<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ, તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી

ગુજરાતથી લઈને કેરળના દરિયાકાંઠા સુધી સર્જાયેલા લો-પ્રેશર અને બંગાળની ખાડીમાં બનેલા સિસ્ટમને કારણે ચોમાસું વધુ મજબૂત બન્યું

દેશભરમાં ચોમાસું ફરીવાર સક્રિય થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે 7 જુલાઈના રોજ દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ, તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપી છે. જેમાં ગુજરાતથી લઈને કેરળના દરિયાકાંઠા સુધી સર્જાયેલા લો-પ્રેશર અને બંગાળની ખાડીમાં બનેલા સિસ્ટમને કારણે ચોમાસું વધુ મજબૂત બન્યું છે. હવામાન વિભાગના મતે આગામી 24 કલાકમાં આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધતા ઉત્તર ઓડિશા અને છત્તીસગઢ તરફ આગળ વધશે, જેની અસર ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં જોવા મળશે.

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તર-પૂર્વના રાજ્યો જેવા કે અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ માટે ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ આપ્યું છે. ખાસ કરીને દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં 70થી 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે વૃક્ષો ધરાશાયી થવા અને વીજળીના થાંભલાઓને નુકસાન થવાની સંભાવના છે. દિલ્હીમાં તાપમાન 29 થી 34 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાનો અંદાજ છે.

 

ઉત્તર પ્રદેશના રામપુર, સહરાનપુર, મેરઠ, આગ્રા, મથુરા અને ઝાંસી સહિતના વિસ્તારોમાં 60-70 કિમીની ઝડપે પવન સાથે વરસાદની ચેતવણી છે. બિહારના પશ્ચિમ અને પૂર્વી ચંપારણ, ગયા, ભાગલપુર તથા ઝારખંડના રાંચી અને દુમકામાં પણ ભારે વરસાદ પડશે. ઉત્તરાખંડમાં 9 જુલાઈ સુધી ભારે વરસાદનું એલર્ટ છે, જ્યારે હિમાચલ પ્રદેશના શિમલા, કુલ્લુ અને મંડીમાં 60-70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જમ્મુ-કાશ્મીરના ડોડા અને કિશ્તવાડમાં પણ સ્થિતિ ગંભીર બની શકે છે. સ્થાનિક પ્રશાસને નાગરિકોને સાવચેત રહેવા અને ખૂબ જરૂરી ન હોય ત્યાં સુધી મુસાફરી ટાળવા વિનંતી કરી છે.

હવામાન વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે, ખરાબ હવામાન દરમિયાન લોકોએ ખુલ્લા મેદાન કે ઝાડ નીચે ઊભા રહેવાનું ટાળવું જોઈએ. વીજળીના કડાકા વખતે સુરક્ષિત પાકા મકાનોમાં આશરો લેવો હિતાવહ છે. નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સમસ્યા સર્જાઈ શકે છે, તેથી નદી-નાળાની નજીક ન જવું. ખેડૂતોને પણ તેમની પાક સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. આખા દેશમાં ચોમાસું સક્રિય હોવાથી આગામી દિવસોમાં ગરમીમાંથી રાહત મળશે, પરંતુ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.

(12:24 AM IST)