<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

બેંગલુરુમાં અનધિકૃત LED સાઈનબોર્ડ્સ સામે હાઈકોર્ટની લાલ આંખ: BBMP પાસે માંગ્યો વિગતવાર સ્ટેટસ રિપોર્ટ

વાહનચાલકોનું ધ્યાન ભટકાવતા ચમકદાર હોર્ડિંગ્સ અને ગેરકાયદે જાહેરાતો મામલે અદાલતે ફટકાર લગાવી, આગામી સુનાવણી ૨૫ નવેમ્બરે યોજાશે

બેંગલુરુ : કર્ણાટક હાઈકોર્ટે શહેરમાં બેફામ વધી રહેલા અનધિકૃત LED સાઈનબોર્ડ્સ અને જાહેરાત હોર્ડિંગ્સ મામલે ગંભીર નોંધ લઈને બૃહત બેંગલુરુ મહાનગર પાલિકા (BBMP) પાસે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાના સખત આદેશ આપ્યા છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, ન્યાયમૂર્તિ અનુ શિવરામન અને ન્યાયમૂર્તિ કે.એસ. ભરત કુમારની ખંડપીઠ સમક્ષ દીક્ષા એન. અમૃતેશ દ્વારા દાખલ કરવામાં આવેલી એક જનહિત અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં વાહનચાલકોનું ધ્યાન ભટકાવતા સાઈનબોર્ડ્સ સામે કડક પગલાં લેવાની માંગ કરાઈ છે.

 

સુનાવણી દરમિયાન કોર્ટે મ્યુનિસિપલ સંસ્થાને ટકોર કરતા પૂછ્યું હતું કે ટ્રાફિક માટે કોઈ પણ પ્રકારનું જોખમ ઊભું કર્યા વિના સુરક્ષિત રીતે જાહેરાતો ક્યાં અને કઈ જગ્યાએ લગાવી શકાય તેની સ્પષ્ટ રૂપરેખા તૈયાર કરવી જરૂરી છે.

 

અરજદારના વકીલ દ્વારા અદાલતમાં રજૂઆત કરવામાં આવી હતી કે અગાઉ આપેલા નિર્દેશો છતાં છેલ્લા એક વર્ષમાં અનેક નવા અનધિકૃત માળખાઓ અને જાહેરાતો ઊભી કરવામાં આવી છે, તેમજ 'સ્વ-જાહેરાત' લાયસન્સની આડમાં ટેક્સ ચોરી થઈ રહી છે.

 

આ મામલે જવાબ રજૂ કરતા BBMP અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વકીલોએ કોર્ટને ખાતરી આપી હતી કે નિયમભંગ કરનારા અને લાયસન્સનો દુરુપયોગ કરનારા કોર્પોરેટ એકમો સામે કાયદેસરની તપાસ અને પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

 

કોર્ટે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નિયમ-૧૫ ના અમલીકરણ અંગેનો અહેવાલ માંગ્યો છે, અને આગામી ૨૫ નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવાનું નક્કી કરીને સંબંધિતોને કડક નિર્દેશો જારી કર્યા છે.

(9:13 PM IST)