News of Monday, 25th May 2026
પ્રારંભે શેર બજારમાં ટનાટન તેજી
રોકાણકારોની સંપતિ પ લાખ કરોડ વધી

નવી દિલ્હી,તા.૨૫: વૈશ્વિક સ્તરે ઇરાન અને અમેરિકા વચ્ચેના તણાવમાં રાહત મળવાની સંભાવનાઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિમતોમાં ૫% થી વધુનો મોટો ઘટાડો નોંધાયો છે. ક્રૂડ ઓઈલનો ભાવ ઘટીને ૯૮ ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે, જેની સકારાત્મક અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. આ ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સંકેતોને પગલે સેન્સેક્સ અને નિફટીમાં બમ્પર તેજી જોવા મળી છે.આ તીવ્ર ઉછાળાથી રોકાણકારોની સંપત્તિમાં થોડી જ મિનિટોમાં લગભગ ૫ લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થયો, જેના કારણે BSE-લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ૪૬૮ લાખ કરોડ રૂપિયા થઈ ગયું.
આજની શાનદાર શરૂઆતની વાત કરીએ તો, બીએસઈ સેન્સેક્સ ૮૫૪ પોઈન્ટ એટલે કે ૦.૯૬% ના ઉછાળા સાથે ૭૬,૨૬૯.૯૩ ના લેવલ પર પહોંચી ગયો છે. તે જ સમયે, નિફટી ૫૦માં પણ ૨૫૦ પોઈન્ટનો મજબૂત ઉછાળો જોવા મળ્યો છે. અગાઉ ગિફટ નિફટીએ પણ ૩૦૫ પોઈન્ટના વધારા સાથે ૨૩,૯૯૬ ના સ્તરને સ્પર્શીને બજારમાં આ મોટી તેજીના સ્પષ્ટ સંકેતો આપી દીધા હતા.
ક્રૂડ ઓઈલની કિમતોમાં નરમી આવતા મુખ્યત્વે એવિએશન, પેન્ટ, કેમિકલ અને ઓટો સેક્ટરના શેરોમાં રોકાણકારોની ભારે ખરીદી જોવા મળી રહી છે. નિષ્ણાતોના મતે, આ ઘટાડો ભારતીય અર્થતંત્ર માટે રાહત સમાન છે, કારણ કે ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ આયાત કરે છે. હાલના આ તેજીના માહોલમાં રોકાણકારો નવા રેકોર્ડ સ્તરની અપેક્ષા રાખી રહ્યા છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
