News of Friday, 2nd October 2026
પંજાબમાં ડ્રગ્સના મુદ્દે ભારે રાજકીય ગરમાવો: ભટિંડામાં અનાજ બજાર વચ્ચે યુવતીનો નશામાં ધૂત વીડિયો વાયરલ થતાં કોંગ્રેસ, SAD અને ભાજપે AAP સરકાર પર કર્યો આકરો પ્રહાર!
"આ માત્ર વહીવટીતંત્રની નિષ્ફળતા નથી, સરકારના અંતરાત્માનું મૃત્યુ છે": વિપક્ષે ‘યુદ્ધ નશા વિરુદ્ધ’ અભિયાનના દાવા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો, યુવતીને રિહેબ સેન્ટરમાં ખસેડાઈ

ચંડીગઢ : પંજાબના ભટિંડા અનાજ બજારમાં એક યુવતી જાહેર સ્થળે અત્યંત નશાની હાલતમાં સંતુલન ગુમાવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજ્યનું રાજકારણ ગરમાયું છે. ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલી ડ્રગ્સની ગંભીર સમસ્યાને લઈને વિપક્ષી દળો—કોંગ્રેસ, શિરોમણી અકાલી દળ (SAD) અને ભાજપે શાસક આમ આદમી પાર્ટી (AAP) અને ભગવંત માન સરકારને ઘેરીને તીખા પ્રહારો શરૂ કર્યા છે.
બઠિંડા પોલીસની કાર્યવાહી અને યુવતીની સ્થિતિ
વિડિયો વાયરલ થયા બાદ ભટિંડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને મહિલાને ગુરુવારે સરકારી વ્યસન મુક્તિ કેન્દ્ર (રિહેબ સેન્ટર) ખાતે દાખલ કરી હતી. પોલીસ તપાસ અનુસાર, આ યુવતી ફરીદકોટ જિલ્લાના જૈતો વિસ્તારની રહેવાસી છે અને તેના પરિવારને જાણ કરવામાં આવતા તેની માતા પણ કેન્દ્ર પર પહોંચી ગઈ છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે મહિલાએ કયો પદાર્થ લીધો હતો તે અંગે તબીબી તપાસ ચાલુ છે, તેથી ઓનલાઈન ચાલી રહેલી ‘ઝોમ્બી ડ્રગ’ અંગેની વાતોને સાવચેતીથી જોવી જોઈએ.
"સરકારના અંતરાત્માનું મૃત્યુ": વિપક્ષનો માન સરકાર પર હુમલો
કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રવનીત સિંહ બિટ્ટુએ આ વીડિયો X પર શેર કરતા આકરા શબ્દોમાં લખ્યું કે, "ભટિંડાના અનાજ બજારના ફોટાએ દરેક પંજાબીના હૃદયને વીંધી નાખ્યું છે. જ્યારે અમારી દીકરીઓ ખુલ્લેઆમ વ્યસનની દલદલમાં બરબાદ થઈ રહી છે, ત્યારે આ માત્ર વહીવટીતંત્રની નિષ્ફળતા નથી, પણ માન સરકારના અંતરાત્માનું મૃત્યુ છે." આ સાથે જ કોંગ્રેસના નેતા સચિન પાયલોટ અને SAD પ્રમુખ સુખબીર સિંહ બાદલે પણ વીડિયો શેર કરીને 'આપ' સરકારના 'યુદ્ધ નશા વિરુદ્ધ' અભિયાનને પોકળ ગણાવ્યું હતું.
ભાજપનો ૨૦૨૯નો વાયદો અને 'આપ'નો વળતો પ્રહાર
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જલંધરમાં યોજાયેલી રેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પંજાબમાં ભાજપની સરકાર બનશે તો ૩૧ ડિસેમ્બર ૨૦૨૯ સુધીમાં રાજ્યને 'ચિટ્ટા' (સિન્થેટિક ડ્રગ્સ) મુક્ત કરવાનો વાયદો કર્યો હતો. જોકે, વિપક્ષના આકરા હુમલા સામે વળતો પ્રહાર કરતા આમ આદમી પાર્ટીએ ગુજરાત દરિયાકાંઠેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત થવાનો ઉલ્લેખ કરીને દલીલ કરી હતી કે ડ્રગ્સની હેરાફેરી એ સમગ્ર દેશની આંતર-રાજ્ય સમસ્યા છે, જ્યારે પંજાબ પોલીસ રાજ્યમાં ડ્રગ સપ્લાય નેટવર્કને તોડી પાડવા માટે અસરકારક કામગીરી કરી રહી છે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
