News of Monday, 12th October 2026
બહરીનમાં વસતા ભારતીયો સહિત વિદેશી કામદારો માટે ખુશખબર: હવે બીજા નોકરીદાતા સાથે પણ ૯૦ દિવસ સુધી કરી શકાશે કામ, LMRA દ્વારા નિયમોમાં કરાયા મોટા સુધારા!
'રિઝોલ્યુશન નંબર ૨' હેઠળ કામચલાઉ નોકરીની મળી નવી મંજૂરી: 'એક્સપેટ મેનેજમેન્ટ સિસ્ટમ' દ્વારા કરાશે અરજી; કંપનીઓ અને વિદેશી શ્રમિકો બંને માટે ફ્લેક્સિબિલિટી વધશે

મનામા, તા.૧૨: મધ્ય પૂર્વના દેશ બહરીનમાં વસતા ભારતીયો સહિત લાખો વિદેશી કામદારો અને ત્યાંની વિવિધ કંપનીઓ માટે બહરીન સરકારે એક અત્યંત મહત્વનો અને રાહતરૂપ નિર્ણય લીધો છે. 'લેબર માર્કેટ રેગ્યુરેટરી ઓથોરિટી' (LMRA) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો અનુસાર, હવે વિદેશી કામદારો પોતાના મૂળ સ્પોન્સર સિવાય અન્ય નોકરીદાતા (એમ્પ્લોયર) સાથે પણ ૯૦ દિવસ સુધી કામચલાઉ (ટેમ્પરરી) ધોરણે કામ કરી શકશે. આ નવા ફેરફારથી કંપનીઓને તેમની ક્ષણિક સ્ટાફની અછત પૂરી કરવાની અને વિદેશી કામદારોને વધારાની રોજગાર તક મેળવવાની ઉત્તમ સુવિધા મળશે.
આ નવો સુધારો 'રિઝોલ્યુશન નંબર ૨' હેઠળ લાગુ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરગથ્થુ કામદારો સિવાયના અન્ય તમામ વિદેશી શ્રમિકો માટેના વર્ક પરમિટ નિયમોને વધુ લવચીક બનાવવાનો છે. નવા નિયમ અનુસાર, અન્ય કંપની સાથે ત્રણ મહિના સુધી કામ કરવા માટે કામદારની લેખિત મંજૂરી, બંને કંપનીઓ વચ્ચેનો પરસ્પર કરાર અને LMRAની અધિકૃત મંજૂરી ફરજિયાત રહેશે. ઈમિગ્રેશન સેવા પૂરી પાડતી એજન્સી 'ફ્રેગોમેન'ના જણાવ્યા અનુસાર, આ કામચલાઉ ગોઠવણ માટે નવી કંપનીએ માત્ર ૫ બહરીની દિનાર (BHD) ની નજીવી વહીવટી ફી ચૂકવવાની રહેશે.
જોકે, આ સુવિધાનો લાભ લેવા માટે સ્થાનિક નાગરિકોને રોજગારી આપવાના 'બહરીનાઇઝેશન' (Bahrainisation) ના નિયમોનું પાલન કરવું અનિવાર્ય રહેશે. જો નવી કંપનીનો બહરીનાઇઝેશન દર મૂળ કંપની કરતા ઓછો હશે, તો વધારાની નિયત ફી ભરવી પડશે. આ ઉપરાંત, આ નવા નિયમ અંતર્ગત કંપનીઓ પોતાના એક જ ગ્રુપની અન્ય શાખાઓ કે સંસ્થાઓ વચ્ચે પણ કર્મચારીઓની તૈનાતી સરળતાથી કરી શકશે. આ સિસ્ટમથી મૂળ નોકરીદાતા અને કામ રાખનાર નવી કંપની બંને પર કર્મચારીના તમામ રોજગાર-સંબંધિત હકો અને જવાબદારીઓની સહિયારી જવાબદારી રહેશે.
LMRA એ સ્પષ્ટતા કરી છે કે આ સુધારો પહેલેથી જ બહરીનમાં વૈધ વર્ક પરમિટ સાથે હાજર રહેલા વિદેશી કામદારોને જ લાગુ પડશે અને આનાથી વિદેશથી નવી ભરતીઓ માટેનો કોઈ નવો માર્ગ ખોલવામાં આવ્યો નથી. આ સુધારા પાછળનો મુખ્ય હેતુ બહરીનની કંપનીઓમાં કામચલાઉ સ્ટાફની અછત દૂર કરવાનો, અનધિકૃત રીતે થતા ગેરકાયદેસર કામકાજ પર રોક લગાવવાનો અને બહરીની નાગરિકોના રોજગારના અધિકારો જાળવીને વિદેશી કામદારોના હિતોનું સંતુલિત રક્ષણ કરવાનો છે.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
