News of Friday, 24th April 2026
રિલાયન્સના રોકાણકારો માટે ખુશખબર: મુકેશ અંબાણીએ પ્રતિ શેર ₹6 ના ડિવિડન્ડની કરી જાહેરાત; જિયોના લિસ્ટિંગ અંગે આપ્યા મોટા સંકેત
RIL ના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર: રિફાઇનિંગ સેક્ટરમાં ‘સુપર પ્રોફિટ’ છતાં પેટ્રોકેમિકલ્સમાં દબાણ; જિયોના લિસ્ટિંગ તરફ કંપનીએ વધાર્યા ડગલાં

મુંબઈ : દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) એ આજે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના ચોથા ત્રિમાસિક ગાળા (Q4) ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ તેના શેરધારકો માટે પ્રતિ શેર ₹6 ના ડિવિડન્ડની જાહેરાત કરીને રોકાણકારોને મોટી ભેટ આપી છે. આ પરિણામોમાં ખાસ કરીને રિફાઇનિંગ બિઝનેસમાં શાનદાર દેખાવ જોવા મળ્યો છે, જે આગામી સમયમાં કંપની માટે વધુ નફાકારક સાબિત થઈ શકે છે.
નફા અને માર્જિનના આંકડા પર એક નજર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ ત્રિમાસિક ગાળામાં ₹16,971 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જોકે, પાછલા ત્રિમાસિક ગાળા (₹18,645 કરોડ) અને ગયા વર્ષના સમાન ગાળા (₹19,407 કરોડ) ની સરખામણીએ નફામાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીનું એકીકૃત EBITDA ₹14,520 કરોડ રહ્યું છે, જ્યારે EBITDA માર્જિન 7.9% નોંધાયું છે. માર્કેટ વિશ્લેષક દેવેન ચોક્સીના મતે, માંગમાં વધઘટને કારણે પેટ્રોકેમિકલ બિઝનેસ પર થોડું દબાણ રહ્યું છે, પરંતુ રિફાઇનિંગ સેક્ટરની મજબૂતી કંપનીને ટેકો આપી રહી છે.
જિયોના લિસ્ટિંગ અંગે મુકેશ અંબાણીનું નિવેદન
પરિણામોની જાહેરાત સાથે ચેરમેન મુકેશ અંબાણીએ એક મહત્વપૂર્ણ સંકેત આપતા જણાવ્યું હતું કે, કંપની જિયો પ્લેટફોર્મ્સના બહુપ્રતિક્ષિત લિસ્ટિંગ (IPO) તરફ સતત અને મક્કમતાથી આગળ વધી રહી છે. આ સમાચાર બાદ બજારમાં જિયોના અલગ લિસ્ટિંગને લઈને ફરી એકવાર ઉત્તેજના જોવા મળી રહી છે. અંબાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રિલાયન્સ તેના વિવિધ બિઝનેસ વર્ટિકલ્સ દ્વારા ગ્રાહકોને શ્રેષ્ઠ મૂલ્ય આપવાનું ચાલુ રાખશે.
બજારની નજર હવે સોમવાર પર
રિલાયન્સના આ મિશ્ર પરિણામો અને ડિવિડન્ડની જાહેરાત બાદ હવે શેરબજારના વિશ્લેષકો સોમવારે શેરના ભાવ પર શું અસર થાય છે તેની રાહ જોઈ રહ્યા છે. રિફાઇનિંગમાં 'સુપર નફો' અને જિયોના લિસ્ટિંગની તૈયારીઓ લાંબા ગાળાના રોકાણકારો માટે આશાસ્પદ પાસું બની રહી છે.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
