<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

ભારતના ઉર્જા ક્ષેત્રે ઐતિહાસિક મોટી ડીલ: ONGC અને વૈશ્વિક જાયન્ટ BP ઇન્ડિયા વચ્ચે મેગા કરાર સંપન્ન! કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની વિશેષ ઉપસ્થિતિ

મુંબઈ હાઈ અને પશ્ચિમ ઓફશોર બેસિનમાંથી તેલ-ગેસનું ઉત્પાદન વધારવા બંને દિગ્ગજો મિલાવ્યો હાથ; અદ્યતન વિદેશી ટેકનોલોજીના ઉપયોગથી ભારતના આયાત બિલમાં થશે મોટો ઘટાડો

નવી દિલ્હી : ભારતને ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર (આત્મનિર્ભર) બનાવવા અને ક્રૂડ ઓઈલ તેમજ કુદરતી ગેસના સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા માટે આજે એક ખૂબ જ મોટો સીમાચિહ્નરૂપ કરાર કરવામાં આવ્યો છે. દેશની અગ્રણી સરકારી કંપની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) અને વૈશ્વિક ઉર્જા ક્ષેત્રની જાયન્ટ કંપની બીપી ઇન્ડિયા (BP India) વચ્ચે આજે એક મહત્વપૂર્ણ 'ટેકનિકલ સર્વિસીસ કોન્ટ્રેક્ટ' પર સત્તાવાર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ હસ્તાક્ષર સમારોહમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ ડીલને ભારતની ઉર્જા સુરક્ષા માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ ગણાવ્યો છે.

પશ્ચિમ દરિયાકાંઠાના ઓઈલ ફિલ્ડ્સમાંથી વધશે ઉત્પાદન

આ ઐતિહાસિક કરારનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના પશ્ચિમ ઓફશોર બેસિન (દરિયાઈ ક્ષેત્રો) માં આવેલા તેલ અને ગેસના કુવાઓમાંથી ઉત્પાદનમાં ધરખમ વધારો કરવાનો છે. આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, "આ કરાર પ્રખ્યાત 'મુંબઈ હાઈ' થી લઈને પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારો સુધી ONGC અને BP વચ્ચેના સહયોગના એક નવા અને મજબૂત વિસ્તરણને દર્શાવે છે. આ ભાગીદારીથી દેશની વર્ષો જૂની અને સૌથી મહત્વપૂર્ણ હાઇડ્રોકાર્બન સંપત્તિઓ (ઓઈલ ફિલ્ડ્સ) માં અદ્યતન વૈશ્વિક ટેકનોલોજી, આંતરરાષ્ટ્રીય તકનીકી કુશળતા અને વિશ્વસ્તરીય ઓપરેટિંગ પદ્ધતિઓનો વ્યાપક ઉપયોગ સરળ બનશે."

આયાત પરની નિર્ભરતા ઘટશે, ભારત બનશે સ્વનિર્ભર

કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આવા મોટા વૈશ્વિક સહયોગના કારણે ભારતમાં જ હાઇડ્રોકાર્બનનું સ્થાનિક ઉત્પાદન વધારવાના પ્રયાસોને પ્રચંડ વેગ મળશે. હાલમાં ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ વિદેશથી આયાત કરે છે, જેના કારણે દેશની તિજોરી પર મોટો બોજો પડે છે. પરંતુ આ નવી ટેકનોલોજીકલ ડીલ સફળ થવાથી ભારતનું કરોડો રૂપિયાનું આયાત બિલ (ઇમ્પોર્ટ બિલ) ઘટશે અને દેશ ઉર્જા ક્ષેત્રે સંપૂર્ણ સ્વનિર્ભરતા પ્રાપ્ત કરવા તરફ મજબૂત કદમ વધારશે. આ કરાર આવનારા દિવસોમાં ભારતીય અર્થતંત્ર અને ઉર્જા બજારનું ચિત્ર બદલવામાં અત્યંત નિર્ણાયક સાબિત થશે.

(8:46 PM IST)