News of Wednesday, 15th July 2026
વૈશ્વિક મહાસત્તાની ગુંડાગીરી! ICCની "ઈંટથી ઈંટ તોડી પાડવાની" અમેરિકાની ધમકી: જાણો શા માટે આ આંતરરાષ્ટ્રીય કોર્ટથી ફફડે છે સુપરપાવર
અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોના આકરા પ્રહારથી વૈશ્વિક કૂટનીતિ ગરમાઈ: પોતાના સૈનિકો અને સાથી દેશોને યુદ્ધ ગુનાઓની તપાસથી બચાવવા માટે આખી દુનિયા પર દબાણ વધાર્યું

વોશિંગ્ટન: આંતરરાષ્ટ્રીય સ્તરે નરસંહાર અને યુદ્ધ ગુનાઓ ની તપાસ કરતી સંસ્થા ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) અને વિશ્વની સૌથી મોટી મહાસત્તા અમેરિકા વચ્ચેનો શીતયુદ્ધ જેવો સંઘર્ષ હવે ખુલ્લી ધમકીઓ પર આવી ગયો છે. અમેરિકાના નવા વિદેશ સચિવ માર્કો રુબિયોએ ICC પર આકરા પ્રહારો કરતા તેને "ઈંટથી ઈંટ તોડી પાડવાની" સીધી ધમકી આપી છે. આ ધમકી પાછળ અમેરિકાનો એવો ભય છે કે કાળા માથાના માનવીઓ માટે ન્યાયની આશા ગણાતી આ અદાલત ભવિષ્યમાં યુએસ સૈનિકો, તેના જાસૂસો અને ખાસ કરીને ઇઝરાયેલ જેવા તેના કટ્ટર સાથી દેશોના નેતાઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી ન કરી દે.
આ આક્રોશ વચ્ચે, અમેરિકાએ કૂટનીતિક મર્યાદાઓ ઓળંગીને વિશ્વના અન્ય નાના દેશો પર ધાક-ધમકીનું રાજકારણ શરૂ કર્યું છે. વોશિંગ્ટન એવા દેશોને લાલ આંખ બતાવી રહ્યું છે જેઓ આ અદાલતના સભ્યો છે. અમેરિકાની માંગ છે કે આ દેશો લેખિતમાં ખાતરી આપે કે તેઓ તેમના દેશની ધરતી પર કોઈપણ અમેરિકન સૈનિક કે અધિકારી વિરુદ્ધ ICC ના અધિકારક્ષેત્ર અથવા તેની ધરપકડના આદેશોને માન્યતા નહીં આપે. જે દેશો આ આદેશ માનવાનો ઇનકાર કરી રહ્યા છે, તેમને અમેરિકન વિઝા પર પ્રતિબંધ, લશ્કરી સહાયમાં કાપ અને આકરા આર્થિક પ્રતિબંધો લાદવાની ભયાનક ચેતવણીઓ આપવામાં આવી રહી છે.
વર્ષ ૨૦૦૨ માં સ્થપાયેલી અને નેધરલેન્ડના હેગ ખાતે મુખ્ય મથક ધરાવતી આ કોર્ટથી અમેરિકા આટલું ડરે છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન જ ICC એ અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈન્ય દ્વારા આચરવામાં આવેલા કથિત અત્યાચારોની તપાસ ખોલી હતી. જોકે અમેરિકા, ભારત, ચીન અને રશિયા જેવા મોટા દેશો આ કોર્ટના સભ્યો નથી, છતાં જો કોઈ અમેરિકન સૈનિક આ કોર્ટના સભ્ય દેશની સરહદમાં પ્રવેશે તો તેના પર કાનૂની સંકટ આવી શકે છે. પોતાના સૈનિકોને બચાવવા માટે અમેરિકાએ ૨૦૦૨ માં જ 'અમેરિકન સર્વિસ-મેમ્બર્સ પ્રોટેક્શન એક્ટ' બનાવ્યો હતો, જેને દુનિયા 'હેગ ઇન્વેઝન એક્ટ' તરીકે ઓળખે છે, જે અમેરિકાને પોતાના સૈનિકોને બચાવવા માટે જરૂર પડ્યે નેધરલેન્ડ પર લશ્કરી હુમલો કરવાની પણ છૂટ આપે છે!
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
