<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

ઉત્તર પ્રદેશના બલરામપુરમાં કાળજું કંપાવનારી ઘટના: ડાંગરના ખેતરમાં મોઢામાં કપડું ઠાંસીને ત્યજી દેવાયેલી નવજાત બાળકીનો ખાખી વર્ધીએ બચાવ્યો જીવ!

સામાજિક બદનામીના ડરથી પીશાચી કૃત્ય કરનારી જનની અને નાની જેલના સળિયા પાછળ: અવિવાહિત સંબંધોથી જન્મેલી બાળકીની હત્યાના પ્રયાસ બદલ ૨૨ વર્ષીય મહિલાની ધરપકડ

બલરામપુર : ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાંથી મમતાને લજવતી અને માનવતાને શરમસાર કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક ડાંગરના ખેતરમાંથી માત્ર એક જ દિવસની નવજાત બાળકી મોઢામાં કપડું ભરેલી અને અત્યંત ગંભીર હાલતમાં મળી આવી હતી. સદ્ભાગ્યે સ્થાનિક પોલીસની ત્વરિત કાર્યવાહીને કારણે માસૂમ બાળકીનો જીવ બચી ગયો છે. આ કાળજું કંપાવનારા કિસ્સામાં પોલીસે બાળકીની જનેતા અને તેની નાનીની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધી છે.

 

ખેતરમાંથી સફેદ કપડામાં વીંટળાયેલી માસૂમ મળી આવી

 

બલરામપુરના પોલીસ અધિક્ષક (SP) માર્તંડ પ્રકાશ સિંહે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત ૧૭ સપ્ટેમ્બરના રોજ શ્રીદત્તગંજ પોલીસ સ્ટેશન હેઠળ આવતા કિથુરા ગામમાં એક ડાંગરના ખેતરમાંથી સફેદ કપડામાં વીંટળાયેલી નવજાત બાળકી મળી આવી હતી. નિર્દયી માતાએ બાળકીનો અવાજ બહાર ન આવે અને તે ગૂંગળાઈને મરી જાય તે હેતુથી તેના મોઢામાં કપડું ઠાંસી દીધું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકીને ખેતરમાંથી બહાર કાઢી બલરામપુરની સરકારી હોસ્પિટલના પ્રસૂતિ વોર્ડમાં સારવાર અર્થે ખસેડી હતી, જ્યાં સમયસરની સારવારથી બાળકીનો જીવ બચી ગયો હતો.

 

ગામના ચોકીદારની ફરિયાદ બાદ કડક તપાસ

 

આ અમાનવીય કૃત્ય અંગે ગામના ચોકીદારની ફરિયાદના આધારે શ્રીદત્તગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને ગામની જ એક ૨૨ વર્ષીય યુવતી પર શંકા ગઈ હતી, જે અગાઉ ગર્ભવતી હતી પરંતુ છેલ્લા એક-બે મહિનાથી ગામમાં ક્યાંય દેખાતી નહોતી. શંકાના આધારે પોલીસે યુવતી અને તેની ૪૮ વર્ષીય માતાને અટકાયતમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી.

 

અનૈતિક સંબંધો અને બદનામીના ડરથી કરી કબૂલાત

 

શરૂઆતમાં માતા-પુત્રી બંનેએ પોલીસને ગુમરાહ કરવાનો અને વાત ટાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આકરી પૂછપરછ સામે તેઓ ભાંગી પડ્યા હતા. તેમણે કબૂલાત કરી હતી કે યુવતીને તેના જ એક સગા (સંબંધી) સાથે અનૈતિક સંબંધો હતા, જેના પરિણામે આ બાળકીનો જન્મ થયો હતો. અવિવાહિત પુત્રીના બાળકના જન્મથી સમાજમાં થનારી ઘોર બદનામીના ડરથી તેમણે બાળકીની હત્યા કરવાના ઈરાદાથી મોઢામાં કપડું ઠાંસીને ખેતરમાં ત્યજી દીધી હતી. પોલીસે આ બંને મહિલાઓની ધરપકડ કરી છે, જ્યારે આ કાવતરામાં સામેલ 'સાજન' નામના સંબંધીને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.

 

(8:38 PM IST)