<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

દિલ ધ્રુજાવતી ઘટનાઃ લોખંડના સળિયાથી પત્‍નીની હત્‍યા

હત્‍યા પછી ૨ દિવસ સુધી ત્રણ બાળકો સાથે મૃતદેહ પાસે રહ્યો પતિ

જયપુર,તા.૩૧: જયપુરના પ્રતાપનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં સંબંધોને શરમમાં મૂકી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક પતિએ લોખંડના સળિયાથી પત્‍નીના માથા પર હુમલો કરીને તેની હત્‍યા કરી નાખી. આヘર્યની વાત એ છે કે આ ઘટના બાદ આરોપી લગભગ ૨ દિવસ સુધી પત્‍નીના મૃતદેહ સાથે એ જ રૂમમાં રહ્યો હતો. આ દરમિયાન તેનાં ત્રણ માસૂમ બાળકો પણ રૂમમાં હાજર હતાં. તેમાં ૩ વર્ષની દીકરી, દોઢ વર્ષનો દીકરો અને માત્ર અઢી મહિનાનો એક માસૂમ દીકરો સામેલ છે. શુક્રવારે સવારે આરોપી પતિએ પોતે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પત્‍નીની હત્‍યા કરી હોવાની જાણ કરી ત્‍યારે આ ઘટનાનો ખુલાસો થયો હતો.

આ મામલો પ્રતાપનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના દ્વારકાપુરી એપાર્ટમેન્‍ટનો છે. અહીં છઠ્ઠા માળે આવેલા રૂમમાંથી લક્ષ્મી રેગર નામની મહિલાનો મૃતદેહ મળી આવ્‍યો હતો. જાણ થતાં જ પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી હતી. પોલીસે રૂમનો દરવાજો ખોલાવ્‍યો ત્‍યારે અંદર લક્ષ્મીનો મૃતદેહ પડ્‍યો હતો અને તેની પાસે જ ત્રણેય માસૂમ બાળકો હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ પહોંચે તે પહેલાં આરોપી પ્રદીપ બાળકો અને પત્‍નીના મૃતદેહને રૂમમાં છોડીને ફરાર થઈ ગયો હતો. રૂમને બહારથી તાળું મારેલું હતું.

સાંગાનેરના ACP દીપક કુમાર ખંડેલવાલના જણાવ્‍યા અનુસાર, પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્‍યું છે કે બુધવારે કોઈ વાતને લઈને પ્રદીપ અને લક્ષ્મી વચ્‍ચે વિવાદ થયો હતો. આ દરમિયાન ગુસ્‍સામાં આવીને પ્રદીપે લોખંડના સળિયાથી લક્ષ્મીના માથા પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજા થવાને કારણે તેનું મોત થયું હતું. હત્‍યા કર્યા બાદ આરોપીએ કોઈને તેની જાણ કરી નહોતી અને લગભગ ૨ દિવસ સુધી મૃતદેહ સાથે રૂમમાં જ રહ્યો હતો. આ દરમિયાન ત્રણેય નાનાં બાળકો પણ એ જ રૂમમાં હાજર હતાં.

શુક્રવારે સવારે આરોપી પ્રદીપે પોતે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પત્‍નીની હત્‍યાની જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી ત્‍યારે આરોપી ત્‍યાંથી ગાયબ હતો. ત્‍યાર બાદ પોલીસે મોબાઇલ લોકેશનના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી. થોડી જ વારમાં પોલીસે એપાર્ટમેન્‍ટ પાસેની એક ગલીમાં છુપાયેલા પ્રદીપને પકડી લીધો હતો. હાલમાં પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને હત્‍યા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર, મૃતક લક્ષ્મી મૂળ બુંદીની રહેવાસી હતી, જ્‍યારે આરોપી પ્રદીપ અજમેરનો રહેવાસી છે. બંને સાથે મળીને મજૂરી કામ કરતાં હતાં. ઘટનાની જાણ થતાં જ FSLની ટીમને ઘટનાસ્‍થળે બોલાવવામાં આવી હતી, જ્‍યાંથી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્‍યા હતા. પોલીસે મૃતદેહને મહાત્‍મા ગાંધી હોસ્‍પિટલના શબઘરમાં રાખ્‍યો છે. બીજી તરફ, ત્રણેય માસૂમ બાળકોની સ્‍થિતિ અને તેમની દેખરેખને લઈને પણ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ સમગ્ર મામલાની તપાસમાં વ્‍યસ્‍ત છે.

(10:12 AM IST)