News of Saturday, 25th April 2026
રેલવેની દાદાગીરી સામે હાઈકોર્ટ લાલઘૂમ: ટિકિટ વગરના મુસાફરના મોત મામલે રેલવેની દલીલ ફગાવી ₹8 લાખનું વળતર ચૂકવવા આદેશ
માત્ર ટેકનિકલ કારણોસર ગરીબ પરિવારના કાનૂની હક છીનવી શકાય નહીં: પ્લેટફોર્મ બદલતી વખતે સર્જાયેલી દુર્ઘટનાને અકસ્માત ગણી ન્યાયાધીશ જે.સી. દોશીએ રેલવે તંત્રને ફટકાર્યો સખત ઠપકો અને માનવતાવાદી અભિગમ કેળવવા આપી કડક સૂચના

અમદાવાદ:ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ચુકાદો આપતા રેલવેની 'ટિકિટ વગરની મુસાફરી' ની દલીલને કચરાપેટીમાં નાખી દીધી છે. જૂન ૨૦૨૪માં અમદાવાદ રેલવે સ્ટેશન પર બંગાળના એક સ્થળાંતરિત મજૂરનું ટ્રેન નીચે કચડાઈ જવાથી મોત નીપજ્યું હતું. રેલવે તંત્રએ એવો દાવો કર્યો હતો કે મૃતક પાસે બીજી ટ્રેનની ટિકિટ નહોતી, તેથી તે વળતર મેળવવા પાત્ર નથી. જોકે, હાઈકોર્ટે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલના નિર્ણયને સમર્થન આપતા સ્પષ્ટ કર્યું કે, રેલવે કાયદો એ પ્રજાના કલ્યાણ માટે છે. ગરીબ અને અસહાય પરિવારના કાનૂની અધિકારોને માત્ર ટિકિટ ન હોવાના ટેકનિકલ કારણોસર નકારી શકાય નહીં, અને પીડિત પરિવારને ₹૮ લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
આ કેસની વિગતો મુજબ, શાલીમારથી આવેલી ટ્રેન સવારે ૯:૨૧ વાગ્યે પ્લેટફોર્મ નંબર ૩ પર આવી હતી અને મજૂરે ૯:૨૨ વાગ્યે પ્લેટફોર્મ ૪ પરથી ઉપડતી બીજી ટ્રેન પકડવાની હતી. મુસાફર પાસે પ્લેટફોર્મ બદલવા માટે માત્ર એક જ મિનિટનો સમય હતો. આ ઉતાવળમાં તે ચાલતી ટ્રેનમાં ચઢવા ગયો અને પ્લેટફોર્મ તથા ટ્રેન વચ્ચેના ગેપમાં પડી જતાં તેનું કરૂણ મોત થયું હતું. રેલવેએ સીસીટીવી ફૂટેજ બતાવીને તેને મુસાફરની બેદરકારી ગણાવી હતી, પરંતુ ન્યાયાધીશ જે.સી. દોશીએ આ દલીલ ફગાવતા નોંધ્યું હતું કે, પ્લેટફોર્મ બદલવા માટે મળેલો સમય એટલો ઓછો હતો કે મુસાફર પાસે ટિકિટ લેવાનો કે વિચારવાનો સમય જ નહોતો. કોર્ટે તેને આત્મહત્યા કે જાણી જોઈને લીધેલું જોખમ માનવાનો ઈન્કાર કર્યો હતો.
હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના અગાઉના અનેક ચુકાદાઓ ટાંકીને રેલવેને આડે હાથ લીધી હતી. અદાલતે જણાવ્યું હતું કે, મુસાફર પાસે તેની અગાઉની મુસાફરીનો પુરાવો હતો અને તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ઝટકાને કારણે લપસી ગયો હતો. આ પ્રકારની ઘટનાઓ ભીડ અને મર્યાદિત સમયને કારણે વારંવાર બનતી હોય છે, ત્યારે રેલવેએ મુસાફરોની સુરક્ષા પ્રત્યે વધુ સંવેદનશીલ રહેવું જોઈએ. આ ઐતિહાસિક ચુકાદાથી હવે ભવિષ્યમાં આવા અકસ્માતોનો ભોગ બનેલા મુસાફરોના પરિવારોને ન્યાય મેળવવો સરળ બનશે. રેલવેએ હવે પીડિત પરિવારને વળતરની રકમ વ્યાજ સહિત ચૂકવવી પડશે, જે ગરીબ મજૂરના પરિવાર માટે એક મોટી આર્થિક મદદ સાબિત થશે.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
