News of Friday, 23rd October 2026
જોર્ડનમાં કરાકની ચર્ચમાં અંતિમ સંસ્કાર દરમિયાન બંદૂકધારીઓનો અંધાધૂંધ ગોળીબાર : ૭ લોકોના મોતથી ભારે અરેરાટી!
માતમ વચ્ચે મરણચીસો: ચર્ચની બહાર કારમાંથી ઉતરીને હુમલાખોરોએ ૫ મિનિટ સુધી અવિરત ગોળીઓ વરસાવી : ૧૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં આખા પ્રદેશમાં ભારે તણાવ

અમ્માન: મધ્ય પૂર્વના દેશ જોર્ડનના કરાક શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક પવિત્ર ચર્ચ પરિસરમાં ચાલી રહેલા અંતિમ સંસ્કારના કાર્યક્રમ દરમિયાન અજાણ્યા બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને લોહીની નદીઓ વહાવી દીધી છે. આ ભયાનક આતંકી શૈલીના હુમલામાં ગણતરીની મિનિટોમાં જ ઓછામાં ઓછા સાત નિર્દોષ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ૧૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે ભયનો માહોલ છવાઈ ગયો છે.
સ્થાનિક મીડિયા 'અલ-મામલકા ટીવી'ના અહેવાલો અનુસાર, એક પુરઝડપે આવેલી શંકાસ્પદ કાર ચર્ચની બહાર આવીને ઊભી રહી હતી. તેમાંથી બે ઘાતક હથિયારોથી સજ્જ અજાણ્યા બંદૂકધારીઓ બહાર નીકળ્યા અને કાંઈ પણ વિચાર્યા વગર શ્રદ્ધાંજલિ આપવા એકઠા થયેલા લાચાર શ્રદ્ધાળુઓ પર સીધું ફાયરિંગ શરૂ કરી દીધું હતું. હુમલાખોરોએ સતત પાંચ મિનિટ સુધી અવિરત ગોળીબાર ચાલુ રાખ્યો હતો, જેના કારણે ચર્ચ પરિસરમાં ભાગદોડ મચી ગઈ હતી અને માતમનો માહોલ ચિચિયારીઓમાં ફેરવાઈ ગયો હતો. લોહીલુહાણ ખેલ ખેલ્યા બાદ બંને હુમલાખોરો અંધારાનો લાભ ઉઠાવીને વાહનમાં ફરાર થઈ ગયા હતા.
આ ભયાનક ઘટનાના સમાચાર મળતાં જ જોર્ડનના સુરક્ષા દળો અને ઈમરજન્સી સર્વિસે ઘટનાસ્થળે પહોંચીને આખા વિસ્તારને ઘેરી લીધો હતો. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. દેશની રાજધાની અમ્માનથી લઈને કરાક સુધી કડક નાકાબંધી કરીને નાસી છૂટેલા બંદૂકધારીઓને પકડી પાડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. શાંતિપ્રિય દેશ ગણાતા જોર્ડનમાં ધાર્મિક સ્થળ પર થયેલા આ ક્રૂર હુમલાએ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
