News of Monday, 28th September 2026
શું ચૂંટણી પંચમાં સર્જાયેલો આંતરિક વિવાદ આખરે થાળે પડ્યો? CEC જ્ઞાનેશ કુમારે બંને કમિશનરો સાથે ચા પીને ચર્ચા કરી!
ડૉ. સંધૂ અને ડૉ. જોશી સાથેની હળવી પળો બાદ કમિશનમાં સકારાત્મક વાતાવરણ: હવેથી તમામ નિર્ણયો સર્વસંમતિ અને પારદર્શિતાથી લેવાશે

નવી દિલ્હી, તા.૨૮: દેશમાં ચૂંટણી પંચ અને તેના નિર્ણયોને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ છે ત્યારે ભારતીય ચૂંટણી પંચ (ECI) ના અંદરના ગલિયારામાંથી એક અત્યંત રાહતજનક સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરો ડૉ. સુખબીર સિંહ સંધૂ તેમજ ડૉ. વિવેક જોશી વચ્ચે ચાલી રહેલો આંતરિક તણાવ અને મતભેદ આખરે શાંત પડ્યો હોય તેવી મજબૂત ચર્ચાઓ શરૂ થઈ છે. શનિવારે કમિશનની આહૂચિત બેઠક પૂર્ણ થયા બાદ ત્રણેય ઉચ્ચ અધિકારીઓએ સાથે બેસીને હળવા વાતાવરણમાં ચર્ચા કરી વિવાદનો અંત લાવવાની દિશામાં હકારાત્મક પગલું ભર્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શનિવારે બપોરે ૩ વાગ્યે કમિશનની એક મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થયા બાદ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે બંને કમિશનરોને પોતાની ચેમ્બરમાં ચા માટે આમંત્રિત કર્યા હતા. આ મુલાકાત દરમિયાન સકારાત્મક વાતાવરણમાં વાર્તાલાપ થયો હતો. જોકે, વિવેક જોશીની સરખામણીએ સુખબીર સિંહ સંધૂની નારાજગી સંપૂર્ણપણે દૂર થવામાં હજુ થોડો સમય લાગી શકે છે, પરંતુ મોટાભાગના મહત્વપૂર્ણ વહીવટી મુદ્દાઓ પર ત્રણેય અધિકારીઓ વચ્ચે સહમતિ સાધી લેવામાં આવી છે.
દિલ્હીના ૩૩ લાખ મતદારોની અટકેલી નોટિસની પ્રક્રિયા ફરી વેગ પકડશે
ભવિષ્યમાં કમિશનની અંદર ફરી આવો કોઈ વિવાદ કે કમ્યુનિકેશન ગેપ ઊભો ન થાય તે માટે હવેથી તમામ નીતિ વિષયક નિર્ણયો સર્વસંમતિથી જ લેવાનો સીમાચિહ્નરૂપ નિર્ણય કરવામાં આવ્યો છે. વહીવટી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવાના ભાગરૂપે શનિવારની બેઠક અગાઉ જ બંને કમિશનરોને એજન્ડાની નકલ મોકલી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં મતદાર યાદીઓની ભૂલો સુધારવા માટે આશરે ૩૩ લાખ મતદારોને નોટિસ પાઠવવાનો આદેશ કમિશનરોના આંતરિક મતભેદોને કારણે અટકી પડ્યો હતો. હવે આ આંતરિક મામલો ઉકેલાઈ જતાં અટકેલી કામગીરીઓ ઝડપથી આગળ વધશે. છતાં, વિપક્ષ દ્વારા આ મામલે શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી ઘમાસાણ વચ્ચે ચૂંટણી પંચનો આ વિવાદ સંપૂર્ણ પૂરો થયો છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
