News of Friday, 22nd May 2026
ગ્લોબલ ફેશન જગતમાં ગુંજ્યું ગુજરાતનું નામ: પ્રતિષ્ઠિત 'LVMH પ્રાઇઝ'ના ફાઇનલિસ્ટમાં સ્થાન મેળવી ભારતીય મૂળના અનિલ પડિયાએ રચ્યો નવો ઇતિહાસ
૧૦૦ વર્ષ પહેલાં ગુજરાતથી કેન્યા સ્થળાંતર કરનારા પરિવારના વારસા અને હસ્તકલાને પેરિસના રેમ્પ સુધી પહોંચાડી 'યોશિતા ૧૯૬૭' બ્રાન્ડે જગત ગજવ્યું

રાજકોટ : વૈશ્વિક ફેશન ઉદ્યોગના સૌથી હાઈ-પ્રોફાઈલ મંચ ગણાતા પેરિસમાં અત્યારે એક ભારતીય નામનો ડંકો વાગી રહ્યો છે. મૂળ ગુજરાત સાથે કનેક્શન ધરાવતા અને કેન્યામાં સ્થાયી થયેલા જાણીતા ડિઝાઇનર અનિલ પડિયાએ ઇન્ટરનેશનલ ફેશન વર્લ્ડમાં એક બહુ મોટો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. લક્ઝરી ફેશન સેક્ટરમાં ઉભરતી પ્રતિભાઓ માટે વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન ગણાતા 'LVMH પ્રાઇઝ ફોર યંગ ફેશન ડિઝાઇનર્સ' (LVMH Prize) ના ફાઇનલિસ્ટ તરીકે સત્તાવાર રીતે અનિલ પડિયાની પસંદગી કરવામાં આવી છે. ફેશનની દુનિયામાં આ એવોર્ડ મેળવવો એ ઓસ્કર સમાન માનવામાં આવે છે, જેના કારણે વૈશ્વિક મીડિયાનું ધ્યાન હવે આ ભારતીય મૂળના યુવાન પર કેન્દ્રિત થયું છે.
અનિલ પડિયા એ વૈશ્વિક ફેશન બ્રાન્ડ 'યોશિતા ૧૯૬૭' (Yoshita 1967) ના સ્થાપક છે. આ બ્રાન્ડની સ્થાપના પાછળ એક અત્યંત રસપ્રદ અને ભાવનાત્મક કહાની છુપાયેલી છે. આજથી બરાબર એક સદી એટલે કે ૧૦૦ વર્ષ પહેલાં તેમનો પરિવાર ગુજરાતથી દરિયો ખેડીને ન્યેરી (કેન્યા) ખાતે સ્થળાંતરિત થયો હતો. પોતાના પૂર્વજોની એ ઐતિહાસિક સફર, પરિવારની જૂની યાદો અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા અનિલે આ ફેશન હાઉસ શરૂ કર્યું હતું. આજે આ અદભુત લેબલ કેન્યા અને ફેશનની રાજધાની પેરિસ વચ્ચે ઓપરેટ થાય છે, જે પરંપરાગત ભારતીય-આફ્રિકન હસ્તકલા અને આધુનિક પશ્ચિમી ડિઝાઇન્સનું એક અદભુત ફ્યુઝન પૂરું પાડે છે.
આજના આધુનિક સમયમાં જ્યાં આખું માર્કેટ સસ્તા અને મશીનમેડ 'ફાસ્ટ ફેશન' તરફ દોડી રહ્યું છે, ત્યારે અનિલ પડિયાએ 'સ્લો ફેશન' અને પરંપરાગત કારીગરીને જીવંત રાખવાનો મુશ્કેલ માર્ગ પસંદ કર્યો છે. તેમની બ્રાન્ડ ખાસ કરીને મહિલાઓના નેતૃત્વવાળા સ્થાનિક કારીગર સમુદાયો સાથે સીધું જોડાણ કરીને કપડાં તૈયાર કરે છે. તેમની ડિઝાઇનમાં વંશ, જૂની પરંપરાઓ, ધાર્મિક વિધિઓ અને કૌટુંબિક ઇતિહાસની ઝલક જોવા મળે છે. અનિલ પોતાના લેબલ વિશે ભાવુક થઈને કહે છે કે, "આ બ્રાન્ડ મારા જીવનમાં અને વંશાવલીમાં અન્યાયનો ભોગ બનેલી તેમજ અણસાંભળેલી રહી ગયેલી મહિલાઓના અવાજને વાચા આપવાનું એક માધ્યમ છે."
તાજેતરમાં યોજાયેલા વૈશ્વિક સ્તરના 'પેરિસ ફેશન વીક SS25' દરમિયાન અનિલ પડિયાએ પોતાનું નવું કલેક્શન 'ટેમ્પલ રોડ' રજૂ કર્યું હતું, જેની ફેશન વિવેચકો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી હતી. આ અદભુત કલેક્શન કેન્યાના ન્યેરી શહેરમાં તેમના પરદાદા દ્વારા બનાવવામાં આવેલા એક પૌરાણિક મંદિરની આધ્યાત્મિકતા અને ધાર્મિક વિધિઓની યાદોથી પ્રેરિત હતું, જેને કપડાંના માધ્યમથી રેમ્પ પર જીવંત કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૩ માં શરૂ થયેલું 'LVMH પ્રાઇઝ' એ ૧૮ થી ૪૦ વર્ષની વયના વિશ્વભરના એવા યુવા ડિઝાઇનર્સ માટેનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છે જેઓ ઓછામાં ઓછા બે સફળ કલેક્શન માર્કેટમાં ઉતારી ચૂક્યા હોય. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા જીતનાર વિજેતાને માત્ર વૈશ્વિક ઓળખ જ નથી મળતી, પરંતુ વૈશ્વિક બજારમાં પોતાના બિઝનેસને વિસ્તારવા માટે ૪,૦૦,૦૦૦ યુરો (અંદાજે ૩.૭ કરોડ રૂપિયાથી વધુ) ની માતબર ગ્રાન્ટ અને એક વર્ષ સુધી LVMH ના ટોચના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનું ખાસ માર્ગદર્શન (મેન્ટરશિપ) પણ મળે છે. ગુજરાતના વારસાને આટલી મોટી વૈશ્વિક ઊંચાઈ પર લઈ જવા બદલ સોશિયલ મીડિયા પર પણ અનિલ પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
