<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: "સ્કૂલની ખાનગી તપાસ પોલીસ ફરિયાદનો વિકલ્પ ન બની શકે", આસામની મુખ્ય શિક્ષિકા સામે પોક્સો હેઠળ કેસ પુનઃસ્થાપિત!

માસૂમ બાળકી પર જાતીય હુમલાની ફરિયાદ છતાં પોલીસને જાણ ન કરવા બદલ સર્વોચ્ચ અદાલતની આકરી ટકોર; પીડિતાના ગુપ્તાંગની જાતે તપાસ કરી "કંઈ નથી થયું" કહી મામલો દબાવવાનો પ્રયાસ પ્રિન્સિપાલને ભારે પડ્યો

ગુવાહાટી : બાળકોને જાતીય શોષણથી બચાવવા માટે બનેલા 'પોક્સો' (POCSO) કાયદાની જોગવાઈઓને વધુ કડક અને મજબૂત બનાવતો એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે બાળકના શારીરિક શોષણની ફરિયાદ મળ્યા બાદ કોઈપણ શાળા વહીવટીતંત્ર કે વ્યક્તિ પોતાની સ્તરે 'ખાનગી તપાસ' કરીને મામલાને રફા-દફા ન કરી શકે. આ સાથે જ ન્યાયમૂર્તિ મનોજ મિશ્રા અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે આસામની એક શાળાના મુખ્ય શિક્ષિકા (હેડમિસ્ટ્રેસ) ને મુક્ત કરતા હાઈકોર્ટના આદેશને રદ કરીને તેમની સામે ગુનાહિત કાર્યવાહી ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે.

માસૂમ બાળકીની આજીજી છતાં હેડમિસ્ટ્રેસે મામલો દબાવ્યો

આ સમગ્ર કેસ ગુવાહાટીની એક પ્રતિષ્ઠિત સ્કૂલનો છે, જ્યાં એક ૮ વર્ષની માસૂમ વિદ્યાર્થીની પર તેની જ શાળાના એક સિનિયર વિદ્યાર્થીએ કથિત રીતે જાતીય હુમલો કર્યો હતો. પીડિત બાળકીએ આ અંગે ઘરમાં મોટી બહેનને અને ત્યારબાદ શાળાના મુખ્ય શિક્ષિકાને રડતા રડતા જાણ કરી હતી. કાયદા અનુસાર મુખ્ય શિક્ષિકાએ તાત્કાલિક પોલીસને જાણ કરવાની જરૂર હતી, પરંતુ તેમણે પોલીસ સ્ટેશને જવાને બદલે જાતે જ તપાસ શરૂ કરી દીધી. તેમણે બાળકીના ગુપ્તાંગોની તપાસ કરી, જેમાં લાલાશ અને સોજો હોવા છતાં આરોપી વિદ્યાર્થીની પૂછપરછ કરી "કંઈ બન્યું જ નથી" તેવો આઘાતજનક નિષ્કર્ષ કાઢી લીધો હતો. એટલું જ નહીં, તેમણે બાળકોને આ વાત કોઈને ન કહેવા ધમકાવ્યા પણ હતા.

"બાળક ફરિયાદ કરે એટલે પોલીસને જાણ કરવી કાનૂની ફરજ"

બચાવ પક્ષની દલીલોને સંપૂર્ણપણે ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં જણાવ્યું કે, પોક્સો કાયદા હેઠળ કોઈપણ સંસ્થાને 'ખાનગી ચકાસણી' કે પંચાત કરવાની સત્તા નથી. કોર્ટે અવલોકન કર્યું કે, "જ્યારે કોઈ બાળક પોતાની સાથે થયેલા કથિત ગુનાની સીધી માહિતી આપે છે, ત્યારે તે માહિતી જ તાત્કાલિક પોલીસને જાણ કરવા માટેના કાનૂની આદેશને ઉત્તેજિત કરવા માટે પૂરતી છે. કોઈ ગુનો ખરેખર બન્યો છે કે નહીં તે નક્કી કરવાનું કામ શાળાના સ્ટાફનું નથી, પરંતુ કાયદાકીય તપાસ એજન્સીઓનું છે."

વિલંબ કરવાથી પુરાવા નાશ પામવાનો ભય

સર્વોચ્ચ અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો સામાન્ય નાગરિકો કે સંસ્થાઓ જાતે જ ગુનાની સત્યતા નક્કી કરવા બેસશે, તો પોક્સો કાયદાનો મૂળ હેતુ જ નિષ્ફળ જશે. પુરાવા સુરક્ષિત રાખવા, તબીબી તપાસ સમયસર કરાવવા અને ન્યાયી તપાસ માટે ઘટનાની તાત્કાલિક રિપોર્ટિંગ અનિવાર્ય છે. જો કે, કોર્ટે આ કેસમાં શાળાના અન્ય શિક્ષકો, આચાર્ય અને હોસ્ટેલ વોર્ડનને મોટી રાહત આપી છે કારણ કે પીડિતાએ તેમને સીધી ફરિયાદ કરી હોવાના કોઈ પુરાવા મળ્યા નહોતા.

બાળકો ગુનાહિત જવાબદારીમાંથી મુક્ત

પીડિત બાળકીની માતા દ્વારા દાખલ કરાયેલી અપીલ પર સુનાવણી કરતી વખતે કોર્ટે એ પણ કાનૂની પાસું સ્પષ્ટ કર્યું કે, ઘટના સમયે પીડિતાની મોટી બહેન, તેની બહેનપણી અને સ્કૂલના મુખ્ય શિક્ષક પોતે સગીર (બાળક) હતા. તેથી, પોલીસને માહિતી ન આપવા બદલ આ બાળકો પર કેસ ચલાવી શકાય નહીં, કારણ કે POCSO કાયદાની કલમ ૨૧(૩) હેઠળ બાળકોને આવી ગુનાહિત જવાબદારીઓમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. કોર્ટના આ આદેશ બાદ હવે દોષિત મુખ્ય શિક્ષિકા સામે કાયદાનો સિંજો સજ્જડ બન્યો છે.

(8:02 PM IST)