તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
બંદૂક છોડી બોલિવૂડમાં એન્ટ્રી: 9 પૂર્વ મહિલા નક્સલીઓ હવે રૂપેરી પડદે દેખાશે
રાયપુરમાં રેમ્પ વૉકથી ચર્ચામાં આવેલી મહિલાઓને હિન્દી ફિલ્મમાં અભિનયની તક; 1994ના બસ્તર સંઘર્ષ અને જંગલના સત્યઘટના આધારિત જીવન પર બનશે ફિલ્મ

રાયપુર: છત્તીસગઢના બસ્તરમાં ક્યારેક હાથમાં બંદૂક અને હિંસાનો માર્ગ અપનાવનાર 9 પૂર્વ મહિલા નક્સલીઓ હવે પોતાની નવી જિંદગીની શરૂઆત સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આત્મસમર્પણ કરીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાયેલી આ મહિલાઓ 1994ના બસ્તરના ખૌફનાક સંઘર્ષ અને જંગલના વાસ્તવિક જીવન પર આધારિત એક આગામી હિન્દી ફિલ્મમાં અભિનય કરતી જોવા મળશે.
તાજેતરમાં રાયપુરમાં યોજાયેલા એક સરકારી કાર્યક્રમમાં આ પૂર્વ મહિલા નક્સલીઓએ રેમ્પ વૉક કર્યું હતું. તેમના આ આત્મવિશ્વાસપૂર્ણ રેમ્પ વૉક અને અદાકારીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ફિલ્મ નિર્માતાઓનું ધ્યાન તેમના તરફ ખેંચાયું હતું. બસ્તરના વાસ્તવિક માહોલ અને સંઘર્ષને પડદા પર તાદ્રશ કરવા માટે ફિલ્મ નિર્માતાઓએ આ જ મહિલાઓને ફિલ્મનો હિસ્સો બનાવવાનો નિર્ણય લીધો છે.
ફિલ્મમાં કામ આપતા પહેલાં આ તમામ 9 મહિલાઓનું ઔપચારિક ઓડિશન લેવામાં આવશે. ત્યારબાદ પસંદગી પામેલી મહિલાઓને કેમેરા સામે સંવાદ અને અભિનયની બારીકીઓ શીખવવા માટે મુંબઈના નિષ્ણાતો દ્વારા 15 દિવસની વિશેષ એક્ટિંગ વર્કશોપ (તાલીમ) આપવામાં આવશે. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં બસ્તર અને દક્ષિણ બસ્તરના ઘનઘોર જંગલોમાં જ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે આ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકારના પ્રયાસોથી બસ્તરમાં નક્સલવાદનો ખાતમો થઈ રહ્યો છે અને શાંતિ સ્થપાઈ રહી છે. બસ્તરની પ્રતિભાઓને હવે દેશ અને દુનિયા સમક્ષ પોતાની નવી ઓળખ બનાવવાની પૂરી તક મળી રહી છે. કાળી ડિબંગ રાતો અને ગોળીબાર વચ્ચે જીવનારી આ મહિલાઓ માટે બંદૂક છોડીને રૂપેરી પડદા સુધી પહોંચવાની આ સફર પુનર્વસન અને નવી ઓળખનું એક મોટું ઉદાહરણ બની રહી છે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
