News of Saturday, 20th June 2026
બાંગ્લાદેશમાં ભગવાન શ્રીરામના અપમાન સામે હિન્દુ સમાજનો પ્રચંડ આક્રોશ :વિરોધ મશાલ સરઘસ કાઢ્યું
હિન્દુ સમુદાયે આ ઘટનાના મુખ્ય સૂત્રધારોને પકડવા માટે સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું:જો સમયસર ધરપકડ નહીં થાય તો રવિવારે ધાર્મિક બાબતોના મંત્રાલયને આવેદનપત્ર સોંપવામાં આવશે, વડાપ્રધાન સાથે મુલાકાત અને દેશવ્યાપી રેલીઓ યોજશે

બાંગ્લાદેશના ગાઈબાંધા જિલ્લાના પલાશ બારી ખાતે નિર્માણાધીન શ્રીરામ મંદિર અને પ્રભુ શ્રીરામની 81 ફૂટ ઊંચી પ્રતિમા પર કેટલાક કટ્ટરપંથી તત્વો દ્વારા જૂતા ફેંકીને કરવામાં આવેલા કથિત અપમાનના વિરોધમાં હિન્દુ સમુદાય અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ધાર્મિક અપમાન અને કાયદાકીય નિષ્ક્રિયતા સામે શુક્રવારે સાંજે રાજધાની ઢાકાના પ્રખ્યાત શાહબાગ ચાર રસ્તા ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અને વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા અને ત્યાંથી નેશનલ પ્રેસ ક્લબ સુધી એક વિશાળ વિરોધ મશાલ સરઘસ કાઢ્યું હતું, જેમાં 'જય શ્રી રામ'ના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ આંદોલનકારીઓએ પ્રશાસન સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ મામલે કેસ દાખલ કરાયો હોવા છતાં હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. હિન્દુ સમુદાયે આ ઘટનાના મુખ્ય સૂત્રધારોને પકડવા માટે સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે અને ચેતવણી આપી છે કે, જો સમયસર ધરપકડ નહીં થાય તો રવિવારે ધાર્મિક બાબતોના મંત્રાલયને આવેદનપત્ર સોંપવામાં આવશે, તેમજ આગામી દિવસોમાં વડાપ્રધાન સાથે મુલાકાત અને દેશવ્યાપી રેલીઓ યોજવામાં આવશે. આ સાથે જ હિન્દુ અગ્રણીઓએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે, કટ્ટરપંથીઓના આવા કૃત્યોથી તેઓ ડરશે નહીં અને પલાશ બારી ઉપરાંત બાંગ્લાદેશના તમામ 64 જિલ્લાઓમાં એક પછી એક ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરશે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
