેન્કરોની સંખ્યા ઝડપથી વધી રહી છે. રિપોર્ટ અનુસાર, દરિયાઈ સુરક્ષાના જોખમ વચ્ચે અનેક કાર્ગો જહાજો પોતાની ઓળખ છુપાવવા માટે ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (AIS) બંધ કરીને 'ડાર્ક ટ્રાન્ઝિટ'નો સહારો લઈ રહ્યા છે. આ અસ્થિરતાના કારણે આ વ્યૂહાત્મક માર્ગ પર સામાન્ય દિવસોનું પરિવહન ૩૬ ટકા જેટલું ઘટી ગયું છે.
હોર્મુઝની સામુદ્રધુની ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ ઉર્જા કોરિડોર છે, કારણ કે દેશની આર્થિક કરોડરજ્જુ સમાન ક્રૂડ તેલ અને એલપીજી ગેસનો મોટો હિસ્સો આ જ માર્ગે આયાત થાય છે. યુદ્ધના કારણે ભારતનો ગેસ પુરવઠો ખોરવાઈ જવાની આશંકા વચ્ચે 'નંદા દેવી' જહાજની આ સફળ સફર દેશની ઉર્જા સુરક્ષા માટે રાહતના સમાચાર લાવ્યા છે. અગાઉ માર્ચ મહિનામાં પણ આ જહાજે આવી જ કટોકટી વચ્ચે પશ્ચિમ ભાગમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળતા મેળવી હતી.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
