<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

રાઘવ ચઢ્ઢાને હાઈકોર્ટનો સણસણતો જવાબ: "રાજકીય ટીકા એ વ્યક્તિત્વ અધિકારોનું હનન નથી" : ડીપફેક મામલે રાહતનો ઈનકાર

આપ છોડી ભાજપમાં જોડાયા બાદ વિવાદોના વંટોળમાં ફસાયેલા રાઘવ ચઢ્ઢાની અરજી ફગાવી દેતી દિલ્હી હાઈકોર્ટ

નવી દિલ્હી:  રાજકીય પક્ષ પલટા બાદ સતત ચર્ચામાં રહેલા નેતા રાઘવ ચઢ્ઢાને આજે ન્યાયિક મોરચે મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે તેમના 'પર્સનાલિટી રાઈટ્સ' (વ્યક્તિત્વ અધિકાર) ના રક્ષણ માટેની અરજી પર સુનાવણી કરતા સ્પષ્ટ કર્યું હતું કે રાજકીય ક્ષેત્રે થતી ટીકાઓને વ્યક્તિત્વ અધિકારોનું ઉલ્લંઘન ગણી શકાય નહીં. કોર્ટે અવલોકન કર્યું કે જો તેમને કોઈ સામગ્રીથી વાંધો હોય તો તેઓ માનહાનિનો કેસ કરી શકે છે, પરંતુ હાઈકોર્ટ આ બાબતે કોઈ સીધો મનાઈહુકમ કે કાનૂની કાર્યવાહીનો આદેશ આપી શકે નહીં. આ ચુકાદાથી ચઢ્ઢાને કાનૂની રક્ષણ મેળવવાની આશા પર પાણી ફરી વળ્યું છે.

રાઘવ ચઢ્ઢાએ પોતાની અરજીમાં ગંભીર આરોપ લગાવ્યો હતો કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના માધ્યમથી તેમના ડીપફેક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યા છે. તેમના મતે, તેમની પરવાનગી વિના તેમના અવાજ, ચહેરા અને ઓળખનો દુરુપયોગ કરીને જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. ખાસ કરીને જ્યારે તેઓ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, ત્યારથી ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર તેમના વિરુદ્ધ મોર્ફ કરેલી સામગ્રીનું પ્રમાણ વધ્યું છે. તેમણે કોર્ટને વિનંતી કરી હતી કે આવી સામગ્રી પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે.

ઉલ્લેખનીય છે કે રાઘવ ચઢ્ઢાએ ગયા મહિને જ અરવિંદ કેજરીવાલ અને 'આપ' પર ગંભીર આક્ષેપો કરીને ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો, જેના કારણે દેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. આ પક્ષ પલટા બાદ તેઓ સતત સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ અને વિરોધીઓના નિશાના પર રહ્યા છે. હાઈકોર્ટના આજના વલણ બાદ હવે એ જોવાનું રહેશે કે રાઘવ ચઢ્ઢા અન્ય કોઈ કાનૂની વિકલ્પ પસંદ કરે છે કે કેમ, કારણ કે કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે જાહેર જીવનમાં રહેલી વ્યક્તિએ રાજકીય આલોચનાઓનો સામનો કરવો જ પડે છે.

(2:40 PM IST)