<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

બ્રિટન ભણવા જવું હવે લોઢાના ચણા ચાવવા જેવું! વિઝાના કડક નિયમોથી ભારતીય વિદ્યાર્થીઓમાં ૬૬% નો તોતિંગ ઘટાડો, યુનિવર્સિટીઓ પર ‘રેડ સિગ્નલ’ નો ખતરો

યુકે સરકારની નવી ‘ટ્રાફિક લાઈટ’ સિસ્ટમથી શિક્ષણ જગતમાં ફફડાટ: વિઝા રિજેક્શન રેટ ૪% થી વધ્યો તો યુનિવર્સિટીઓ પર લાગશે પ્રતિબંધ, એડમિશન પ્રક્રિયામાં ‘નાણાકીય ફિલ્ટર’ કડક કરાયા

લંડન, તા.૨૨: વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ ગણાતા યુનાઇટેડ કિંગડમ (UK) ના દ્વાર હવે ધીમે-ધીમે બંધ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. યુકે સરકાર દ્વારા વિઝા નિયમોમાં કરવામાં આવેલા કડક સુધારાની સીધી અસર હવે આંકડાઓમાં દેખાઈ રહી છે. એક તાજેતરના સર્વે મુજબ, બ્રિટનની અડધાથી વધુ યુનિવર્સિટીઓ નવા વિઝા પાલન નિયમોના કારણે પ્રતિબંધોના ડર હેઠળ જીવી રહી છે.
ભારત સહિતના એશિયન દેશોમાંથી નોંધણીમાં ગાબડું
બ્રિટિશ યુનિવર્સિટીઝ ઇન્ટરનેશનલ લાયઝન એસોસિએશન (BUILA) ના રિપોર્ટ પ્રમાણે, જાન્યુઆરી ૨૦૨૬ ના ઇન્ટેકમાં અનુસ્નાતક (Postgraduate) અભ્યાસક્રમોમાં ૭૦% સંસ્થાઓએ વિદ્યાર્થીઓના ઘટાડાનો સામનો કર્યો છે. સૌથી વધુ અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડી છે, જ્યાં નોંધણીમાં ૬૬% નો ઘટાડો નોંધાયો છે. આ સિવાય પાકિસ્તાન (૮૨%) અને બાંગ્લાદેશ (૬૫%) માંથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ તળિયે બેસી ગઈ છે.
શું છે આ ‘ટ્રાફિક-લાઇટ’ ફ્રેમવર્ક?
યુકે સરકારે યુનિવર્સિટીઓ માટે એક નવું મૂલ્યાંકન માળખું તૈયાર કર્યું છે:
•    ગ્રીન રેટિંગ: જે યુનિવર્સિટીનો વિઝા અસ્વીકાર દર (Rejection Rate) ૪% થી ઓછો હશે, તે સુરક્ષિત રહેશે.
•    એમ્બર/રેડ રેટિંગ: જો વિઝા રિજેક્શન રેટ વધશે, તો યુનિવર્સિટીને ‘એમ્બર’ કે ‘રેડ’ શ્રેણીમાં મુકાશે. આવી સંસ્થાઓ પર નવા વિદ્યાર્થીઓની ભરતી કરવા માટે તાત્કાલિક પ્રતિબંધો લાદવામાં આવી શકે છે.
એડમિશન મેળવવું હવે બનશે વધુ કઠિન
પોતાનું રેટિંગ જાળવી રાખવા માટે યુનિવર્સિટીઓએ હવે એડમિશન પ્રક્રિયા અત્યંત જટિલ બનાવી દીધી છે. હવે વિદ્યાર્થીઓએ માત્ર શૈક્ષણિક લાયકાત જ નહીં, પરંતુ નીચેની કસોટીઓમાંથી પણ પસાર થવું પડશે:
૧. કડક નાણાકીય તપાસ: બેંક બેલેન્સ અને આવકના સ્ત્રોતોનું ઝીણવટભર્યું નિરીક્ષણ.
૨. વિશ્વસનીયતા ઇન્ટરવ્યુ: વિદ્યાર્થી ખરેખર ભણવા માંગે છે કે કામ કરવા, તેની કડક પૂછપરછ.
૩. મોટી ડિપોઝિટ: એડમિશન કન્ફર્મ કરવા માટે અગાઉ કરતા વધુ રકમ જમા કરાવવાની માંગ.
વૈશ્વિક સ્તરે યુકેની છબીને નુકસાનની ભીતિ
BUILA ના અધ્યક્ષ એન્ડ્રુ બર્ડે ચેતવણી આપી છે કે સરકાર જે રીતે ‘ગોલ-પોસ્ટ’ બદલી રહી છે તેનાથી વાસ્તવિક અને હોનહાર વિદ્યાર્થીઓ પણ યુકે આવતા અટકી જશે. જો આ જ સ્થિતિ રહી તો વૈશ્વિક શિક્ષણ જગતમાં બ્રિટન જે દબદબો ધરાવે છે, તેને લાંબા ગાળે મોટું નુકસાન થઈ શકે છે.
યુકેમાં અભ્યાસનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે હવે માત્ર ડિગ્રી જ નહીં, પણ ‘વિઝા ક્લિયરન્સ’ સૌથી મોટો પડકાર બની ગયો છે.

(5:03 PM IST)